હવામાન /
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી પધારશે મેઘરાજા! તાપમાનનો પણ પારો જશે આસમાને
Team VTV02:23 PM, 09 Mar 23
| Updated: 02:44 PM, 09 Mar 23
રાજ્યમાં કમોસમી વરસાદના વાતાવરણ વચ્ચે ગરમી અને વરસાદને લઇને ફરીવાર હવામાન વિભાગે એક આગાહી કરી છે.
ગરમી-વરસાદને લઇ હવામાન વિભાગની વધુ એક આગાહી
આગામી દિવસમાં રાજ્યમાં ગરમીના પારામાં થશે વધારો
13 માર્ચથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે રહેશે સામાન્ય વરસાદ
છેલ્લાં બે-ત્રણ દિવસથી રાજ્ય (Gujarat) માં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. એવામાં ઉનાળાની શરૂઆત થતા જ ગરમીને લઇને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે.
તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો થશે વધારો
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં આગામી દિવસમાં ગરમીના પારામાં વધારો થશે. રાજ્યમાં 4 દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થશે. કચ્છમાં કેટલાક સ્થળે હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તાપમાન 37 ડિગ્રીએ જશે ત્યારે હિટવેવ થશે. ભુજમાં 39 ડિગ્રીથી 40 ડિગ્રી તાપમાન જશે. જ્યારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.'
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદની શક્યતા
વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13મી માર્ચે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. તદુપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. ખેડૂતને લઈને એડવાઇઝ પણ જાહેર થશે. ખેડૂતે પાણી પીવડાવવું અને ખેતીલક્ષી બાબતે ધ્યાન રાખવું. માર્ચમાં વરસાદ રહેતો નથી હોતો પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ વરસાદ નોંધાઇ રહ્યો છે. 13 માર્ચથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. વરસાદના કારણે તાપમાન પણ ઘટતું હોવાથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી રાજ્યમાં ડબલ સિઝન રહી શકે છે. આથી ડબલ સીઝનના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ રાજ્યમાં વધી શકે છે.'