એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે અમને મમતા દીદી કે પીએમ મોદીની પોલિટિક્સ પર ભરોસો નથી.
બંગાળ ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી ઉતરશે
બંગાળ વિધાનસભાની 6 સીટો પર ઉમેદવારો ઉતારવાનો નિર્ણય
પીએમ મોદી અને મમતા બેનરજી પર નિશાન સાધીને કરી ટીકા
મહત્વનું છે કે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, અને અત્યારે જે પ્રકારે ટ્રેન્ડ દેખાઈ રહ્યા છે તે પ્રમાણે મુખ્ય લડાઈ સત્તાધારી પાર્ટી ટીએમસી અને ભાજપની વચ્ચે છે, જો કે આ ચૂંટણી માત્ર દ્વિપક્ષીય નથી, આ ઇલેક્શનમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ પોતાનું નસીબ અજમાવી રહી છે, આ દરમિયાન એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇંટરવ્યૂમાં ઓવૈસીએ કહ્યું હતું કે તેમને મમતા બેનરજી કે પીએમ મોદીની રાજનીતિ પર ભરોસો નથી, જેથી કરીને તે બધા જ સમાજ પાસેથી વોટ માંગશે.
6 સીટો પર લડશે ચૂંટણી
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન AIMIMએ ત્રીજા તબક્કાની ચૂંટણીઓ પછી તેના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. AIMIM બંગાળમાં 6 બેઠકો પર લડવાનો નિર્ણય કર્યો છે. જોકે, 6 સીટો પર ચૂંટણી લડી રહેલા AIMIM ને સીએમ મમતા બેનર્જી દ્વારા સતત નિશાન બનાવવામાં આવે છે. આ સંદર્ભમાં પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ એક ખાનગી ચેનલની સાથે સાથે વાત કરતા સીએમ મમતા અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
તેમના ઇંટરવ્યૂમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે અમારો પ્રયાસ છે કે અમે દરેક સમાજમાંથી મત માંગીએ. તેમણે કહ્યું કે અમને મમતા બેનર્જી કે નરેન્દ્ર મોદીના રાજકારણ પર વિશ્વાસ નથી. મમતા બેનર્જીએ કહ્યું કે હું હિન્દુ બ્રાહ્મણ છું, પછી કહ્યું કે હું શાંડિલ્ય છું. નરેન્દ્ર મોદી કહે છે કે હું હિન્દુ રાષ્ટ્રવાદી છું.
બંગાળની ચૂંટણીમાં મોડા પ્રવેશ અંગે ઓવૈસીએ શું કહ્યું?
ચૂંટણીમાં મોડા પ્રવેશ અંગેના સવાલ પર ઓવૈસીએ કહ્યું, "કોઈ મોડું નથી થયું. અમે ખૂબ કાળજીપૂર્વક વિચાર્યું. ત્યારબાદ અમે નિર્ણય કર્યો કે અમે પહેલી વાર ચૂંટણી લડી રહ્યા હોવાથી 6 બેઠકો પર જ લડીશું." ઓવૈસીએ કહ્યું કે પહેલા બે ત્રણ તબક્કામાં અમારા ઉમેદવારનું સિલેક્શન નહોતું થયું. તેમણે કહ્યું કે તેમાં થોડો વિલંબ થયો છે, પરંતુ અમે સમજીએ છીએ કે અમે હજી પણ યોગ્ય સમયે નિર્ણય લીધો છે.
અબ્બાસ સિદ્દીકીની પાર્ટીથી કેમ છૂટા પડ્યા?
અસદુદ્દીન ઓવૈસીએ અબ્બાસ સિદ્દીકીની પાર્ટીથી અલગ થવા અંગે કહ્યું હતું કે, "હું અબ્બાસ સિદ્દીકીને મળવા ફુરફુરા શરીફ ગયો હતો. ત્યાં અમે કહ્યું હતું કે અમે તેની સાથે રહીશું. અને ચૂંટણી તેની સાથે લડાશે. ડિસેમ્બરમાં અબ્બાસ સિદ્દીકી તેના ભાઈ નૌશાદ સાથે હૈદરાબાદ આવ્યા. તેઓ મને મારા ઘરે મળ્યા. તેઓ સારી રીતે વર્ત્યા, પરંતુ તેમણે એક એવો નિર્ણય લીધો કે તે ડાબેરીઓ અને કોંગ્રેસના મોરચામાં ગયા છે .. હવે અમે આ ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધનમાં નથી. . અમે આ ચૂંટણીમાં પોતાની શક્તિ અને વિશ્વાસથી લડી રહ્યા છીએ.
આ કોઈ નાટક નથી ચાલી રહ્યું
સીએમ મમતા બેનર્જીની નિંદા કરતાં ઓવૈસીએ કહ્યું કે મમતા બેનર્જી બંગાળની મુસ્લિમ લઘુમતીઓને સમજી રહ્યા છે કે એક નુક્કડનાટક ચાલી રહ્યું છે અને અમે પ્રેક્ષકો છીએ. જો તે તેના માથે ઓઢી લેશે તો અમે તાળીઓ પાડીશું. જો તેઓ અલ્લાહ હુ અકબર કહે તો આપણે તાળીઓ પાડીશું. તેમણે કહ્યું, "મમતાનું નિવેદન છે કે સમગ્ર લઘુમતીએ અમને સાથે મળીને મત આપવો જોઈએ, તે ફક્ત અમને વૉટર્સ માને છે, પણ માણસ ગણતી નથી. તે વિકાસ વિશે, માથાદીઠ આવક વધારવા, સરકારી નોકરીમાં સુધારો કરવાની વાત નથી કરતી."