Weakness, body ache: Common symptoms of 5 Omicron patients in India
મહામારી /
દિલ્હીમાં દાખલ ઓમિક્રોનના પહેલા દર્દીમાં જોવા મળ્યા આ લક્ષણો, LNJP હોસ્પિટલે આપ્યું અપડેટ
Team VTV04:00 PM, 05 Dec 21
| Updated: 04:17 PM, 05 Dec 21
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે ઓમિક્રોન વેરિયન્ટનો પાંચમો દેશ નોંધાયો છે અને તેનામાં કેટલાક ખાસ લક્ષણો જોવા મળ્યાં છે.
દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો
ઓમિક્રોન સંક્રમિત દર્દી ટાન્ઝાનિયાથી દિલ્હી આવ્યો હતો
દર્દીમાં ગળામાં દુખાવો, નબળાઈ અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા
LNJP હોસ્પિટલના એમડી ડો.સુરેશ કુમારે જણાવ્યું હતું કે, આ મામલો 2 ડિસેમ્બરે આવ્યો હતો. ચેપ ગ્રસ્ત વ્યક્તિએ ટાન્ઝાનિયાથી દિલ્હી સુધી હવાઈ મુસાફરી કરી હતી. આ વ્યક્તિએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે તેની સાથે સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ પગેરુ શોધી કાઢવામાં આવી રહ્યું છે.
ઓમિક્રોન પોઝિટીવ દર્દીમાં જોવા મળ્યા આ લક્ષણો
દિલ્હીની LNJP હોસ્પિટલના એમડી ડો.સુરેશ કુમારે જણાવ્યું હતું કે, તાન્ઝાનિયા પરત ફરેલા દર્દીને ગળામાં દુખાવો, નબળાઈ અને શરીરમાં દુખાવો જેવા ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા હતા.
દર્દીનું ઓક્સિજન લેવલ સ્થિર-ડોક્ટર
ડો.સુરેશ કુમારે જણાવ્યું હતું કે, ડોકટરોની ટીમ 24 કલાક દર્દી પર નજર રાખી રહી છે, ઓક્સિજનના સ્તર માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ડોકટરો દર્દીના શરીરમાં થતા ફેરફારો પર નજર રાખી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસને કહ્યું કે જો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધે તો તેઓ ઇમરજન્સી માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ આવવામાં સમય લાગે છે, રિપોર્ટ 4થી 5 દિવસમાં આવે છે, તેથી આ સમયગાળા દરમિયાન વિદેશથી પરત ફરેલા લોકોથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું જરુરી છે.
ભારતમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનના 5 કેસ થયા
ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના અત્યાર સુધી5 કેસ થયા છે. સૌથી પહેલા બે કેસ કર્ણાટકમાંથી નોંધાયા છે ત્યાર બાદ ગુજરાતના જામનગરનો એક વ્યક્તિનો પણ ઓમિક્રોન ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને હવે મુંબઈમાં ઓમિક્રોન વેરિયન્ટનો ચોથો કેસ નોંધાયો છે. મુંબઈ બાદ દિલ્હીમાંથી પણ રવિવારે ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે.
કેન્દ્રના જણાવ્યા અનુસાર બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયલને 'જોખમ દેશો'ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર,'રિસ્ક કન્ટ્રીઝ'માંથી આવતા મુસાફરોને આરટી-પીસીઆર ચેક કરાવવા જરૂરી છે અને પરિણામો આવ્યા બાદ જ તેમને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી આવતા બે ટકા મુસાફરોની તપાસ કરવામાં આવશે અને આ પરીક્ષણ માટે કોઈપણ મુસાફરના નમૂના લઈ શકાય છે.