શહેરમાં ચોરી-લૂંટ, અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જાણે પોલીસનો ડર હોય જ નહીં તે રીતે ગુનેગારો બિનધાસ્ત કોઇ પણ સમયે આવી ઘટનાને અંજામ આપે છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ હિંમતલાલપાર્ક બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામેના માલવ એપાર્ટમેન્ટના પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકને ઘરમાં બંધક બનાવ્યા બાદ ચાર શખશોએ લુંટ કરતા સનસનાટી મચી ગઇ છે.
માલવ એપાર્ટમેન્ટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હર્ષિત ખશમેરાએ ચાર શખ્શો વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ હર્ષિત માલવ એપાર્ટમેન્ટમાં તેના મિત્ર દિનાકરણ ડેવિડ અને મોહમ્મદ હાસીમ સાથે રહે છે. હર્ષિત હાલમાં આઈએમઆઈ એકેડેમીમાં નોકરી કરે છે.
હર્ષિત ગઈ કાલે રાતના આઠ વાગ્યાની આસપાસ તેના ઘરે એકલો હતો.ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો હતો, હર્ષિતે દરવાજો ખોલતાં એક શખ્સ ધક્કો મારીને ઘરમાં ઘૂસી જતાં હર્ષિતે બૂમાબૂમ કરતાં અન્ય એક શખ્સ પણ ઘૂસી આવ્યો હતો.
આ બન્ને શખ્સ હર્ષિતને તેના જ ઘરમાં બંધક બનાવ્યો હતો. ત્યારબાદ એક શખ્સે હર્ષિતનો મોબાઈલ લઈને ઘરમાં રહેલો સામાન વેર-વિખેર કરવા લાગ્યા હતા. ઘરની તિજોરીમાંથી એક હજાર રૂપિયા તેમજ હર્ષિતના પર્સમાં મૂકેલ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઇ બેન્કનાં ડેબિટ કાર્ડ કાઢી લીધાં હતાં, સાથે તિજોરીમાં મૂકેલ બે ઘડિયાળ, પાવરબેક સહિતની ચીજવસ્તુઓ લઇ લીધી હતી.
ત્યારબાદ એક શખ્સ હર્ષિત પાસે ડેબિટ કાર્ડનો પીન નંબર માગ્યો હતો, પરંતુ હર્ષિતે ડેબિટ કાર્ડનો પીન નંબર આપવાની ના પાડતાં આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને હર્ષિતને કહ્યું કે અમારી પાસે રહેલી બેગમાં રિવોલ્વર છે અને જો પીન નંબર નહીં આપે તો તેનો ઉપયોગ કરવો પડશે.
આમ કહેતાં હર્ષિતે બન્ને ડેબિટ કાર્ડના પીન નંબર આપી દીધા હતા. ત્યારબાદ થોડી વાર પછી વધુ બે શખ્સ આવ્યા હતા. હર્ષિતનાં ડેબિટ કાર્ડ લઈને બે શખ્સો પૈસા ઉપાડવા ગયા હતા.
દરમિયાનમાં બે શખ્સ હર્ષિતને તેના જ ઘરમાં બંધક બનાવી રાખ્યો હતો.બે શખ્સ હર્ષિતના ડેબિટ કાર્ડમાંથી પૈસા ઉપાડીને પરત આવ્યા હતા. ત્યારબાદ ચાર શખ્સ હર્ષિતના ઘરના દરવાજા પાસે જઈ તેના પર ફોન ફેંકી દરવાજો બંધ કરીને ફરાર થઇ ગયા હતા.
હર્ષિતે તેનો ફોન ચાલુ કરતાં બન્ને એટીએમકાર્ડનો ઉપયોગ કરીને લુંટારુઓએ રૂપિયા પ૦ હજાર ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ હર્ષિતે તેના મિત્રને જાણ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હાલ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના શંકાના દાયરામાં હોવાનું લાગી રહ્યું છે. હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં દરિયાપુર વિસ્તારમાં ઘરમાં ઘૂસીને એક શખ્સે લૂંટ ચલાવી હતી. પાણી પીવાના બહાને આવેલાે શખ્સ પાણી લઇને આવેલ મહિલાના ગળામાંથી અઢી તોલા સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયો હતો.