world radio day gondal state rajvi said about radio waves
ઈતિહાસ /
વિશ્વ રેડિયો દિવસ : જ્યારે ગોંડલના રાજાએ અંગ્રેજોને કહી દીધું કે મારા રાજ્ય પરથી તમારા રેડિયોના તરંગો પસાર ન થવા દો
Team VTV08:34 PM, 13 Feb 21
| Updated: 08:36 PM, 13 Feb 21
પોતાના અસ્તિત્વને બચાવવા માટે હવાતિયા મારી રહેલા રેડિયોનો આજે જન્મદિવસ છે. ત્યારે આજના દિવસે ગોંડલ સાથે જોડાયેલું એક સંભારણું યાદ કરીએ.
આજે વિશ્વ રેડિયો દિવસ
ગોંડલ એકમાત્ર સ્ટેટ હતું જ્યાં રેડિયો સાંભળવા માટે નહોંતો ચુકવવો પડતો ટેક્સ
અંગ્રેજ સરકારને પરખાવ્યું હતું રોકડું
અંગ્રેજોના શાસન દરમ્યાન રેડિયો સાંભળવા લાયસન્સ પ્રથા શરૂ કરાઈ ત્યારે ગોંડલ એકમાત્ર સ્ટેટ હતું જ્યાં રેડિયો સાંભળવા માટેના લાયસન્સ પર કોઇપણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવતો નહોંતો. આ ઘટના અંગે ગોંડલના રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશ રાધનપુરા VTV સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે, ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ અંગ્રેજો સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે મારું રાજ્ય સંપૂર્ણ ટેક્સ ફ્રી રાજ છે તો રેડિયો સાંભળવા માટે પણ પ્રજા ટેક્સ ન ચૂકવે અને તેમ છતાં જો આપ આ દરખાસ્ત સાથે સહમત ન હોય તો મારા રાજ પરથી રેડિયોના તરંગો પસાર કરવાનું અટકાવી દો. અંતે રાજવીની આ રજૂઆત સામે અંગ્રેજ સરકાર ઝૂકી હતી અને ગોંડલ સ્ટેટની જનતાને આ ટેક્સમાંથી મુક્તી આપી હતી.
ભારતમાં રેડિયોની શરૂઆત 1923માં થઇ
આમ જુઓ તો ભારતમાં રેડિયોની શરૂઆત અંગ્રેજોના સમયગાળા દરમિયાન 1923માં થઇ હતી પરંતુ પછી કંપની ખાડામાં ગઇ અને અંતે 1930થી બ્રિટિશ સરકાર દ્વારા રેડિયોનું કામકાજ સંભાળવામાં આવતું. સમય પસાર થતો રહ્યો અને ભારત આઝાદ થયું અને 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ 'આકાશવાણી' રાખવામાં આવ્યું. આ ઘટનાને આજે વર્ષોના વાણા વીતી ગયા છે પરંતુ રેડિયોના ચાહકો આજે પણ ગણ્યા-ગાંઠ્યા જેવા મળે છે.
યુનેસ્કોએ જાહેર કર્યો છે રેડિયો દિવસ
યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો છે તે ખરેખર ગૌરવની વાત છે. છેલ્લા ચાર દાયકાથી એક વિશેષ કર્ણપ્રિય સંગીત સાથે 5.58 મિનિટે અમદાવાદનું આકાશવાણી સ્ટેશન ખુલે અને મોડી રાતે BBC લંડનના સમાચાર દ્વારા તે દિવસનું પ્રસારણ પુર્ણ થતું.
જેની પાસે રેડિયો હોય તે મોભેદાર ગણાતો
રેડિયાના વૈભવની વાત કરીએ તો ગામમાં જેની પાહે રેડિયો હોય તે વ્યક્તિ ગામડામાં શ્રીમંત કે મોભેદાર ગણાતો. જેની પાસે રેડિયો હોય તેના માનપાન વધી જતા. ગામમાં કોઇ નવો રેડિયો લાવે એટલે તેને જોવા માટે લોકો ટોળા વળતા. સાઇકલમાં આગળ લગાડેલ એક લોખંડનું સ્ટેન્ડ અને તેમાં બેસાડેલ પૌત્ર કે પૌત્રીને લઇને દાદા રેડિયો સાંભળતા ગામની ઉભી બજારેથી નીકળતા આ દ્રશ્યો અનેક વખત નરી આંખે જોયા છે.
વિવિધ કાર્યક્રમનો વૈભવ ધરાવતો રેડિયો લોકોના તાણાવાણા સાથે ગુંથાયેલો હતો
બિનાકા ગીત માલા પ્રભાતિયા અને રેડિયો સિલોન પર આવતી સ્મરણ મંજૂષાની યાદો આજે પણ હેમખેમ છે અને ખાસ શાણાભાઈ શકરાભાઈ તો ક્યારેય ભૂલ્યા ભૂલાય તેવા નથી. જૂની રંગભૂમિના ગીતો અને ખાસ કરીને રાત્રે 8થી9 આવતો ફરમાઇસ કાર્યક્રમ દ્વારા હૈયે હરખની હેલીઓ ઉભરાતી.
ઘણાં એવા ખોરડા પણ જોયા છે જ્યાં રેડિયોના ચોક્કસ કાર્યક્રમ સાંભળવા માટે લોકો રેડિયો વચ્ચે મુકીને એક મોટું ચક્કર બનાવીને બેઠા હોય. આખો'દિ મોબાઇલ મંતરતી પેઢીને આ રેડિયો સેટની ખબર છે પરંતુ તેના જાજરમાન ઇતિહાસ અને તેની સાથે જોડાયેલ ઘરના વડિલોના સંસ્મરણોની નથી ખબર. આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે આપણે પણ એક રેડિયો વસાવીને તેની અસલ ઓળખને ઝાંખી થતાં અટકાવીએ.