weather alert forecast in india update 4th march 2022
ખેડૂતો ચિંતાતુર /
વાતાવરણમાં આવશે પલટો, વધતી જતી ગરમી વચ્ચે દેશનાં આ રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
Team VTV12:39 PM, 04 Mar 22
| Updated: 12:50 PM, 04 Mar 22
વધતી જતી ગરમી વચ્ચે હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી
દેશનાં કેટલાંક રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
આજે J&K, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી
માર્ચ મહિનાની પ્રથમ શરૂઆત થઈ ગઇ છે. આ સાથે ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં ધીમે ધીમે તાપમાનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આજ રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.
(IMD) નાં જણાવ્યાં અનુસાર, દિવસ દરમિયાન ગરમી વધશે અને રાત્રે ઠંડી પડશે. હાલમાં ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાન વધવા લાગ્યું છે અને રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન પણ 27 થી 28 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે કે જે હવે ઘટશે નહીં પરંતુ વધતું જશે. હજુ આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થશે એ સ્પષ્ટ છે.
જાણો રાજ્યના કયા-કયા વિસ્તારમાં વરસાદ પડી શકે?
જો કે, ઘણી જગ્યાએ વરસાદના કારણે ઠંડી પણ પડી રહી છે. એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણાં વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી દિવસોમાં આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અન્ય તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અહીંયા 6ઠ્ઠી અને 7મી માર્ચે વરસાદ પડી શકે છે. તદુપરાંત આજે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.
દરિયાકાંઠે તોફાની હવામાનની સંભાવના
આ સાથે દક્ષિણ-પશ્ચિંમ બંગાળની ખાડીની ઉપર પણ એક દબાવ ક્ષેત્ર બની ગયું છે. જે ઉત્તર તમિલનાડુ કિનારા તરફ વધી રહ્યું છે. આજથી 5 માર્ચ સુધી કેરલ, તમિલનાડુના કેટલાંક વિસ્તારોમાં વરસાદ સાથે સાથે પવન પણ ફુંકાશે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, શુક્રવાર અને શનિવારે પશ્ચિમ-મધ્ય અને નજીકના દક્ષિણ-પશ્ચિમ ખાડી અને ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે તોફાની હવામાનની સંભાવના છે. IMDએ માછીમારોને 5 માર્ચ સુધી દક્ષિણ બંગાળની ખાડી અને તેની નજીકના વિષુવવૃત્તીય હિંદ મહાસાગર, મન્નારની ખાડી અને કોમોરિન વિસ્તારમાં દરિયામાં ન જવાની સૂચના આપી છે.
દરમિયાન, હવામાન વિભાગે ઉનાળાની ગરમીની ઋતુ માટેની પણ ચેતવણી જાહેર કરી છે. IMD નાં જણાવ્યાં અનુસાર, દિલ્હીમાં માર્ચથી મે મહિના વચ્ચે વધુ ગરમી પડશે. હવામાન વિભાગે કહ્યું કે, આ વર્ષે સામાન્યથી વધારે ગરમી પડશે. IMD ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ઉનાળાના કારણે પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાંક ભાગોમાં ગરમીની લહેરની શક્યતા વધુ રહેશે, જ્યારે ઈન્ડો-ગૈગનેટિક મેદાનોમાં ગરમીની લહેરો તુલનાત્મક રીતે ઓછી હશે. તદુપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે, 'જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનના મુખ્ય ભાગો, ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.'