બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / કચ્છમાં ફરી આવશે 2001 જેવો ભૂકંપ, ગમે ત્યારે સુનામીનો પણ ખતરો, જાણો શું કહે છે એક્સપર્ટ્સ?

ભૂકંપ / કચ્છમાં ફરી આવશે 2001 જેવો ભૂકંપ, ગમે ત્યારે સુનામીનો પણ ખતરો, જાણો શું કહે છે એક્સપર્ટ્સ?

Last Updated: 09:08 AM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ત્રણેક મહિનાથી ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. આ વર્ષે ગુજરાતમાં બારથી તેર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં નવેમ્બર માસમાં જ ભૂકંપના આઠ આંચકા આવ્યા છે. હમણાં ચારેક દિવસ પહેલા જ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીમાં અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. ગૌરવ ચૌહાણ સાથે VTVએ ખાસ વાતચીત કરીને જવાબદાર કારણો અંગે વિસ્તારથી વાત કરી હતી.

અહીં ભૂકંપ આવવાની પૂરી સંભાવના છે કારણકે...
ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે,‘ગુજરાતમાં ત્રણ સબ ટેકટોનિક ઝોન છે. જેની અંદર છે કેમ્બે બેસિન કે જે પાલનપુરથી શરૂ કરીને વડોદરા સુધીનો બેલ્ટ છે. કેમ્બે ફોલ્ટ એ મેજર ફોલ્ટ છે આ સિવાય નાના-મોટા ફોલ્ટ છે. બીજો કચ્છ ઝોન સૌથી મોટો એક્ટિવ છે. જેની અંદર જુદા-જુદા ફોલ્ટ છે જેમ કે વેસ્ટમાં અલ્હાબાદ ફોલ્ટ છે, સાઉથ વાગડ ફોલ્ટ, બન્ની ફોલ્ટ, નગર પારકર ફોલ્ટ, કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ, વિઘોડી ફોલ્ટ અને નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ જેવી ફોલ્ટલાઇન છે. સૌરાષ્ટ્રમાં પણ કાઠીયાવાડ ફોલ્ટ છે. સાઉથમાં પણ ગિરનાર ફોલ્ટ આવેલા છે.ગુજરાતનો જે વિસ્તાર છે તે ભૂકંપના સિસ્મીક ઝોન 5, ઝોન 4 ઝોન 3 અંતર્ગત આવે છે. કચ્છ પ્રાંત એ ઝોન 5માં આવે છે. વેસ્ટ-સાઉથ ઝોન 4 કવર કરે છે અને ઉત્તર ભાગ ઝોન 3 કવર કરે છે. ઝોન-3થી લઇને ઝોન-5 સુધીમાં જોઇએ તો સાડા ત્રણ મેગ્નિટયુડથી લઇને સાડા છ કે સાત મેગ્નિટયુડ સુધીના ભૂકંપ આવવાની અહીં પૂરી સંભાવના છે. ભૂકંપ આવે તો બિલકુલ નવાઇ નથી કારણકે સિસ્મેકલી આપણે એક્ટિવ ઝોનમાં છીએ. આપણી બધી ફોલ્ટલાઇન એક્ટિવ છે. અલગ અલગ ફોલ્ટમાંથી અલગ અલગ સમયે ઉર્જા બહાર નીકળતી રહે છે’

‘નાના ભૂકંપના આંચકાઓ એક રીતે સારા છે’
ભૂકંપને એક ઉદાહરણ આપીને સમજાવતા ડૉ.ગૌરવ ચૌહાણ કહે છે,‘એક કૂકરની અંદર કોઇ વસ્તુ બાફીએ ત્યારે એની અંદર પ્રેશર ભરાતા સીટી વાગે છે. જો કૂકરની સીટી ન વાગે તો કૂકર ફાટે. પથ્થરની અંદર ઘણીબધી તિરાડો પડે છે. જમીનની અંદર કોઇ મોટી શિલાઓનું ઘર્ષણ થાય ત્યારે વાઇબ્રેશન આપણે અનુભવીએ. જ્યારે પથ્થરોની અંદર ઉર્જાનો સંગ્રહ થયા કરે અને પછી જે વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય એના કારણે મોટી તીવ્રતાનો ભૂકંપ સર્જાય છે. નાનકડા ભૂકંપ મોટા ભૂકંપને ટાળવાની ક્ષમતા રાખે છે. 1819, 1956, 1971, 2001માં મોટી તીવ્રતાના ભૂકંપો આવેલા છે. 2022માં પણ સાડા ચાર મેગ્નિટયુડના ભૂકંપના આંચકા આવ્યા હતા કચ્છમાં. 1819 પછી દોઢસો વર્ષે એટલે કે 1956માં મોટો ભૂકંપ આવ્યો હતો. 2001 પછી ભૂકંપના આંચકા આવી રહ્યા છે એનો મતલબ એમ કે એનર્જી રિલીઝ થઇ રહી છે. કચ્છની અંદર આઠથી દસ મોટી ફોલ્ટ લાઇન એક્ટિવ છે. આ બધી જ ફોલ્ટલાઇનમાં ભૂકંપ નથી આવતા. ક્યારેક કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટલાઇનમાં ભૂકંપ આવે છે, તો ક્યારેક સાઉથ વાગડ ફોલ્ટલાઇનમાં ભૂકંપ આવે છે. અલ્હાબંધ ફોલ્ટલાઇનમાં પણ હજું એક્ટિવીટી થઇ રહી છે.’

792px-Kachchh_Area

1819નો ભૂકંપ: અલ્લાહ બંધ અને સરોવર સિન્દ્રીનું સ્થાન દર્શાવતો સેટેલાઇટ ફોટો

બાંધકામ કરતા પહેલા...
ડૉ.ગૌરવ ચૌહાણ બાંધકામ અંગે શું તકેદારી રાખવી જોઇએ એ અંગે કહે છે,‘ભૂકંપ એક હકીકત છે. જાપાન જેવા દેશ કે જ્યાં ભૂકંપ સામાન્ય છે ત્યાં બાંધકામ, ટાઉન  પ્લાનિંગ ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવે છે. કચ્છ-ગુજરાતમાં જે પણ બાંધકામ તૈયાર કરીએ તો કાળજી રાખીએ કે ફોલ્ટલાઇનની નજીકના વિસ્તારમાં બાંધકામ ન કરવામાં આવે. જ્યારે ભૂકંપ આવે ત્યારે ફોલ્ટની નજીકના એરિયામાં સૌથી વધારે અસર થાય છે. જેમ ફોલ્ટથી દૂર બાંધકામ કરવામાં આવે નુકસાન ઓછુ થાય. મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા એક્ટિવ ફોલ્ટ મેપિંગનો એક પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. અત્યારે ફોલ્ટ આઇડેન્ટિફાઇ થઇ ચૂક્યા છે. એ અંગેના રિસર્ચ પેપર પણ આપણી પાસે છે. આપણે એ ફોલ્ટ આઇડેન્ટિફાઇ કરીને ત્યાં બાંધકામ કરવાનું ટાળવું જોઇએ અથવા તો ભૂકંપ સામે ટકી શકે એવા અર્થક્વેકપ્રૂફ બાંધકામો બનાવવા જોઇએ. કચ્છના બન્ની કે ખાવડા વિસ્તારમાં જોઇએ તો ત્યાં ભૂંગા જોવા મળે છે. કચ્છની સંસ્કૃતિના અભિન્ન ભાગ ગણાતા ભુંગાની બનાવટમાં  ખરેખર તો એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છુપાયેલું છે કે એ ભૂકંપપ્રતિરોધક છે. વર્ષ 2001ના ભુકંપમાં તોતિંગ બિલ્ડીંગોને નુકસાન થયું હતું પરંતુ ભુંગાને કશી જ અસર થઇ ન હતી. એવી જ રીતે જમીનની અંદર ચોરસ ટાકા તૂટી ગયા હતા પરંતુ ગોળ ટાકાઓ નહોતા તૂટ્યા. આ પ્રકારના અર્થક્વેકપ્રૂફ સ્ટ્રકચર અંગે આપણે વિચારવું જોઇએ. ભૂકંપને એક કડવી હકીકત તરીકે સ્વીકારીને આપણે બાંધકામમાં તકેદારી રાખવી જોઇએ કે જેથી મોટી જાનહાનીથી બચી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય’

Screenshot 2024-12-09 165701

'ભૂકંપ એક હકીકત છે એ સ્વીકારીને બાંધકામો તૈયાર કરવા જોઇએ': ડૉ.ગૌરવ ચૌહાણ

વર્ષ 2001 પછી બાંધકામ અંગે કેટલું ધ્યાન રાખવામાં આવે છે?
ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે,‘એક જિઓલોજીસ્ટ તરીકે મારું ઓબ્ઝર્વેશન છે કે 2001ના ભૂકંપ પછી સરકારે કચ્છની અંદર બાંધકામને લઇને સખત નિયમો બનાવ્યા હતા. જે પ્રમાણે વન પ્લસ વનનું જ બાંધકામ થવું જોઇએ. પણ મારી આપના માધ્યમથી સૌને સલાહ એ છે કે આપણે જે પણ ટાઉન પ્લાનિંગ કરીએ એ પહેલા સાઇટ રિસ્પોન્સ સ્ટડીઝ હાથ ધરવામાં આવે એ બહુ જરૂરી છે. આ સ્ટડીથી ભૂકંપની સંભવિત અસરની જાણ થઇ શકે છે. તમે ગાદલામાં બેઠા હો તો તમને ઓછુ વાઇબ્રેશન ફીલ થાય પરંતુ ટેબલ પર બેઠા હોં તો વધારે વાઇબ્રેશન ફીલ થશે. 2001ના ભૂકંપ બાદ આપણી પાસે સારો ડેટા છે. ક્યો ઝોન વધારે એક્ટિવ છે, ક્યો ઝોન ઓછો એક્ટિવ છે એની આપણી પાસે જાણકારી છે.  આ પ્રકારના સાયન્ટિફિક ડેટાનો અભ્યાસ કરીને ટાઉન પ્લાનિંગ કરવું જોઇએ. બિલ્ડીંગ નિર્માણ માટે  લો-વેઇટ પથ્થરો કે જેનું વજન ઓછુ હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત કોઇ પણ બાંધકામ પહેલા જિઓલોજીસ્ટનું પ્રમાણપત્ર પણ મેળવવું જોઇએ. જિઓલોજીસ્ટે સ્થળ પર જઇને ચકાસણી કરાવવી જોઇએ કે જે જગ્યાએ બાંધકામ થઇ રહ્યું છે ત્યાં કોઇ એક્ટિવ ફોલ્ટ તો નથી ને. જો આ બધા પગલા લઇને બાંધકામ કરવામાં આવે તો હું નથી માનતો કે કચ્છની અંદર 2001 જેવો ભૂકંપ આવે તો આપણે મોટુ નુકસાન ભોગવવું પડે’

WhatsApp Image 2024-12-09 at 6.21.44 PM

‘ભવિષ્યમાં મોટા ભૂકંપની સો ટકા શક્યતા છે’
ભવિષ્યમાં કચ્છમાં મોટા ભૂકંપની શક્યતા અંગે પુછવામાં આવતા ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે,‘ભવિષ્યમાં મોટા ભૂકંપની સો ટકા શક્યતા છે. આવનારા દસ વર્ષમાં એક મોટો ભૂકંપ આવવાની શક્યતા નકારી શકાય એમ નથી. જ્યાં એક એક્ટિવ ફોલ્ટ હોય તો એની સાયકલ સમજી શકાય. કચ્છની અંદર દસથી બાર ફોલ્ટ છે. ક્યો ફોલ્ટ ક્યારે એક્ટિવ થાય એનો કોઇ અભ્યાસ થયો નથી. કચ્છમાં પચ્ચીસ-ત્રીસ વર્ષે મોડરેટ અને પચાસ વર્ષે મોટા ભૂકંપ અનુભવાય છે. આવનારા પચ્ચીસ વર્ષની અંદર જેની તીવ્રતા સાડા પાંચથી માંડીને છ કે સાત સુધીની હોઇ શકે છે’

જમીનમાં એક વાળ જેટલી પણ હલનચલન નોંધાય તો ખબર પડી જાય છે
ડૉ. ગૌરવ ચૌહાણ આગળ કહે છે,‘આ ફોલ્ટ લાખો-કરોડો વર્ષ પૂર્વે બન્યા છે. જો ફોલ્ટની આજુબાજુમાં પથ્થરોમાં તિરાડ હોય તો એનો મતલબ એમ કે એ ફોલ્ટલાઇન એક્ટિવ છે. ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા ઘણી જગ્યાએ અર્થક્વેક રેકોર્ડ કરવા માટેના ઉપકરણો લગાડવામાં આવેલા છે જેના કારણે ભૂકંપ આવે એટલે આંખના પલકારામાં જ ખ્યાલ આવી જાય છે. ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા જીપીએસ સ્ટેશન લગાડવામાં આવેલા છે. જો ભૂકંપ આવે તો જમીનમાં એક વાળ જેટલી પણ હલનચલન નોંધાય તો ઉપકરણ બતાવી આપે છે.  રોકનું કેવું બિહેવીયર છે, દિવસ દરમિયાન જમીનની અંદર કેટલી હલનચલન થઇ રહી છે, જેનાથી પણ ખ્યાલ આવી જાય છે. આ કારણે જાણી શકાય છે કે મહતમ ભૂકંપ ક્યાં આવી રહ્યા છે. એટલે કે એ તમારો વીકર ઝોન છે. જ્યાં વારંવાર ભૂકંપ આવે એ વીકર ઝોન કહેવાય છે કે જેમકે ભચાઉનો રાપર વિસ્તાર વીકર ઝોન છે’

2023-04-29

ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ

‘આ જગ્યાએ આવતા ભૂકંપ ચિંતાજનક છે’
ડૉ.ગૌરવ ચૌહાણ કહે છે,‘મોટા ભૂકંપ પહેલા આવતા ભૂકંપને ફોરશોક કહેવામાં આવે છે જ્યારે ભૂકંપ પછી આવતા શોકને આફટરશોક કહેવામાં આવે છે. ભચાઉ વાગડમાં જે ભૂકંપ આવી રહ્યા છે તેને 2001ના ભૂકંપના આફ્ટરશોક્સ કહી શકાય. ઇસ્ટર્ન- કચ્છની અંદર જે ભૂકંપ આવે છે એ 2001ના ભૂકંપનો આફટરશોક્સ છે. એમા કોઇ શંકા નથી. ભચાઉ વિસ્તારમાં જે ભૂકંપ આવે છે એ બહું ચિંતાજનક નથી. પરંતુ કેટલાક નવા એરિયા જેમકે હમણા પાટણમાં ભૂંકપ આવ્યો હતો, ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપ આવ્યો હતો. આ ભૂંકપ શું કોઇ મોટા ભૂકંપનો ફોરશોકસ છે કે કેમ એ પણ ડિટેઇલ સ્ટડી માગતો મુદ્દો છે. હમણા જ અલ્લાહબંધમાં ભૂંકપ આવ્યો કે જ્યાં કોઇ માનવ પ્રવૃતિ થતી નથી કે માનવ વસાહત નથી ત્યાં ભૂકંપના જે આંચકા આવી રહ્યા છે એ ઘણા ચિંતાજનક છે’

Bhuj

વર્ષ 2001ના ભૂકંપની કાળમુખી યાદો આજે પણ લોકોને થથરાવી મુકે છે!

કચ્છના રણમાં વિકાસ થાય એ બરાબર છે પણ...
ડૉ.ગૌરવ ચૌહાણ મુલાકાતને અંતે એક કાને ધરવા જેવી વાત ચેતવણીના સૂરમાં કહે છે,‘1945માં ભૂકંપને કારણે જે ભયાવહ સુનામી આવી હતી એના વેવ્સ છેક ધોળાવીરા સુધી જોવા મળે છે. જો વેસ્ટકોસ્ટમાં ભૂકંપ આવે તો એ સુનામીને પણ સાથે લાવી શકે એમ છે. કચ્છના રણમાં ખૂબ મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. એક સુનામીને કારણે આ બધા જ ઔધોગિક એકમો તબાહ થઇ શકે છે. મારી આપના માધ્યમથી એક સલાહ છે કે વેસ્ટકોસ્ટમાં મહત્તમ મેંગ્રોવના વૃક્ષોનું વાવેતર કરવું જોઇએ કે જેથી ન કરે નારાયણને કાલે સવારે સુનામી આવે તો સુનામીના વેવ્સને થોડા નબળા પાડી શકે. અલ્લાહબંધના ભૂકંપે ધીકતા બંદરો-નગરોને તબાહ કરી નાખ્યા હતા. કચ્છના રણમાં જે ડેવલપમેન્ટ થઇ રહ્યું છે એ આવકાર્ય વાત છે પણ આપણે બેઝિક સાવચેતી અને નિયમોનું પાલન કરવું જ રહ્યું જેથી ભવિષ્યના ખતરાની અસર ઓછી કરી શકાય’

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

2001 Earthquake Gujarat Kutch Earthquake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ