હોનારત /
આઠ દિવસથી નથી બુઝાઇ રહી આ જંગલની આગ, મુખ્યમંત્રીએ આપ્યા કાર્યવાહીના આદેશ
Team VTV05:34 PM, 04 Mar 21
| Updated: 05:46 PM, 04 Mar 21
ઓડિશાના સિમિલીપાલ ટાઈગર રિઝર્વમાં છેલ્લા એક અઠવાડિયાથી જંગલમાં આગ ફાટી નીકળી છે, સીએમ નવિન પટનાયકે અધિકારીઓને આ આગ પર ત્વરિતપણે કાબૂ મેળવવાની સૂચના આપી દીધી છે.
એક અઠવાડિયાથી ઓડિશાના સિમલીપાલ ફોરેસ્ટ રિઝર્વમાં આગ લાગી છે જે બંધ નથી થઈ રહી, આ માટે રાજ્ય વહીવટી તંત્રના અધિકારીઓ ઘણી મહેનત કરી રહ્યા છે. સીએમ નવીન પટનાયકે એક ઉચ્ચ સ્તરીય મિટિંગમાં અધિકારીઓને તાકીદ કરી હતી કે આ ફોરેસ્ટ ન માત્ર રાજ્ય પણ આખી દુનિયા માટે એક અમૂલ્ય ભેટ સમાન છે માટે અધિકારીઓને તાકીદે આગને કાબૂ કરીને જંગલની પરિસંપત્તિને સાચવી આગ ફરીથી વિકરાળ ન બને તે માટેના શક્ય બધા પ્રયત્નો કરવાની સૂચના આપી છે.
શું છે સિમિલીપાલ ફોરેસ્ટ?
આ રિઝર્વ ઓડિશાની ઘણી જાણીતી જંગલ સાઇટ છે, લગભગ ૨૭૫૦ ચો. કિમીનું વ્યાપ ધરાવટા આ જંગલમાં આગ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘણી ઝડપથી ફેલાઈ રહી છે જેના લીધે આ જંગલની ૨૧ માંથી ૮ રેન્જમાં હાલ આગ ફેલાઈ ચૂકી છે અને ઘણી લુપ્ત થવાના આરે પહોંચેલી પ્રજાતિઓના પ્રાણીઓના મોટી સંખ્યામાં મોતનું કારણ પણ બની શકે છે. મહત્વનું છે કે આ વિસ્તાર ટાઈગર રિઝર્વ તરીકે પણ ફેમસ છે, મતલબ અહીં રાષ્ટ્રીય પ્રાણી વાઘની પણ નોંધપાત્ર વસ્તી છે.
કઈ રીતે આવ્યું લાઇમલાઇટમાં?
આ વિસ્તાર ઓડિશાના જાણીતા ખનન ક્ષેત્ર મયુરભંજ પ્રદેશમાં આવે છે, અહીંના પૂર્વ રાજપરિવારની રાજકુમારી અક્ષિતા ભંજદેવના ટ્વિટ પછી આ વિસ્તારમાં લાગેલી આગ પ્રત્યે પ્રસાર માધ્યમો અને લોકોનું ધ્યાન ખેંચાયું હતું, રાજકુમારીએ તેમના ટ્વિટમાં લખ્યું હતું કે રાજ્યની અમુક લોકલમ મીડિયા સિવાય કોઈ પણ નેશનલ મીડિયા આ ન્યૂઝને કવર નથી કરી રહ્યું કે એશિયાનું બીજું સૌથી મોટું બાયોસ્ફીયર આગમાં ભસ્મીભૂત થઈ રહ્યું છે.
રાજકુમારીના આ ટ્વિટ પછી તરત જ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધા અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ મુદ્દે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું, આ મામલે રાજ્ય તંત્રની મદદ કરવા માટે કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી હતી.
શું કહી રહ્યા છે રાજ્ય તંત્રના અધિકારીઓ ?
ઓડિશાના એસિધનલ ચીફ સેક્રેટરી ફોર ફોરેસ્ટ એન્ડ એનવાયર્મેન્ટ, મોના શર્માએ કહ્યું હતું કે સિમલીપાલ ફોરેસ્ટની આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, અને સીએમની મીટિંગમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ મોટા વૃક્ષો અને કોઈ ખાસ પ્રજાતિના પ્રાણીઓના જીવને આ આગથી કોઈ નુકસાન થયું નથી, આ સિવાય અધિકારીઓની સ્કવોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે કે જે જંગલની ૨૧ રેન્જ કે જે પાંચ ડિવિઝનમાં વહેંચાયેલું છે, માં જઈને ફાયર ફાઇટિંગ ઓપરેશનમાં સહયોગ કરશે. મહત્વનું છે કે આ સ્કવોડ દરેક રેન્જ માટે અલગ અલગ રહેશે.
ઓડિશા રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ આગમાં કોઈ પણનું મોત થયું નથી અને લુપ્ત થવાના આરે પહોંચેલી પ્રજાતિઓમાં આગથી શું નુકસાન થયું તેની કામગીરી કરવાની હજુ બાકી છે.