રાષ્ટ્રપતિની ચૂંટણી /
ભાજપ અને સંઘ પાસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે બહુ ઓછા મજબૂત વિકલ્પ! મહિલા હોઈ શકે છે નવા રાષ્ટ્રપતિ
Team VTV12:06 AM, 09 May 22
| Updated: 12:10 AM, 09 May 22
ભાજપ અને સંઘ પાસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે બહુ ઓછા મજબૂત વિકલ્પ છે. એવું પણ કહેવાય છે કે મોદીની ભાવિ યોજના એક મહિલા રાષ્ટ્રપતિ પસંદ કરવાની છે અને તે પણ દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી.
રાષ્ટ્રપતિ પૂર્વોત્તરના અને ઉપરાષ્ટ્રપતિ ઉત્તર ભારતીય હશે!
PM મોદી એક મહિલા રાષ્ટ્રપતિ પસંદ કરશે અને તે પણ દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી?
જુલાઈ, ૨૦૨૨ના પ્રથમ સપ્તાહમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાઇ શકે છે
આગામી જુલાઈ મહિનામાં દેશમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાનીવાળા એનડીએ તરફથી રજૂ કરાયેલા ઉમેદવાર રાષ્ટ્રપતિ બને તેવી પ્રબળ સંભાવના છે. પહેલી વખત અટલબિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ-૧ની સરકાર દરમિયાન વર્ષ ૨૦૦૨માં એ.પી.જે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમના પછી ૨૦૧૭માં રામનાથ કોવિંદ ભાજપના ઉમેદવારના રૂપમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. જોકે વાસ્તવિકતા એ છે કે કોવિંદ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સીધા જોડાયેલા પ્રથમ રાષ્ટ્રપતિ છે.
શું આ વખતે દેશમાં કોઈ મહિલાને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવશે?
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય વ્યક્તિ પસંદ કરવાની આ બીજી તક છે. ભાજપ કોને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે એ સમગ્ર દેશ માટે ભારે ઉત્સુકતા અને આશ્ચર્યનો વિષય છે. શું આ વખતે દેશમાં કોઈ મહિલાને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવશે? એવી પણ શક્યતા છે કે આ વખતે દક્ષિણ ભારતને પ્રતિનિધિત્વ સોંપવામાં આવે. એક અન્ય અનુમાન અનુસાર પીએમ મોદી આ વખતે પૂર્વોત્તરમાંથી કોઈ નેતાને ઉમેદવાર બનાવે તેવી પણ શક્યતા છે.
RSSના પ્રશિક્ષિત કાર્યકર્તાને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે રજૂ કરાશે?
આ સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ નિશ્ચિત રૂપે કોઈ ઉત્તર ભારતીય જ હશે. મોદી માટે પણ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર પસંદ કરવા એ આકરી કસોટી સમાન છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઈના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં મળેલી ભવ્ય જીત બાદ પીએમ મોદી આરએસએસના એક પ્રશિક્ષિત કાર્યકર્તાને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારના રૂપમાં રજૂ કરવાનો મોકો નહીં છોડે.
મોદીનું આ પગલું આરએસએસ ચીફ મોહન ભાગવતને પણ ઉત્સાહિત કરનારું રહેશે. ખાસ કરીને આરએસએસ જ્યારે ૨૦૨૫માં પોતાનો ૧૦૦મો સ્થાપના દિન ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આ પસંદગી બહુ મહત્ત્વની બની રહેશે. વિપક્ષની અનિશ્ચિતતા અને અવ્યવસ્થા મોદી માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા કોંગ્રેસમાં સામેલ થવાનો ઈનકાર કરાયા બાદ વિપક્ષ જાણે સાવ વિખેરાઈ ગયો છે. ચાર રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપની જીત અને કોંગ્રેસને કારમી હાર આપવાથી વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવવામાં ઘણી આસાની રહેશે. વર્ષ ૨૦૧૭માં ભાજપ સાથે બહુમતી હતી. એ વખતે શિવસેના અને અકાલીદળ એનડીએના સાથી પક્ષો હતા. હવે ઉદ્ધવ ઠાકરે અને પ્રકાશસિંહ બાદલ સાથે ભાજપના સંબંધો બગડ્યા છે. અન્નાદ્રમુકના ઓ. પનીરસેલ્વમ્ અને પલાનીસ્વામી નબળી સ્થિતિમાં છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ યોજાય તેવી સંભાવના
વર્ષ ૨૦૧૭માં તામિલનાડુમાં અન્નાદ્રમુકની સરકાર હતી, જેણે રામનાથ કોવિંદ માટે મતદાન કર્યું હતું, પરંતુ અત્યારે તામિલનાડુમાં દ્રમુકની સરકાર છે, જે ભાજપને સાથ નહીં જ આપે એ નક્કી છે. હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ યોજાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં પીએમ મોદીને કુલ મતોના ૫૫ ટકા મત પ્રાપ્ત કરવામાં ભારે સંકટનો સામનો કરવો પડશે તેવું અત્યારે લાગી રહ્યું છે.
આંકડાઓ પર એક નજર કરીએ તો, ભારતમાં લગભગ ૭૩૫ સાંસદ અને ૪,૧૨૮ ધારાસભ્ય છે, જેમના મતની ગણતરી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રપોશનલ રિપ્રેઝન્ટેશનના આધારે થાય છે. પીએમ મોદી આ હકીકતનો સામનો કઈ રણનીતિના આધારે કરે છે તે પણ જોવાનું રહ્યું.
ભાજપ અને સંઘ પાસે ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે બહુ ઓછા મજબૂત વિકલ્પ
એવી અટકળો છે કે ભાજપ અને સંઘ પાસે ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે બહુ ઓછા મજબૂત વિકલ્પ છે. એવું પણ કહેવાય છે કે મોદીની ભાવિ યોજના એક મહિલા રાષ્ટ્રપતિ પસંદ કરવાની છે અને તે પણ દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી. ખાસ કરીને તેમની નજર હાલ તામિલનાડુ પર ટકેલી છે. તેમની સંભવિતોની યાદીમાં બે રાજ્યપાલ સામેલ છે, જેના પર સંઘે પણ સહમતિ વ્યક્ત કરી છે. તે બંને નરેન્દ્ર મોદીની ખૂબ નજીકના ગણાય છે. ભાજપ હાલ ઉચ્ચસ્તરે ઉમેદવારોની એક યાદી બનાવી રહ્યો છે. જુલાઈ, ૨૦૨૨ના પ્રથમ સપ્તાહમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી પણ શક્યતા છે.
રામનાથ કોવિંદના ઉત્તરાધિકારીના રૂપમાં પોતાના કોઈ ઉમેદવારની પસંદગી ભાજપ માટે આસાન તો નહીં જ રહે એવી ચર્ચા રાજકીય ગલિયારીમાં થઈ રહી છે. પીએમ મોદી આંચકો અને આશ્ચર્ય આપવા માટે ખૂબ જાણીતા છે એવા સંજોગોમાં કોઈ પણ અટકળો કેટલી સાચી સાબિત થશે તે પણ મહત્ત્વનો સવાલ છે.