કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી છે.
18 વર્ષની મોટી ઉંમરના લોકો માટે જાહેરાત
હવે આ લોકોને પણ આપવામાં આવશે બૂસ્ટર ડોઝ
જોઈ લો કેટલી કિંમત હશે અને શું નિયમ રાખ્યા છે
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી છે. અત્યાર સુધી, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ સહિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવતો હતો, પરંતુ 10 એપ્રિલ એટલે કે રવિવારથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.
જો કે, બૂસ્ટર ડોઝ લાગુ કરવા માટે કેટલાક દિશાનિર્દેશો નક્કી કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, જેઓ 18 વર્ષથી વધુ ઉંમરના છે અને બીજો ડોઝ લીધાના 9 મહિના (39 અઠવાડિયા) પૂર્ણ કરી ચૂક્યા છે તેઓ ખાનગી રસીકરણ કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ માટે પાત્ર રહેશે. બૂસ્ટર ડોઝ માટે રસીનું મિક્સ એન્ડ મેચ થશે નહીં. આનો અર્થ એ છે કે, જો તમને કોવિશિલ્ડનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે, તો તમને તે જ બૂસ્ટર ડોઝ પણ મળશે. CoWIN આ ડોઝ માટે તમામ પાત્ર લોકોને મેસેજ મોકલશે.
બૂસ્ટર ડોઝ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવશો ?
પાત્ર લાભાર્થીઓ https://selfregistration.cowin.gov.in/ પર લોગ ઓન કરી શકે છે અથવા આરોગ્ય સેતુ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એકવાર સાઇન ઇન પૂર્ણ થઈ જાય, પછી લાભાર્થીનો ઓળખ પુરાવો CoWin હોમપેજ પર નવી કેટેગરી હેઠળ અપડેટ કરવાનો રહેશે. લાભાર્થી તેમના આધાર કાર્ડ અથવા આઈડી કાર્ડનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે.
આધાર સિવાય, આરોગ્ય મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલ અન્ય ID છે: EPIC, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, NPR હેઠળ RGI દ્વારા અપાયેલ કરાયેલ સ્માર્ટ કાર્ડ, ફોટો સાથે પેન્શન દસ્તાવેજ. કો-વિન વેક્સિનેટર મોડ્યુલ દ્વારા તમામ રસીકરણ તે જ દિવસે રીઅલ-ટાઇમમાં રેકોર્ડ કરવામાં આવશે.
બૂસ્ટર ડોઝ શા માટે જરૂરી છે ?
બૂસ્ટર ડોઝ કોવિડ-19 સામે વધુ સારી સુરક્ષા આપે છે. પ્રથમ અને બીજા ડોઝ પણ કોરોનાને રોકવા માટે અસરકારક છે, પરંતુ સમય જતાં તે ઓછા અસરકારક બની શકે છે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આ અતિ મહત્વનું છે.
સમયાંતરે કોરોના વાયરસના નવા સ્વરૂપો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, વધેલી માત્રા તેને રોકવામાં મદદ કરી શકે છે. હેલ્થકેર, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 2.4 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.
કિંમત કેટલી હશે?
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોવિશિલ્ડના બૂસ્ટર ડોઝની કિંમત રૂ. 600થી વધુ હશે અને કોવોવેક્સ રૂ. 900થી વધુમાં ઉપલબ્ધ થશે. પૂનાવાલાએ એમ પણ કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ બૂસ્ટર ડોઝ ઓફર કરતી હોસ્પિટલો અને વિતરકોને મોટું ડિસ્કાઉન્ટ આપશે. તે જ સમયે, જો કોઈને રસી મળે છે, તો તેણે 1200 રૂપિયા ખર્ચવા પડશે.