ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી ટેસ્ટ શ્રેણીની શરૂઆતની બે મેચ ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં દર્શકો વિના રમાશે.
મોટેરા સ્ટેડિયમમાં ૫૦ ટકા દર્શકોને પ્રવેશવા દેવાના પ્રયાસ
યુએઇમાં ખાલી સ્ટેડિયમમાં રમાઇ હતી મૅચ
તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ)ના સચિવ આર. એસ. રામાસ્વામીના જણાવ્યા અનુસાર કોરોનાની પરિસ્થિતિ જોતાં બીસીસીઆઇના િનર્દેશ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તા. ૨૦ જાન્યુઆરીએ એક સર્ક્યુલર ટીએનસીએના સભ્યોને મોકલવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે, ''કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને જોતાં બીસીસીઆઇએ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન ખેલાડીઓની સુરક્ષા સામે કોઈ પણ જાતનું જોખમ નહીં ઉઠાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.''
કેન્દ્ર સરકારને થોડા દિવસ પહેલાં એવી જાહેરાત કરી હતી કે આઉટડોર સ્પોર્ટ્સ ગતિવિધિઓનું માપદંડનું પાલન કરીને ૫૦ ટકા દર્શકોની હાજરીમાં આયોજન થઈ શકશે. સરકારની એ જાહેરાત બાદ બીસીસીઆઇ ચેન્નઈના ચેપક સ્ટેડિયમ અને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ૫૦ ટકા દર્શકોને પ્રવેશવા દેવાની કોશિશ માટે પ્રયાસ કર્યો હતો. આ અંગે બીસીસીઆઇએ ટીએનસીએ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની સાથે સાથે રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે ચર્ચાઓ કરીહતી.
બીસીસીઆઇના એક સૂત્રે જણાવ્યું કે જો ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં દર્શકોને આવવાની મંજૂરી મળે તો આઇપીએલમાં પણ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળી શકે છે. જોકે ઈંગ્લેન્ડની સામેની શરૂઆતની બંને ટેસ્ટ ખાલી સ્ટેડિયમમાં જ રમાવાની હોઈ એવું લાગી રહ્યું છે કે આઇપીએલની મેચ પણ ભારતમાં ખાલી સ્ટેડિયમમાં રમાશે. આઇપીએલની ગત સિઝન યુએઈમાં ખાલી સ્ટેડિયમમાં જ રમાઈ હતી.