આજે વિશ્વ સિંહ દિવસ: સુરાષ્ટ્રે ગીર વસતો તું છે, શૌર્ય પ્રવાહ ધસમસતો તું છે

By : kavan 04:02 PM, 10 August 2018 | Updated : 04:21 PM, 10 August 2018
- કવન આચાર્ય

સાવજ, કેશરી, ડાલમથ્થો, જંગલનો રાજા, સિંહ, વનરાજ, પંચમુખ, પંચાનન, કેશી, કરભરી, હરિ, શેર, ત્રસિંગ અને અંગ્રેજીમાં લાયન શબ્દથી ઓળખ પામેલ ગીરના રાજા સિંહના સંવર્ધન અને તેમની પ્રજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતના ગીર પ્રદેશમાં આવેલ જંગલ એટલે સિંહનું સરનામું. અહીં રહેતા સિંહને એશિયાઇ સાવજ તરીકે ઓળખવામાં આવે છે. સિંહ અંગે લોક જાગૃતિ આવે તે માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે અવસાન પામેલ સિંહને શ્રધ્ધાંજલિ યોજવાના પણ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ગીરના 1800 ગામડાંમાં વારંવાર આ સિંહની ડણક સાંભળવા મળે છે. મોડી રાતે તો ક્યારે વહેલી પરોઢે સાવજ બાળ પોતાની માં સિંહણ સાથે અનેકવાર રસ્તે ટહેલવા આવી ચઢે છે. આ નજારો જોવા માટે સ્થાનિક લોકોથી શરૂ કરીને દેશ-વિદેશમાંથી આવતા લોકોના ટોળા ગીર પંથકમાં જોવા મળે છે. સાવજની ખાસિયતની વાત કરીએ તો સિંહના ખભાની ઉંચાઈ 107 સેન્ટીમીટરથી લઇને 120 સેન્ટીમીટર હોય છે. તેની ખોપડીની લંબાઈ 33-થી 340 મિલીમીટર હોય છે. 

આ સાથે જ માથું અને શરીરનું માપ 1.97 મીટર જેટલું હોય છે. આ સાથે જ પૂંછડીનું માપ 31 થી 35 ઈંચ જેટલું હોય છે. એક પુખ્ત સિંહની કુલ લંબાઈ 2.82 થી 2.87 મીટર ધરાવતો હોય છે. નર સિંહનું વજન 150 થી 250 કિલો અને માદા સિંહનું વજન 120થી 180 કિલો હોય છે. તેનો મેટીંગ પીરિયડ ત્રણથી આઠ દિવસનો હોય છે. સિંહણનો ગર્ભદાન 100થી 110 દિવસનો હોય છે. અને તે 1થી લઈને 5 બચ્ચાને જન્મ આપતી હોય છે.

આજે ભારતમાં ખાસ કરીને સિંહનું કાયમી ઠેકાણું ગુજરાતના ગીર પ્રદેશમાં આવેલ છે. રાજ્યની સરકાર દ્વારા પ્રથમ વખતે સપ્ટેમ્બર 1965માં 1265.1 ચોરસ કિલોમીટર વિસ્તારને સાસણ અભયારણ્ય તરીકે જાહેર કર્યો હતો.ત્યારબાદ 1412.1 ચોરસ કિલોમીટર જેટલો વ્યાપ વધારવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સાસણ ગીરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દીવના રમેશ રાવલ નામના સિંહ પ્રેમી દ્વારા સિંહ અંગે લોક જાગૃતિ આવે તે માટે વારંવાર કાર્યક્રમો યોજવામાં આવે છે. 

રમેશ ભાઇ રાવલે આ લખનાર કવન આચાર્ય સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓએ પોતાના ઘરનું નામ 'સિંહ દર્શન' રાખેલ છે. આ સાથે જ તેમના મિત્ર નરેન્દ્રભાઇએ સિંહ ચાલીસાની રચના કરી છે જેના પર એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી છે. આ સાથે ઘનશ્યામ કવિ નામના એક સિંહ ચાહકે ખમ્મા ગીરને ખમ્મા જેવા ગીતની રચના કરીને સિંહની યશગાથા ગાઇ છે. મિત્રો, એક સમયે જૂનાગઢના નવાબે સિંહને બચાવવા માટે કડક કાયદાઓ બનાવ્યા હતા, હાલ રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સિંહનું જતન કરવામાં આવી રહ્યું છે તો કેટલાક કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે.

ત્યારે સોશિયલ મીડિયામા વારંવાર વાયરલ થઇ રહેલા ગેર કાયદેસર સિંહ દર્શન પર લગામ લાગે તે ખુબ જરુરી છે. સરકાર દ્વારા યોજવામાં આવતા ગીર ફેસ્ટિવલને માણતી વેળા સિંહને નુકસાન ના થાય તેવા પ્રયાસો કરીએ એ જ આપણા માટે સાચા અર્થમાં સિંહ દિવસની ઉજવણી ગણાશે.
 
કવન આચાર્ય, VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે. ફોટો: હિરેન જોશી)

 
Recent Story

Popular Story