26 સપ્ટેમ્બરે ઉજવાઈ રહેલા વિશ્વ ગર્ભનિરોધક દિવસના પ્રસંગે પુરુષોના ગર્ભનિરોધક ન બનવા પાછળ શું કારણ છે તેની એક મહત્વની જાણકારી સામે આવી છે.
26 સપ્ટેમ્બરે વિશ્વ ગર્ભનિરોધક દિવસ
પુરુષોના એક વારના સ્ખલનમાં 50 લાખથી વધુ શુક્રાણુઓ
આટલી મોટી સંખ્યામાં શુક્રાણુઓને સ્ત્રી બીજને મળતાં અટકાવવા મુશ્કેલ કામ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ત્રીઓને ગર્ભવતી થવાથી રોકવા માટે જે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે તે પુરુષો માટે બિનઅસરકારક કેમ હોય છે? કે પછી શું ખરેખર એવી કોઈ ગર્ભનિરોધક ગોળી બની છે જેનો પુરુષો ઉપયોગ કરે તો સ્ત્રીઓ ગર્ભવતી થતી અટકી શકે. આ સવાલનો જવાબ અહીંયા અપાયો છે.
26 સપ્ટેમ્બરે વિશ્વ ગર્ભનિરોધક દિવસ
આજની યુવા પેઢીના માનસને મૂંઝવતા કેટલાક સવાલોના જવાબ આપવા અને તેમને જાતીય રીતે જાગૃત કરવા માટે વિશ્વભરમાં દર વર્ષે 26 સપ્ટેમ્બરે વિશ્વ ગર્ભનિરોધક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી પાછળનો હેતુ વર્તમાન સમયમાં યુવા પેઢીને જાતીય રીતે જાગૃત કરવાનો છે. આવો જાણીએ આ ખાસ અવસર પર કે શા માટે પુરુષો મહિલાઓની જેમ બર્થ કંટ્રોલ પિલ્સ નથી લઈ શકતા.
શું બોલ્યાં નિષ્ણાંત પ્રસૂતિશાસ્ત્રી
દિલ્હીની સી.કે.બિરલા હોસ્પિટલના પ્રસૂતિશાસ્ત્રી અને ગાયનેકોલોજિસ્ટ ડો.નિવેદિતા કૌલ કહે છે કે ગર્ભાવસ્થા અટકાવવા માટે મહિલાઓ લાંબા સમયથી ગર્ભનિરોધક ગોળી લઈ રહી છે અને લઈ શકે છે. જ્યારે હાલના સમયે પુરુષો માટે હજુ સુધી ગર્ભનિરોધક ગોળીઓ નથી. જો કે, જો આપણે પુરુષ ગર્ભનિરોધક ગોળીઓની વાત કરીએ, તો આ વિષય પર હજી ઘણા સંશોધનો ચાલી રહ્યા છે અને કેટલાક વધુ કરવાના બાકી છે.
પુરુષો કેમ નથી લઈ શકતા ગર્ભનિરોધક ગોળીઓ
પુરુષોમાં શુક્રાણુનું ઉત્પાદન સતત થતું હોય છે હવે જ્યારે કોઈ પુરુષ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવે ત્યારે એક સમયના સ્ખલનમાં 50 લાખથી વધારે શુક્રાણુઓ હોય છે. આવી સ્થિતિમાં દરેક શુક્રાણુને સ્ત્રી બીજ સાથેનું મિલન થતું અટકાવવું મુશ્કેલ છે. મહિલાઓની વાત જુદી છે, તેમના શરીરમાં એક મહિનામાં એક જ એગ (સ્ત્રી બીજ) બને છે.
બીજી વાત એ કે પુરુષ ગર્ભનિરોધક દવાઓનો ઈતિહાસ લાંબો અને થકવી નાખનારો પણ છે. પુરુષ ગર્ભનિરોધક ગોળીઓ અસરકારક રહે તે માટે શરૂઆતના બે મહિના સુધી તેને સતત લેવાની જરૂર છે, તે પછી પણ તેને નિયમ પ્રમાણે લેવાની જરૂર છે. આ બે કારણોને લીધે પુરુષોને હજુ સુધી બજારમાં કોઈ સારી પુરુષ ગર્ભનિરોધક ગોળીઓ મળી શકી નથી. જો કે, ડોક્ટરો હજુ પણ આ વિષય પર રિસર્ચ કરી રહ્યા છે.