Workers are getting food for Rs 5 under Shramik Annapurna Yojana
ગુજરાત /
શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં 5 રૂપિયામાં દરરોજ જમી રહ્યા છે 11000 લાભાર્થી, સરકારે હવે શરુ કર્યો આ પાયલોટ પ્રોજેક્ટ
Team VTV04:02 PM, 03 Feb 23
| Updated: 04:46 PM, 03 Feb 23
શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર માત્ર 5 રૂપિયામાં ભોજન આપી રહી છે, દરરોજ આ દૈનિક ભોજન યોજનાનો લાભ મેળવવવાની સંખ્યા 11 હજારે પહોંચી ચૂકી છે.
માત્ર 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન
9 સ્થળોએ પાયલોટ પ્રોજેક્ટ શરુ
ઑક્ટોબર 2022થી ફરી શરુ થઈ ભોજન વ્યવસ્થા
શ્રમિકો માટે શરૂ થયેલા ભોજન યોજનામાં લાભાર્થીનો આંકડો 3 લાખ 90 હજારના આંકને વટાવી ચૂક્યો છે. શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર માત્ર 5 રૂપિયામાં ભોજન આપી રહી છે. દરરોજ આ દૈનિક ભોજન યોજનાનો લાભ મેળવવવાની સંખ્યા હવે 11 હજારે પહોંચી ચૂકી છે.
પાયલોટ પ્રોજેક્ટ શરુ
શ્રમિકોને ધ્યાનમાં રાખી સરકારે હવે ભોજનની પણ ડિલીવરી શરૂ કરી છે. બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતાં હોય તેવી બાંધકામ સાઈટ પર સીધી જ ભોજનની ડિલીવરી થઈ રહી છે. જો કે, હાલ આ પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં 9 જેટલી સાઈટ પર શરૂ કરાયો છે.
શ્રમિકોની ફાઈલ તસવીર
ક્યાં ક્યાં મળે છે ભોજન ?
આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 7 જિલ્લાઓમાં 99 કડિયાનાકા પર ભોજન આપવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ-47, ગાંધીનગર-4, વડોદરા-12, સુરત-18, નવસારી-3, રાજકોટ-9 અને મહેસાણામાં-6નો સમાવેશ થાય છે.
શું જમાડે છે સરકાર
શ્રમિકોને ભોજનમાં કઠોળનું શાક, બટાકા અને મિક્ષ શાક, રોટલી, ભાત, અથાણું/મરચાં, ગોળ, દર ગુરુવારે ખીચડી-કઢી તેમજ અઠવાડિયામાં એક વખત સુખડી અથવા તો શીરો આપવામાં આવે છે. પ્રતિ ભોજન અત્યારે સરકાર તરફથી ₹ 37ની સબસીડી ચૂકવીને માત્ર ₹ 5માં શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આગામી સમયમાં ભાવનગરમાં 4, વલસાડમાં 6 અને પાટણમાં 1 કડિયાનાકા પર યોજના ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ બાંધકામ સાઈટો પર આ યોજનાનો વ્યાપ વધારવાનું આયોજન છે.
ભોજન માટે આ જરૂરી
શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર ઈ-નિર્માણ કાર્ડની મદદથી ભોજન મેળવી શકાશે. કાર્ડનો ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન મેળવી શકાશે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.
વ્યાપ વધારાશે
“સરકારની પ્રાથમિકતા જ એ રહી છે કે સમાજના છેવાડાના માણસ સુધી યોજનાઓ પહોંચે અને જરૂરિયાત ધરાવતો દરેક વ્યક્તિ તેનો મહત્તમ લાભ લઈ શકે. અને એ ખુશીની વાત છે કે આ યોજનામાં અત્યારે 3 લાખ 90 હજારથી વધુ શ્રમિકો તેનો લાભ લઇ ચૂક્યા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ દૈનિક લાભાર્થીઓની સંખ્યા 11 હજાર થઇ ગઇ છે. અમે પાયલટ તરીકે અમુક સાઇટ્સ પર ફૂડ ડિલીવરી પણ શરૂ કરાવી છે. આગામી દિવસોમાં આ યોજનાનો વ્યાપ હજુ વધારવામાં આવશે અને નાગરિકોને તેનો મહત્તમ લાભ મળી રહેશે. ” તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ.અંજુ શર્મા