While going to catch a kite, innocent felt a current of 11000 volts, a miraculous rescue
નવજીવન /
પતંગ પકડવા જતા માસૂમને લાગ્યો 11000 વોલ્ટનો કરંટ, થયો ચમત્કારિક બચાવ, 12 દિવસમાં જુઓ શું થયું
Team VTV05:42 PM, 11 Jan 22
| Updated: 05:55 PM, 11 Jan 22
નડિયાદમાં પતંગ પકડવા જતા બાળકને લાગ્યો હાઇવોલ્ટેજ કરંટ.પરિવારે છોડી દીધી હતી આશા પરંતુ ડોક્ટર્સના પ્રયાસોથી બાળકને મળ્યુ નવુજીવન
9 વર્ષના બાળકને મળ્યુ જીવનદાન
તબીબોના પ્રયાસ થકી અયાનને મળ્યુ નવુજીવન
પતંગ પકડવા જતા 11000 હાઇવોલ્ટેજ કરંટ લાગ્યો હતો
કહેવાય છે કે કે જેનું કોઇ નથી તેના ભગવાન છે. પરંતુ પૃથ્વી પર એક વ્યક્તિ છે જેઓને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે છે ડોક્ટર. જી હા ડોક્ટરના પ્રયાસો થકી જ આજે 9 વર્ષનો અયાન ઉત્તરાયણમાં પતંગ ચગાવી શકશે. વાત જાણે એમ છે કે નડિયાદમાં 9 વર્ષના અયાનને પતંગ પકડવા જતા 11 હજાર હાઇવોલ્ટેજનો કરંટ લાગ્યો. આટલો ભારે કરંટ લાગ્યા બાદ કોઇ જીવે ખરા ? પરંતુ કહેવાય છેને રામ રાખે તેને કોણ ચાખે. હાઇવોલ્ટેજ કરંટ લાગ્યા બાદ પરિવારને આશા ન હતી કે અયાન જીવશે. પરંતુ ડોક્ટરના વિશ્વાસ થકી આજે અયાનને નવજીવન મળ્યુ છે.
અયાનનું હૃદય 10 ટકા જ કામ કરતુ હતું
26 ડિસેમ્બરના રોજ અયાનને પતંગ પકડવા જતા 11 હજાર હાઇવોલ્ટેજનો કરંટ લાગ્યો હતો. તેનુ માત્ર 10 ટકા જ હૃદય કામ કરી રહ્યુ હતું. અયાનની આવી હાલત જોઇએ પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો. પરિવાર અયાનને લઇને એમ્બ્યુલન્સમાં મેમનગરની ડિવાઇન ચાઇલ્ડ હોસ્પિટલમાં લઇ આવ્યા. એમ્બ્યુલન્સમાં પણ ડોક્ટરના માર્ગદર્શન મુજબ સારવાર આપીને અયાનને હોસ્પિટલ લાવાવમાં આવ્યો હતો..અયાનની સ્થિતિ અંગે ડોક્ટર હાર્દિકે જણાવ્યુ હતુ કે બાળકને જ્યારે અહીં લઇને આવ્યા ત્યારે તેનુ હૃદય કામ કરતુ ન હતુ. આખુ શરીર ઠંડુ પડી ગયુ હતુ..નાક અને મોઢામાંથી લોહી વહેતુ હતુ અને બાળક કોમામાં સરી પડ્યો હતો.
12 દિવસ બાદ જીવમાં જીવ આવ્યો
બાળક જીવતે જીવ મૃત અવસ્થામાં હતો. અયાનને વેન્ટિલેટરના સહારે રાખીને ફેફસામાંથી આવતું લોહી બંધ કરવાની દવાઓ ચાલુ કરવામાં આવી હતી, હૃદયનું પમ્પિંગ સુધારવા માટે ત્રણ અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો સતત ચાલુ કરવામાં આવ્યા. મગજ ઉપરનો સોજો ઓછો કરવો, ખેંચ આવતી બંધ કરવા આ તમામ પડકારો વચ્ચે કિડની અને લીવરના સપોર્ટ માટે દવાઓ ચાલુ કરવામાં આવી. આમ ડોક્ટરની સતત દેખરેખ હેઠળ જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવતા અયાન સાજો થઇ ગયો.
અયાન ફરીથી ચગાવી શકશે પતંગ
અયાનની આ સ્થિતિ જોતા પરિવારને આશા ન હતી તે જીવશે. પરંતુ ડોક્ટર્સના પ્રયાસને પરિણામે અયાન 12 દિવસ બાદ પોતાના પગ પર ઉભો થયો છે . ડોક્ટર્સને કારણે આજે બાળકને નવ જીવન મળતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ ઘટના પરથી દરેક માતા પિતાએ એ શીખ લેવાની જરૂર છે કે તમારુ બાળક જ્યારે ધાબે જાય ત્યારે તમે સાથે જાઓ. તમારી હાજરીમાં જ બાળક ધાબા પર હોય તેનો આગ્રહ રાખો જેથી કોઇ જાનહાનિ થતી અટકી શકે.