ભારતમાં લોકો ક્રિકેટ સાથે એટલા જોડાયેલા છે તેનો એક દાખલો આજે જોવા મળ્યો. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની હારથી એક ચાહકને એટલો આઘાત લાગ્યો કે તેણે ઘેર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પશ્ચિમ બંગાળના બાંકુરાનો રહેવાસી 23 વર્ષીય રાહુલ લોહાર ટીમ ઇન્ડિયાનો મોટો ફેન છે. રવિવારે ટીમ ઇન્ડિયાની જીતને લઇને તેને પૂરો વિશ્વાસ હતો, પરંતુ તે ભારતની હારથી ઘણો દુખી હતો. તે ડિપ્રેશનમાં ગયો હતો અને રાત્રે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મોડી રાત્રે ભાઈ પોતાના રૂમમાં ગયા ત્યારે તે લટકતો જોવા મળ્યો હતો.
મેચ જોઈને પાછો આવીને ઘેર પંખે લટક્યો
રાહુલ સાડીની દુકાનમાં કામ કરતો હતો. તે રવિવારે સ્ટોર પર ગયો ન હતો. તેણે મિત્રો સાથે બેલિએટરમાં સિનેમા હોલની સામે એક પ્રોજેક્ટર પર મેચ જોઈ હતી. મેચ પૂરી થયા બાદ તેણે વીલા મોંએ ઘેર આવ્યો હતો. તેણે રાતે ખાધું પણ નહોતું. રાત્રે 11 વાગ્યાની આસપાસ રાહુલનો નાનો ભાઈ ઘરે પરત ફર્યો હતો. તે પોતાના રૂમમાં રાહુલને મળવા ગયો હતો, પરંતુ જેવો તે રૂમમાં દાખલ થયો કે તરત જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે રાહુલ લટકી રહ્યો હતો. તેણે પરિવારજનોને બોલાવીને રાહુલને જાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હારથી આપઘાત કે બીજું કોઈ કારણ- પોલીસ તપાસમાં
આ મામલાની જાણકારી બેલિએટર પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ બાંકુરા સંમિલાની મેડિકલ કોલેજમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે પરિવારજનોની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. સાથે જ પોલીસ આ એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે કે શું રાહુલે ખરેખર ટીમ ઈન્ડિયાની હારથી દુઃખી થઈને ફાંસી લગાવી હતી કે પછી બીજું કોઈ કારણ છે? જણાવી દઈએ કે રવિવારે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.