પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત જ નથી આવી રહ્યો. કેટલાય સમયથી ચાલી રહેલ આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. તમને જણાવી દઈએ કે બીજેપી સાંસદ અને ભારતના ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પાકિસ્તાનની ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે. અનુરાગ ઠાકુરે આજે નવી દિલ્હીમાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ 2022ની ઘોષણા કરી હતી અને ત્યાં જ એમને PCBને તીખો જવાબ આપ્યો હતો.
Today Khelo India Youth Games is an even bigger attraction than National Games. It's a platform where players can showcase their talent&selectors get an opportunity to select talented players&make a mark at national&international level: Union Sports Minister Anurag Thakur pic.twitter.com/uV2icivyUh
શું બોલ્યા અનુરાગ ઠાકુર?
જણાવી દઈએ કે અનુરાગ ઠાકુરે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે 50 ઓવરનો વર્લ્ડ કપ તો 2023માં ભારતમાં જ યોજાશે. પાકિસ્તાનને જે કરવું હોય એ કરી લે.' તમને જણાવી દઈએ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહે ભારતીય ટીમને પાકિસ્તાન જઈને એશિયા કપ 2023 રમી શકે એ વાત પણ સાફ મનાઈ ફરમાવી દીધી હતી અને એશિયા કપ કોઈ તટસ્થ સ્થળે યોજવા માટેનો પ્રસ્તાવ PCBને કર્યો હતો.
PCB એ આપ્યો હતો આવો જવાબ
જેના જવાબમાં PCB એ કહ્યું હતું કે, ' જો ભારતીય ટીમ એશિયા કપ રમવા નહીં આવે તો પીસીબી 2023માં ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ માટે પોતાની ટીમ નહીં મોકલે.' તમને જણાવી દઈએ કે પીસીબી ઈચ્છે છે કે એશિયા કપ પાકિસ્તાનમાં જ યોજાય.
જય શાહએ કહી હતી આ વાત
મુંબઈમાં આયોજિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે એશિયા કપ કોઈ તટસ્થ સ્થળે રમાશે. એશિયા કપને 2023માં શિફ્ટ કરવા પર વિચાર ચાલી રહ્યો છે. બીસીસીઆઈના સેક્રેટરી અને એસીસીના પ્રમુખ જય શાહે જણાવ્યું હતું કે, “એશિયા કપ તટસ્થ સ્થળે રમવાની ઓફર કરવામાં આવશે અને અમે નિર્ણય લીધો છે કે અમારી ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.' જય શાહની વાત માનીએ તો ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવા દેશે નહીં.
શા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જઈને નથી રમતી મેચ?
જણાવી દઈએ કે વર્ષ 2008માં શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં એક સીરીઝ રમવા જઈ રહી હતી ત્યારે એ ટીમ પર હુમલો થયો હતો. શ્રીલંકન ટીમની બસ પર ખુલ્લેઆમ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એ ગોળીબારમાં શ્રીલંકન ટીમના ખેલાડીઓ સહિત ટીમ મેનેજમેન્ટના સભ્યો પણ ઘાયલ થયા હતા. વાત એમ છે કે એ ટુર ભારતીય ટીમ કરવાની હતી પણ કેટલાક કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાન નહતી ગઈ અને એ પછી શ્રીલંકાની ટીમ ત્યાં રમવા ગઈ હતી. એટલા માટે એવું માનવામાં આવે છે કે તે હુમલો ભારતીય ટીમ માટે હતો. આ પછી ભારતમાં 26/11ના હુમલા થયો હતો અને એ પછી ભારતીય ટીમ ક્યારેય પાકિસ્તાન કોઈ મેચ રમવા માટે નથી ગઈ.