વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા દરેક દેશની સરકારોને કોરના વાયરસને લઇને કડક પગલા ભરવા અંગેની ચેતાવણી જારી કરવામાં આવી છે. ચીનમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 169 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે ચીનમાં વધી રહેલા કોરોના વાયરસના પ્રકોપને લઇને WHO આજે જીનેવામાં એક ઇમર્જન્સી બેઠક બોલાવી છે.
ચીનમાં વધી રહેલા પ્રકોપને લઈને WHOએ બોલાવી બેઠક
ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરવામાં આવે તેવી શક્યતા
વિશ્વભરને એલર્ટ થઈને એક્શન લેવાની જરૂર છે
આજની WHO બેઠકમાં કોરોના વાયરસને લઇને ગ્લોબલ સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જો આમ કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર તેના નિવારણ માટે પગલા લેવા પડે.
WHO એ બોલાવી ઇમરજન્સી બેઠક
જીનેવામાં WHO ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ એડનમે કહ્યું કે સંગઠન દ્વારા ગત અઠવાડિયામાં જારી કરવામાં આવેલા રિપોર્ટ પર 'ખેદ' છે, જેમાં આ રોગને ગ્લોબલ રિસ્કમાં 'હાઇ' ની જગ્યા 'મોડરેટ' બતાવામાં આવ્યું હતું.
WHO ના ડાયરેક્ટર જનરલે પોતાના ટ્વિટર માધ્યમથી જણાવ્યું કે કોરના વાયરસ પર ગુરૂવારના રોજ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ ઇમરજન્સી કમિટીની બીજી વખત બેઠક બોલાવાનો નિર્ણય કર્યો છે.
WHO ના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના માઇકલ રાયને જણાવ્યું કે દુનિયાએ હવે એલર્ટ થઇ આ રોગ પર એકશન લેવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે આ રોગને લઇને ઇન્ટરનેશનલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવાની દિશામાં પગલા લઇ શકીએ છીએ.
ચીનમાંથી બીજા દેશો પોતાના નાગરિકોને કરી રહ્યાં એરલિફ્ટ
ચીનમાં કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં લઇને બીજા દેશની સરકાર દ્વારા પોતાના લોકોને એરલિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક દેશોએ વુહાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને એરલિફ્ટ કરાવાની શરૂઆત પણ કરી દીધી છે.
18 દેશમાં 68 મામલા સામે આવ્યાં
અમેરિકા, બ્રિટેન અને જર્મની સહિત અનેક દેશોએ પોતાના નાગરિકોને ચીન ન જવા અપીલ કરી છે. જ્યારે ચીને પણ બીજા દેશોના નાગરિકોને વિદેશી ટ્રિપ રોકવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 18 દેશોમાં વાયરસની પૂષ્ટી કરવામાં આવી ચુકી છે.