Yesterday 5 death in accident on Dholapipla road in Navsari, funeral took place today
નવસારી /
એક સાથે 4 અર્થીઓ ઉઠતા સમરોલી ગામ હિબકે ચડ્યું, પરિવારજનોનો હૈયાફાટ આક્રંદ, ગઈ કાલે જ બની હતી ગોઝારી ઘટના
Team VTV05:09 PM, 03 May 22
| Updated: 05:23 PM, 03 May 22
નવસારીના કસ્બા ધોળાપીપળા માર્ગ પર કન્ટેઇનર અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પટેલ પરિવારના 5 સભ્યોના મોત નિપજ્યાં હતા
લગ્ન પ્રંસગ પહેલા વસમી અંતિમ વિદાય..!
એક સાથે 4 અર્થીઓ ઉઠતાં સમરોલી ગામ આક્રંદ જ આક્રંદ
નવસારીના કસ્બા ધોળાપીપળા માર્ગ પર સર્જાયો હતો અક્સ્માત
દિકરીના લગ્નની ખરીદી કરી પરત ફરતા ચીખલીના સમરોલીનો પટેલ પરિવાર નવસારીના કસ્બાપારથી ધોળાપીપળા માર્ગ પર પડઘા પાટિયા પાસે કાળ બનીને આવેલા કન્ટેનરની બોગી ઇકો પર પડતા કાર દબાઈને ચપટી થઈ ગઈ હતી. ઘટનામાં બે મહિલા સહિત ત્રણ પુરૂષોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવાનને ગંભીર અવસ્થામાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અંતિમ યાત્રાના ભાવુક દ્રશ્યો
ચીખલીના સમરોલી ગામનો પટેલ પરિવાર પર અણધારી આફત આવી ચડી હતી. એક સાથે જે કન્યાના લગ્ન હતા તેનાં માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનાં મોત થયાં હતાં. જે બાદ આજે 4 મૃતકોની અંતિમ યાત્રા એક સાથે નીકળી હતી. પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે નીકળેલી સ્મશાનયાત્રામાં મંત્રી નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ભાવુક થઈ ગયા હતા. મોટી સંખ્યામાં સંબંધીઓ અને આસપાસના પંથકના લોકો તેમજ ગામ જનો અંતિમ વિધિમાં જોડાયા હતા. આખું ગામમાં માતમનો માહોલ છવાયો હતો.
કેવી રીતે થયો ભયવાહ અકસ્માત
ગઈ કાલ સોમવારની સાંજના સુમારે ચીખલી તાલુકાના સમરોલી ગામે રહેતા પ્રફુલ પટેલની મોટી દિકરી યામિની પટેલના લગ્ન લેવામાં આવ્યા હતા. દિકરીના લગ્નના હોશ અને ઉત્સાહમાં પ્રફુલ પટેલ, તેમની પત્ની મીનાક્ષી પટેલ, તેમનો દિકરો રિદ્ધિશ ઉર્ફે શિવ પટેલ, પ્રફુલભાઈની સાળી મનીષા ઉર્ફે મંશા પટેલ, તેમજ પાડોશી રોનક પટેલ તેમજ તેનો ભાઈ દિપ પટેલ સુરત લગ્નની ખરીદી કરવા ગયા હતા. જ્યાંથી સમરોલી પરત ફરતી વખતે નવસારીના કસ્બાપારથી ધોળાપીપળા જતા રાજમાર્ગ પર પડઘા પાટિયા પાસેથી પસાર થતા હતા, ત્યારે વળાંક પાસેથી પુર ઝડપે આવતા કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનરની બોગી પલટી હતી અને પ્રફુલભાઈની ઇકો કાર પર ધડાકાભેર પડી હતી.
દીપ પટેલનો આબાદ બચાવ
વજનદાર કન્ટેનર પડતા જ ઇકોનો કચ્ચરઘાણ વળીને ચપટી થઈ ગઈ હતી અને અંદર બેઠેલા પાંચ લોકો પણ કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલ દિપ પટેલને ઘટના સ્થળે ભેગી થયેલી ભીડે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ સહિત જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે બાદમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ તેમજ સમરોલી ગામના જ વતની ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન નરેશ પટેલ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. જ્યારે કારમાં ફસાયેલા બે મૃતદેહોને કન્ટેનરને ક્રેનની મદદથી ઊંચકીને કાઢ્યા હતા. ત્યારબાદ તમામ મૃતદેહોને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પોલીસે સમગ્ર મુદ્દે કન્ટેનર ચાલાક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં 5 લોકોના થયા હતા મૃત્યુ
મીનાક્ષી પ્રફુલ પટેલ
પ્રફુલ લલ્લુ પટેલ
રોનક કાન્તી પટેલ
શિવ પ્રફુલ પટેલ
મનીષા મુકેશ પટેલ
કન્ટેનર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન
અકસ્માતમાં મોતને ભેટેલા પ્રફુલ પટેલની દિકરી યામિનીના આગામી 25 મેના રોજ અને ભાણેજના 27 મેના રોજ લગ્ન નિર્ધાર્યા હતા. પરંતુ લગ્નની ખુશી કાળમુખા કન્ટેનરને કારણે શોકમાં પરિણમી છે. પોલીસે કન્ટેનર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજે તમામ મૃતકોની અંતિમ યાત્રા એક સાથે નીકળતા ગ્રામજનો હિબકે ચડયા હતા .