Ye Jivan Hai Just 100 team works slum area hungry people food service
VTV Vishesh /
યે જીવન હૈઃ 100-100 રૂપિયાથી જસ્ટ હન્ડ્રેડ ટીમ એવું કામ કરે છે જે જાણીને તમે પણ કરશો સો-સો સલામ
Team VTV11:54 PM, 17 Jan 21
| Updated: 04:12 AM, 27 Jan 21
દર રવિવારે VTV ન્યૂઝ પર યે જીવન હૈ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર એન્કર જયેશ ચૌધરી દ્વારા કાર્યક્રમ રજૂ આવે છે. અત્યાર સુધીના સફરમાં રીક્ષા ચાલકોની વેદના, સાજીંદાઓનો સંઘર્ષ, ફૂટપાથ પરની જિંદગી, આધુનિક સમયમાં શોખ બનીને રહી ગયેલા અશ્વો, અબોલા પશુઓની વેદનાને નજીકથી જાણનાર ભાવેશ સોલંકી, ઝીરો બજેટનુ જીમ, ગુજરાતના પોલીસ જવાનોની તાલીમ અને જુસ્સાની કહાની અને તમામની ભાવના અને લાગણીને આપના સુધી પહોંચાડી છે. ત્યારે આ વખતે એક એવી ટીમ અંગે જણાવીશું અને તેનું કામ જાણીને નવાઈ પામશો.
બીજાનું દુખ જોઈ જ્યારે હૈયું દુભાય, ત્યારે માનવતાનું ઘડતર થાય છે
વિકાસશીલ શહેરમાં રહી ગયેલા સ્લમ એરિયાની વાત
જસ્ટ હન્ડ્રેડ(Just 100) ટીમની સેવાને નમન
શાળા કોલેજોમાં આપણને સામાજિક પ્રવૃતિના અનેક પાઠ શીખવવામાં આવતા. એ ખરાઈ કરવા માટે કે એક વિધાર્થી માત્ર શિક્ષણ પૂરતો સિમિત ન રહે પરંતુ એ સમાજિક પ્રવૃતિઓ સાથે પણ જોડાય. સમાજ સેવા એજ પ્રભુ સેવા છે. રોજિંદા જીવનમાં આપણને અવાર-નવાર આવા સ્લોગનો શહેરની કોઈ દિવાલ પર જોવા મળી જશે. પરંતુ આવા સ્લોગનો વાંચ્યા પછી આપણે એનો કેટલો અમલ કરી શક્યા છીએ એ વધુ મહત્વનું છે. જે પણ લોકો ખરા અર્થમાં પોતાની જવાબદારી સમજી લે છે. એ લોકો જરુરિયાતમંદ લોકો માટે મોટા માણસ બની જતા હોય છે. આ પ્રકારના એપિસોડ બતાવવાનો અમારો એક જ ઉદ્દેશ છે કે વધુમાં વધુ લોકો સામાજિક પ્રવૃતિ સાથે જોડાય તેમજ શિક્ષણ અને ભૂખથી વંચિત લોકોનું જીવનધોરણ આપણે ઉંચુ લાવી શકીએ. આજે જસ્ટ હન્ડ્રેડ(Just 100) ટીમની કામગીરી અંગે અમે જણાવીશું.
જસ્ટ હન્ડ્રેડ(Just 100) ટીમની કામગીરી
જસ્ટ હન્ડ્રેડ ટીમ લોકો પાસેથી સો-સો રુપિયા ઉઘરાવે છે અને આ પૈસા ઉપયોગ જરુરયાતમંદ લોકો પાછળ થાય છે. પછી એ શિક્ષણની વાત હોય કે ભોજનની. ભોજનને પ્રાધાન્ય વધુ આપવામાં આવે છે. કારણકે જસ્ટ હન્ડ્રેડ ટીમ એવું માને છે કે કોઈ ભૂખ્યુ ઉઠે ભલે પરંતુ ભૂખ્યુ સૂવું ન જોઈએ. અહીં સો રુપિયાનું મહત્વ વધારે છે. માટે જ આ ટીમનું નામ જસ્ટ હન્ડ્રેડ છે. આ ટીમમાં કોઈ યંગસ્ટર્સ છે તો કોઈ વિધાર્થી છે, કોઈ વડીલ છે તો કોઈ નોકરીયાત વર્ગમાંથી પણ છે. સૌ પ્રથમ આ ટીમ કોઈ સ્લમ એરિયાને શોધી કાઢે છે. પછી એક ટીમના તમામ સભ્યોને મેસેજ પાસ કરવામાં આવે છે. પછી જરુરિયાત મુજબ સામગ્રી અથવા ભોજન આવા લોકો સુધી પહોંચે છે. હરણફાળ ભરી રહેલી આ જિંદગીના વ્યસ્ત સમયમાં પણ ટીમના તમામ સભ્યો સેવા માટે સમય કાઢી લે છે. જો કે ટીમને અગાઉથી જ મેસેજ આપી દેવામાં આવે છે કે ક્યારે અને કયા એરિયામાં સેવા આપવાની છે.
રીચા પાઠક જસ્ટ હન્ડ્રેડ ટીમને લીડ કરે છે
રીચા પાઠક જસ્ટ હન્ડ્રેડ ટીમને લીડ કરે છે. 2014થી રીચા આ પ્રવૃતિ સાથે જોડાયેલા છે. રીચા કહે છે 'મેં ચલતી ગઈ ઓર કારવા બનતા ગયા.' રીચા અને એમની ટીમનું કામ શહેરમાં સ્લમ એરિયાને શોધવાનું છે. એવા લોકો કે જેમને ખરેખર કોઈની મદદની જરુર છે. સાથે એ બાબતની પણ ખરાઈ કરવામાં આવે છે કે બાળકોને તાજુ અને ફ્રેશ ભોજન મળવું જોઈએ. રીચા એ વાત પણ સ્વીકારે છે કે અમે ગમે તેટલું કામ આ લોકો માટે કરીએ એટલું ઓછું છે. અમારી સામે અનેક પડકારો છે. પરંતુ અવિરત આ કામ સાથે જોડાયેલા રહેવું એ જ સાચી માનવતા છે.
કોઈ પણ સંજોગોમાં સેવાકીય પ્રવૃતિ બંધ નહીં કરુંઃ રીચા પાઠક
રીચા લગભગ 2014થી આ કામ સાથે જોડાયેલા છે. ઘણા સમયથી તેઓ અલગ અલગ સ્લમ એરીયામાં જાય છે. એક વાર એવુ બન્યુ કે તેમને એક બિમારીનો ભોગ બનવું પડ્યું જેના કારણે ડોક્ટરે તેમને કોઈ પણ એરિયામાં જવાની મનાઈ ફરમાવી. તેમ છતાં રીયા આજે પણ પોતાના વિચારો અને કામ પર અડગ છે. રીયા કહે છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં સેવાકીય પ્રવૃતિ બંધ નહીં કરે.
બાળકો બપોરના ભોજનની રાહ જોતા હતા
જસ્ટ હન્ડ્રેડ ટીમ સાથે VTVના એન્કર જયેશ ચૌધરી એક એવા સ્લમ એરિયામાં ગઇ જ્યાં ભૂખ હંમેશા કેન્દ્રમાં રહે છે. જસ્ટ હન્ડ્રેડ ટીમ સાથે એક એવા વિસ્તારમાં પહોંચ્યા જ્યાં બાળકો બપોરના ભોજનની રાહ જોતા હતા. કહેવાય છે ને કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી. કોઈની આંતરડી ઠારવી એ મોટો ધર્મ છે. એકીટશે જોઈ રહેલા આ લાચાર ચહેરા કોઈ પણ વ્યક્તિના અંતરમનને તહસનહસ કરવા માટે કાફી છે. બાળકો એક કતારમાં ગોઠવાઈ ગયા છે. એમના માટે આ ભોજન કોઈ અવસરથી કમ નથી. કારણ કે કોઈ એમના માટે જમવાનું લઈને આવ્યું છે. બાળકોએ ભોજન આરોગી લીધુ હતુ.
માણસના વિચારો અને સામાજિક જીવનમાં એ વ્યક્તિનું યોગદાન એને મોટો બનાવે છે
દોસ્તો ક્યારેય સંપત્તિથી કોઈ માણસ મોટો નથી બની શકતો. પરંતુ માણસના વિચારો અને સામાજિક જીવનમાં એ વ્યક્તિનું યોગદાન એને મોટો બનાવે છે. શૂન્ય પાલનપુરી સાહેબની કહે છે મોતની તાકાત શી મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ; જેટલે ઉંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઇએ. જસ્ટ હન્ડ્રેડ ટીમ સાથે ઘણી વાતો કરી અને બને તેટલી જાણકારી આપના સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કર્યો. હવે સમય થયો હતો ટીમથી છુટા પડવાનો.