અમદાવાદમાં ACBની ટ્રેપમાં સેન્ટ્રલ GSTના મહિલા અધિકારી સહિત બે અધિકારી દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા છે.
અમદાવાદ ACB ટ્રેપમાં CGSTના અધિકારી
રૂ. દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા
વેપારી પાસેથી માગ્યા હતા રૂ.5 લાખ
અમદાવાદમાંથી વધુ બે લાંચિયા અધિકારી ઝડપાયા છે. ACBની ટ્રેપમાં સેન્ટ્રલ GSTના મહિલા અધિકારી સહિત બે અધિકારી દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા છે. ACBએ સેન્ટ્રલ CGSTના મહિલા અધિકારી જોઇન્ટ કમિશનર નીતુસિંહ ત્રિપાઠી અને સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશ રસાણીયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે, વિદેશથી રમકડા મંગાવીને ઓનલાઈન ધંધો કરતા વેપારીને CGSTના ટેક્ષમાંતી રૂપિયા 1 કરોડ 55 લાખનું રિફંડ લેવાનું હતું. જેમાંથી રૂપિયા દોઢ કરોડનું રિફંડ વેપારીએ લઇ લીધું હતું. જ્યારે રૂપિયા પાંચ લાખનું રિફંડ લેવાનું બાકી હતું. પરંતુ વેપારી પાસેથી બંને અધિકારીઓએ રૂપિયા 5 લાખની લાંચ માગી હતી. જો કે રૂપિયા 1.5 લાખમાં સેટલમેન્ટ થઇ ગયું હતું. આ લાંચની રકમ લેતા બંને અધિકારીઓને ACBએ ઝડપ્યા હતા.
ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું
ભ્રષ્ટ અધિકારીઓને પકડવા ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં વેપારી લાંચની રકમ લઇને સેટેલાઇટ વિસ્તારમાં સીમા હોલની બાજુમાં આવેલ CGST ઓફિસ પહોંચ્યા હતાં. પરંતુ જોઈન્ટ કમિશ્નર નિતુ સિંહ હાજર ન હતાં. જેથી વેપારીએ નિતુ સિંહને ફોન કર્યો હતો કે તેઓ નક્કી કરેલ રકમ લઇને આવી ગયા છે. નિતુ સિંહે ફોન પર વેપારીને કહ્યું કે, હું કોરોનાની વેક્સિન લેવા માટે આવી છું. તમે મારા હિસ્સાના એક લાખ રૂપિયા અને સુપ્રિટેન્ડન્ટના પચાસ હજાર મળી દોઢ લાખની રકમ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઇ રસાણીયાને આપી દો.
ફોન પર થયેલ વાત અનુસાર વેપારીએ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઇ રસાણીયાને દોઢ લાખ રૂપિયાની રકમ આપી હતી અને તેઓને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતાં. એટલું જ નહીં પણ ACBની રેડથી અજાણ જોઈન્ટ કમિશ્નર નિતુસિંહ ત્રિપાઠીએ સુપ્રિટેન્ડન્ટ રસાણીયાને ફોન કરીને કન્ફર્મ કર્યું કે તેમના હિસ્સાના એક લાખ રૂપિયા વેપારીએ આપી દીધાને છે ને? આમ ACBની હાજરીમાં જ નિતુસિંહનો ભ્રષ્ટ ચહેરો ઉઘાડો પડી ગયો હતો.