દેશના કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ, હિમવર્ષા અને આંધી-તોફાનનું યલો એલર્ટ જારી કર્યું છે.
દિલ્હી-યુપીમાં કાળઝાળ ગરમી
હિમાચલ-ઉત્તરાખંડમાં હિમવર્ષા-આંધીનું યલો એલર્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જોરદાર પ્રભાવ જોવા મળશે
દેશમાં એક બાજુ કેટલાંક રાજ્યોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમીનો કહેર વધી રહ્યો છે, તો બીજી બાજુ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ, હિમવર્ષા અને આંધી-તોફાનનું યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં આજથી પાંચ દિવસ સુધી પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે અને તેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. શિમલા સ્થિત હવામાન વિજ્ઞાન કેન્દ્રએ ૨૮ ફેબ્રુઆરીએ હિમાચલના કેટલાક વિસ્તારોમાં આંધી અને તોફાનનું યલો એલર્ટ જારી કર્યું છે.
ફાઈલ ફોટો
ઉત્તરાખંડમાં પણ હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ જારી કર્યું
ઉત્તરાખંડમાં પણ હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસ માટે કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષા જોવા મળશે. ખાસ કરીને ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર અને પિથૌરાગઢમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ અને હિમવર્ષા થશે. ૨૭ ફેબ્રુઆરીએ દહેરાદૂનમાં પણ વરસાદ થશે. આ ઉપરાંત ૧-૨ માર્ચ દરમિયાન પંજાબ અને ઉત્તર હરિયાણામાં હળવો વરસાદ થશે.
ફાઈલ ફોટો
દિલ્હીમાં ૧ અને ૨ માર્ચના રોજ મહત્તમ તાપમાન ૩૨થી ૩૩ ડિગ્રી વચ્ચે રહેશે
બીજી બાજુ દિલ્હી અને યુપી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં અલ નીનોના પ્રભાવથી કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી રહેશે. આવતીકાલે દિલ્હીમાં તાપમાનનો પારો વધીને ૩૨ ડિગ્રી સુધી પહોંચી જશે.જ્યારે માર્ચના પ્રારંભિક દિવસોમાં દિલ્હીમાં ૧ અને ૨ માર્ચના રોજ મહત્તમ તાપમાન ૩૨થી ૩૩ ડિગ્રી વચ્ચે રહેશે. ઉત્તરપ્રદેશમાં પણ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે
ઉત્તરપ્રદેશમાં પણ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આજે લખનૌમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નોંધાશે. ગાઝિયાબાદમાં પણ મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી રહેશે. ૨૭ ફેબ્રુઆરીથી મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશનું તાપમાન વધી શકે છે. મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળના કેટલાક સ્થળોએ છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૩૫થી ૩૭ ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હાલ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી વધુ છે.
ફાઈલ ફોટો
ફેબ્રુઆરીના અંત સુધીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે. ફેબ્રુઆરીના છેલ્લા ચાર દિવસ દરમિયાન એટલે કે આજથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન સરેરાશ તાપમાન ૩૧થી ૩૨ ડિગ્રી રહી શકે છે. જો આવું થશે તો આ એક દાયકાનો પ્રથમ એવો ફેબ્રુઆરી મહિનો હશે, જેમાં સાત દિવસ સુધી તાપમાન ૩૦ ડિગ્રીથી વધુ નોંધાયું હોય અને આવું થશે તો એક દાયકામાં આ વર્ષનો ફેબ્રઆરી મહિનો સૌથી ગરમ બની જશે. એટલું જ નહીં, માર્ચની શરૂઆતમાં પણ કોઈ રાહત મળશે નહીં અને તાપમાનમાં વધુ બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.