Wow! Iconic Uttlebridge can now be booked from home too, learn how
સુવિધા /
વાહ! આઈકોનિક અટલબ્રિજનું હવે ઘેરબેઠાં પણ બુકિંગ કરાવી શકશો, જાણો કેવી રીતે
Team VTV10:20 PM, 03 Feb 23
| Updated: 04:32 PM, 04 Feb 23
અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરાયા બાદ તેને બે દિવસ માટે ખુલ્લો મુકાયો હતો. અટલબ્રિજના ઓનલાઈન બુકિંગને શરૂ કરવામાં આવતા લોકોએ ઊમળકાભેર વધાવી લીધું હોવાનું જાણવા મળે છે.
AMC દ્વારા ઓનલાઈન સુવિધા શરૂ કરાતાં લોકોમાં ઉત્સાહ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારા આઈકોનિક ફૂટ ઓવરબ્રિજ એટલે કે અટલબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. ગત તા. ર૮ ઓગસ્ટ, ર૦રરએ આ બ્રિજનું ઉદ્ઘાટન કરાયા બાદ તેને બે દિવસ માટે ખુલ્લો મુકાયો હતો, જોકે તે દરમિયાન પાન-મસાલાના વ્યસનીઓએ ઠેરઠેર પિચકારી મારીને અટલબ્રિજની નયનરમ્યતાને ડાઘ લગાડતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગત તા. ૩૧ ઓગસ્ટ, ર૦રરથી અટલબ્રિજનો લહાવો લેવા માટે ટિકિટના દર નક્કી કરાયા છે, જેમાં અત્યાર સુધી ટિકિટ કાઉન્ટર પર જઈને જે તે શહેરીજને નિર્ધારિત દર મુજબની ટિકિટ ખરીદવી પડતી હતી, જોકે હવે લોકો પોતાના ઘરે બેસીને અટલબ્રિજની ટિકિટ ખરીદી શકશે. અટલબ્રિજના ઓનલાઈન બુકિંગને લોકોએ ઊમળકાભેર વધાવી લીધું હોવાનું જાણવા મળે છે.
રૂ. ૭૪ કરોડના ખર્ચે અદ્વિતીય એવા અટલબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું
મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂ. ૭૪ કરોડના ખર્ચે અદ્વિતીય એવા અટલબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની ડિઝાઈનમાં ગુજરાતના પતંગોત્સવને સાંકળી લેવાયો છે. દેશમાં નદી પરના પ્રથમ એવા આ ફૂટ ઓવરબ્રિજનું વજન ર૧૦૦ ટન છે, તેમાં આરસીસીનું ફ્લોરિંગ હોઈ સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. કોમ્બો ટિકિટ રખાઈ હોઈ લોકોમાં અટલબ્રિજનું આકર્ષણ વધ્યું
અટલબ્રિજમાં લટાર મારવા માટે પુખ્ત વયના લોકોએ રૂ. ૩૦ અને બાર વર્ષથી વધુ વયનાં બાળકોએ રૂ. ૧પ એન્ટ્રી ફી ચૂકવવી પડે છે. દિવ્યાંગોને મફતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. તંત્ર દ્વારા અટલબ્રિજ અને ફ્લાવર પાર્ક એમ બંને જગ્યાની મુલાકાત લેવા માગતા નાગરિકો માટે રૂ. ૪૦, બાર વર્ષથી વધુ વયનાં બાળકો અને સિનિયર સિટીઝન્સ માટે રૂ. ર૦ની કોમ્બો ટિકિટ રખાઈ હોઈ લોકોમાં અટલબ્રિજનું આકર્ષણ વધ્યું છે.
તંત્રે અઠવાડિયાના સાતેય દિવસ મુલાકાતીઓ માટે ખુલ્લો રાખ્યો
લાખો અમદાવાદીઓએ વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતા અટલબ્રિજને તેના પહેલા દિવસથી એટલે કે તા. ૩૧ ઓગસ્ટ, ર૦રરથી વધાવી લીધો છે. અટલબ્રિજ શહેરીજનોમાં ભારે લોકપ્રિય બન્યો હોઈ તંત્રે અઠવાડિયાના સાતેય દિવસ મુલાકાતીઓ માટે ખુલ્લો રાખ્યો છે. અટલબ્રિજને મેન્ટેનન્સ માટે એક પણ દિવસ બંધ રખાતો નથી, જેના કારણે મુલાકાતીઓ દરરોજ સવારના નવથી રાતના નવ વાગ્યા સુધી અટલબ્રિજથી સાબરમતી માતાનાં વહેણનો મનને લોભાવે તેવો નજારો માણી શકે છે.
ટિકિટ લેવા માટે પૂર્વ કાંઠે અને પશ્ચિમ કાંઠે મળીને કુલ દશથી વધુ કાઉન્ટર શરૂ કરાયાં
તંત્ર દ્વારા ટિકિટ લેવા માટે પૂર્વ કાંઠે અને પશ્ચિમ કાંઠે મળીને કુલ દશથી વધુ કાઉન્ટર શરૂ કરાયાં છે, પરંતુ ટિકિટ લેવા નાગરિકોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે તેમજ લાંબા અંતર સુધી ચાલીને અટલબ્રિજ પર પહોંચવું પડે છે, જેના કારણે મહિલા, બાળકો અને સિનિયર સિટીઝન્સને મુશ્કેલી પડી રહી છે. આ વર્ગના લોકોને લાંબું ચાલવાથી કે ટિકિટ કાઉન્ટર બહારની લાંબી લાઈનમાં ઊભાં રહેવાથી છુટકારો આપવાની દિશામાં મ્યુનિ. સત્તાધીશોએ દિવાળી પહેલાં ઓનલાઈન બુકિંગના મામલે ગંભીરતાથી વિચારણા હાથ ધરી હતી.
હવે ગત તા. ર૩ જાન્યુઆરી, ર૦ર૩થી તંત્ર દ્વારા ઓનલાઈન બુકિંગનો વિધિવત પ્રારંભ કરાવાયો છે. લોકો હવે ઘેરબેઠાં અટલબ્રિજની ટિકિટ મેળવી રહ્યા છે. આનાથી રિવરફ્રન્ટના તમામ પાર્કની સાથે અટલબ્રિજની ટિકિટ પણ નાગરિકો પોતાના ઘરેથી ઓનલાઈન બુક કરાવી રહ્યા છે. ક્યૂઆર કોડ સ્કેન કરીને ટિકિટ મળશે. તંત્ર દ્વારા તમામ પાર્ક ઉપરાંત અટલબ્રિજ માટે એક ક્યૂઆર કોડ તૈયાર કરાયો છે, જેને સ્કેન કરીને નાગરિકો પોતાની ટિકિટ ઓનલાઈન મેળવી શકે છે. રિવરફ્રન્ટની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરી શકાશે
તંત્ર દ્વારા રિવરફ્રન્ટની વેબસાઈટ https://sabarmatiriverfront.com/થી ટિકિટ બુક કરવાની સુવિધા અપાઈ છે, જેમાં બુક પાર્ક ટિકિટ્સમાં જવાથી પહેલો જ વિકલ્પ અટલબ્રિજ અને ફ્લવાર પાર્કનો મળે છે, જેમાં બાય ટિકિટનો વિકલ્પ પસંદ કરવાથી નાગરિકો અટલબ્રિજ, ફલાવર પાર્ક અને આ બંનેની કોમ્બો ટિકિટ બુક કરી શકે છે, જોકે રાતના ૮.૩૦ વાગ્યા બાદ ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ થાય છે. નાગરિકોને તેમના મોબાઈલ ફોન અને ઈ-મેઈલ મારફતે ઈ-ટિકિટ મળે છે.