બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / ફેશન અને સૌંદર્ય / બોલો! હેર સ્ટાઈલ કરવાની પણ વર્લ્ડ ચૅમ્પિયનશિપ, એમાં જીત્યો અમદાવાદી યુવાન, ગૃહિણીઓને હેર સ્ટાઈલ માટે આપી ખાસ ટિપ્સ
Nidhi Panchal
Last Updated: 02:18 PM, 31 December 2024
વાળ જો ખાવામાં આવે તો ચીતરી ચડે, પરંતુ જો કોઈ મહિલાની હેરસ્ટાઈલ સુંદર રીતે કરેલી હોય તો કવિતાઓ રચાઈ જાય. જુદા જુદા પ્રકારની હેર સ્ટાઈલ તમારી આખી પર્સનાલિટી જ બદલી નાખે છે. ખાસ કરીને સ્ત્રીઓની હેર સ્ટાઈલ તો એક અલગ જ વ્યક્તિત્વ ઉભુ કરી દે છે. એટલે જ કદાચ મહિલાઓ યથાયોગ્ય પ્રસંગે હેર સ્ટાઈલિસ્ટની મદદ લેતી હોય છે, જેથી તેઓ પોતાના રૂપને વધારે નિખારી શકે. એમાંય આજકાલ તો હેરની હેલ્થ માટે હેર સ્પા જેવી એક્ટિવિટી પણ આવી ગઈ છે. જો કે, વાત આડે પાટે ચડી જાય એ પહેલા તમને કહી દઈએ કે વિશ્વમાં એક હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશન પણ થાય છે. જી હાં, જેમ ઓલિમ્પિક થાય, ક્રિકેટ કે ચેસની ચેમ્પિયનશિપ થાય એમ હેર સ્ટાઈલિંગની પણ ચેમ્પિયનશિપ થાય છે. 88 વર્ષમાં પહેલીવાર આ વર્લ્ડ લેવલની કોમ્પિટિશનમાં ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એમાંય રસપ્રદ વાત એ છે કે આ બ્રોન્ઝ મેડલ અમદાવાદી યુવકે જીતાડ્યો છે.
ADVERTISEMENT
આ વખતની હેર સ્ટાઈલિંગ ચેમ્પિયનશિપ નવેમ્બર મહિનામાં કઝાકિસ્ટાન ખાતે યોજાઈ હતી. જેમાં 88 વર્ષમાં પહેલીવાર ભારતે પોતાના 14 સભ્યોની ટીમ મોકલી હતી. આ 14 લોકોની ટીમમાં અમદાવાદી યુવક ઉત્તમ પારેખ પણ હતા, જેમણે ફિમેલ ક્રિએટિવ લુક એ કેટેગરીમાં થર્ડ પ્રાઈઝ એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. ઉત્તમ પારેખ 24 વર્ષથી હેર ડ્રેસિંગ ક્ષેત્રે કામ કરી રહ્યા છે, જેઓ અમદાવાદમાં સલૂન અને એકેડમી પણ ચલાવી રહ્યા છે. જો કે, ઉત્તમ માટે આ પહેલી કોમ્પિટિશન નહોતી, આ પહેલા પણ તેઓ જુદી જુદી કોમ્પિટિશન અને વર્લ્ડ રેકોર્ડની અંદર પણ પાર્ટિસિપેટ કરીને જીત્યા છે. તેમના કહેવા અનુસાર પહેલા CMC CAT WORLD છેલ્લા 1937 થી આવા કોમ્પિટિશનનું આયોજન કરે છે. પરંતુ હેર સ્ટાઇલમાં ઇન્ડિયાને મોકો મળ્યો ન હતો આ પહેલા મોકો મળ્યો અને જીતીને બતાવ્યું છે. આ કોમ્પિટિશનમાં INDIA તરફથી પોતાના 14 મેમ્બરોને મોકલ્યા હતા. જેમાં અલગ અલગ સીટી અને રાજ્યમાંથી હતા અને તેમાંથી અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો ત્યાં બધાએ પોતપોતાની કેટેગરી વાઇઝ આર્ટ રજૂ કરી હતી. જેમાં ઉત્તમ પારેખે ઉત્તમ પ્રદર્શન કરીને જીત મેળવી છે.
ADVERTISEMENT
ઉત્તમે આ કોમ્પિટિશનમાં જે હેર સ્ટાઈલથી જીત મેળવી તેનું નામ છે 'એસિમેટ્રીક બોબ કટ'. આમ તો બોબ કટ હેર સ્ટાઈલ વિશે બધાને ખબર જ હશે. પણ આ હેર સ્ટાઈલમાં તેમણે એસિમેટ્રિક કટ અને બોબ કટ હેર સ્ટાઈલને બ્લેન્ડ કરી હતી, જે મહિલાઓને એક આકર્ષક લૂક આપે છે.
વર્લ્ડ લેવલે જ્યારે હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશન યોજાતી હોય, ત્યારે તેમાં કોમ્પિટિશન પણ તગડી જ હોવાની. દેશ-વિદેશના સ્પર્ધકો સામે તમારે હરીફાઈ કરવી પડે. એટલે આ જીતવાની સફર આસાન જરાય નહોતી. સૌથી પહેલા તો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે CMC CAT INDIA ટીમમાં સભ્ય તરીકે જોડાવું પડે છે. ઉત્તમ જુલાઈ 2024 માં સભ્ય તરીકે જોડાયા હતા. ત્યારબાદ 12 -16 સપ્ટેમ્બર 2024 ભારતીય ટીમને તાલીમ ફોર્મ ભરીને CMC CAT એશિયન ગ્લોબલ કપ માટે કઝાકિસ્તાન મોકલવામાં આવી હતી, જ્યાં તેમને શૉ માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે પછી એશિયન ગ્લોબલ કપ માટે ફીમેલ ક્રિએટિવ સલૂન લુક કેટેગરીમાં કોમ્પિટિટર તરીકે અરજી કરી હતી અને તેમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું
કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. ઉત્તમના કહેવા પ્રમાણે તેમના પિતા અને પરિવાર પણ હેર સ્ટાઇલિંગ અને સલૂન ચલાવતા હતા. ધોરણ 10ની પરીક્ષા બાદ ઉત્તમે પણ ફેમિલીને સ્પોર્ટ કરવા માટે સલૂનમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમનું કહેવું છે કે,'આમ તો ભણતરમાં એટલું મન નહોતું લાગતું એટલે વ્યવસાયમાં આવી ગયા સાથે ફેમિલીને સ્પોર્ટની પણ જરૂર હતી, પરંતુ જે સમયે હું મારા પિતા સાથે શીખ્યો તે બાદ જ હેર સ્ટાઇલિંગમાં કંઇક કરીને બતાવ્યું છે તે ધારી લીધું હતું.' તે બાદ ઉત્તમ પારેખે હેર સ્ટાઇલનો એક પ્રાઇવેટ એકડમીથી કોર્સ પણ કર્યો હતો. જે બાદ તેઓ તેમની હેર સ્ટાઇલની કલામાં અવ્વલ થઇ ગયા હતા . 2020માં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે તેઓ સૌથી વધુ હેર કટિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી ચૂક્યા છે.
ઉત્તમ પારેખ જણાવે છે કે,'આજથી 20 વર્ષ પહેલા જ્યારે હું શીખ્યો હતો તે સમયે હેર સ્ટાઇલિંગનો એટલો ક્રેઝ ન હતો. લોકો ફક્ત 2 કે 3 હેર સ્ટાઇલ કરતા હતા. પરંતુ આજે દરેક મહિલાને કંઇક નવી હેર સ્ટાઇલ જોઇએ છે.' તેમના કહેવા અનુસાર પહેલા મહિલાઓ હેરને કલર કરાવાનું પણ પસંદ કરતા ન હતા, સાથે હેર સ્ટાઇલમાં ફક્ત સ્ટેપ કટ ચાલતા હતા. સાથે તે સમયે મહિલાઓ શોર્ટ હેર પણ રાખવાનું પસંદ કરતી ન હતી . પરંતુ આજના સમયે દરેક મહિલાઓ શોર્ટ હેર, ફંકી કલર , રેડ કલર, બ્લૂ કલર અને ક્રિએટિવ સ્ટાઇલ કરવાનું પસંદ કરે છે.
ઉત્તમ પારેખ કહે છે કે તે સૌ પ્રથમ હેર સ્ટાઇલની ડિઝાઇન પેપર પર બનાવતા હોય છે. જે બાદ તે તેની અંદર અલગ-અલગ યુનિક સ્ટાઇલ અને ક્રિએટીવીટી કરતા હોય છે. એક વાર તે ડિઝાઇન ફાઇનલ થઇ જાય પછી જે હેર સ્ટાઇલ બનાવી છે તેની પ્રેક્ટિસ ડમી મોડલ પર કરતા હોય છે. ડમી મોડલ પર તે સફળ થાય પછી તેઓ મોડલ બોલાવીને તેમની ઉપર પ્રયોગ કરે છે. તેમનું કહેવું છે કે હેર સ્ટાઇલ માટે મોડલ તેઓ પૈસા આપીને બોલાવે છે અથવા કોઇ પણ મોડલ એજનસી સાથે જોડાવીને બોલાવતા હોય છે. ઉત્તમ પારેખ VTV સાથેની વાતચીતમાં અમુક હેર સ્ટાઇલ પણ બતાવી છે જે રેગ્યુલર જીવનમાં ઉપયોગી લઇ શકો છો.
ઘરમાં હાઉસ વાઇફ પાસે સ્ટાઇલ માટે કોઇ વધારાનો સમય નથી હોતો, જેથી તેમના માટે 3 હેર સ્ટાઇલ જે ખૂબ સરળ છે. લાંબા હેર , બોબ કટ અને લેયર કટ. ઉત્તમ પારેખે વધુમાં મહિલાઓને પોતાના હેરની જાળવણી માટે પણ ટીપ્સ આપી છે. તેમના કહેવા અનુસાર વાળ માટે સૌથી વધારે જરૂરી છે, આરોગ્ય સાચવવું અને ખાવાપીવામાં પણ બરોબર ધ્યાન આપવું જોઇએ. દિવસમાં ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જોઇએ.
સાથે પ્રોટીનનું સેવન અને પાણી બને એટલું વધારે પીવું જોઇએ, કારણ તેનાથી હેરનું PH બેલેન્સ રહે છે જે હેર માટે સારું છે. ખાસ સલાહ આપવામાં આવી છે કે હેર માટેની કોઇ પણ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો તો તે બાદ હેરને બરોબર ધોવાનું રાખવું જોઇએ.
જો તમે પણ જુદી જુદી હેરસ્ટાઈલ કરવાના શોખીન છો, તો પણ એક ચેમ્પિયનની આ ટિપ્સ તમને જરૂર કામ લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.