Saturday, August 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

VTV Reality check / શહેરમાં ઠેક ઠેકાણે ઝળુંબી રહ્યું છે મોત, કુંભકરણની ઊંઘ લેતું તંત્ર જાગશે ?

શહેરમાં ઠેક ઠેકાણે ઝળુંબી રહ્યું છે મોત, કુંભકરણની ઊંઘ લેતું તંત્ર જાગશે ?

અમદાવાદ શહેરમાં નવાબાંધકામ તરફ તંત્રનો જેટલો ઝુકાવ જોવા મળે છે તેટલી કાળજી જૂના બાંધકામોની ક્ષમતા ચકાસવા તરફ દાખવવામાં આવતી નથી. બોપલમાં બત્રીસવર્ષ જૂની પાણીની ટાંકી ધ્વસ્ત થઈ અને અનેક જિંદગીઓનો ભોગ લેવાયો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું. 

હવે તંત્ર સફાળું જાગ્યું છે અને તમામ નગર પાલિકાની જર્જરિત ટાંકીની સ્થિતિનો રિપોર્ટ મગાવ્યો છે. તંત્ર તપાસ કરશે પછી રિપોર્ટ સોંપશે પરંતુ ત્યાં સુધીમાં એક વધુ ટાંકી ધ્વસ્ત થઈ હશે. આવું એટલા માટે દાવા સાથે કહી શકીએ છીએ કે વીટીવીએ અમદાવાદ શહેરની આવી કેટલીક ટાંકીઓનું રિયાલિટી ચેક કર્યું છે. જે ગમે ત્યારે કોઈનો ભોગ લઈ શકે છે. જોઈએ જીવલેણ બની જળુંબતી તંત્રની બેદરકારીનો આ અહેવાલ. 

બોપલમાં ટાંકી ધડાકાભેર તૂટી

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે દોઢલાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડી  તો ઊંઘતા તંત્રની અચાનક ઊંઘ ઊડી ગઈ. કેમ કે, જીવનદાયિ જળ વહેચી આપતી આ જ પાણીની ટાંકી તંત્રની બેદરકારના પાપે અનેક જિંદગીઓ માટે મોતનું કારણ બની ગઈ છે અને અનેક નાગરિકોને કાયમી રીતે વિકલાંગ કરી દીધા છે. 

નાગરિકોની ફરિયાદ સામે તંત્રએ કર્યા આંખ આડા કાન અને સર્જાઇ હોનારત

ટાંકી ધ્વસ્ત થઈ જવાની ઘટના બાદ તંત્ર  કારણો શોધવાની કવાયતમાં લાગ્યું છે. તંત્રએ હવે  એટલા માટે કારણો શોધવાની કવાયત યુદ્ધના ધોરણે આરંભવી પડી છે કારણ કે, ટાંકી જર્જરિત હોવાની અસંખ્ય ફરિયાદો બાદ પણ તે નાગરિકોની સુરક્ષાને નજર અંદાજ કરતું રહ્યું હતું. 32 વર્ષ જૂની આ જર્જરિત ટાંકી ઉતારી લેવા અનેક રજૂઆતો થઈ હતી. છતાં તંત્રએ ફરિયાદોને અવગણી તેમાં પાણી ભરવાનું ચાલું જ રાખ્યું હતું. અને આખરે તંત્રના પાપે જે થવાનું હતું તે થઈને જ રહ્યું. તંત્રએ હવે સફાળું જાગીને શહેરમાં રહેલી તમામ જર્જિરિત ટાંકીનો રિપોર્ટ મગાવ્યો છે.  

VTV એ કર્યું જર્જરિત ટાંકીઓનું રિયાલિટી ચેક

પરંતુ લોકાભિમુખ પત્રકારત્વ તરીકે વીટીવીને આવી ટાંકીના તપાસ રિપોર્ટમાં વિલંબ થવો નાગરિક હિતમાં જણાતો નથી આથી અમે શહેરની કેટલીક જર્જરિત ટાંકીઓનું રિયાલિટી ચેક કર્યું છે. આ છે શહેરના ગોતા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી. આ પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે. 

છતાં તંત્ર દ્વારા તેમાં પાણી ભરવાનું ચાલું જ રાખ્યું છે. આ પાણીની ટાંકીનું ઠેર ઠેર પ્લાસ્ટ તૂટી ગયું છે. અને સળિયા સડી ગયા છે. છતાં તંત્ર જાણે કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે. અમારા રિયાલિટી ચેકમાં આપ જુઓ કે સાક્ષાત ઝળુંબતું મોત કેવું હોય છે.  

મેમનગરમાં પાણીની ટાંકીની હાલત જર્જરિત 

ગોતા પાણીની ટાંકીની રિયાલિટી ચેક બાદ વીટીવી શહેરના મેમનગર વિસ્તારમાં પહોંચ્યું હતું. અહીં પણ પાણીની ટાંકીની હાલત જર્જરિત જોવા મળી. ટાંકી પરથી ઠેર ઠેર પ્લાસ્ટરના પોપડાં  ઉખડી ગયા છે. અને સળિયામાં સડો વ્યાપી ગયો છે. ટાંકી ગમે ત્યારે ધ્વસ્ત થઈ જાય તે હાલતમાં છે છતાં તંત્રએ તેનો વપરાશ શરૂ રાખ્યો છે.  

અમદાવાદ શહેરના કોઈ એકાદ  બે નહીં. પરંતુ 50 જેટલી ટાંકીઓ 20 વર્ષ જૂની છે. અને હાલ જર્જરિત હાલતમાં છે.  જેમાંથી 10 જેટલી ટાંકીઓ તો ગમે ત્યારે ધ્વસ્ત થઈ જાય  તેટલી હદે ક્ષતિગ્રસ્ત છે.  અમે રિયાલિટી ચેક કરવા સરખેજ પહોચ્યા ત્યાં પણ પાણીની ટાંકી ખૂબ જૂની અને જર્જિરત હાલતમાં જોવા મળી.  

તંત્ર પાસે સ્ટ્રક્ચરલ ચકાસણીનો નથી સમય

શહેરમાં બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનાએ  આવી ટાંકીઓની નજીક વસતાં નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. શહેરમાં હજુ પણ 20 વર્ષથી જૂની હોય તેવી 50 થી વધું પાણીની ટાંકીઓ છે. જેનું ઈન્સ્પેક્શન કરી સ્ટ્રક્ચરલ ચકાસણી કરવાની જાણે તંત્ર પાસે ફુરસદ નથી. પરંતુ જ્યારે બોપલ જેવી ઘટના બને પછી જાણે તંત્ર જાણે ખૂબ કામગરું હોય તે રીતે દોડવા લાગે છે. 

શહેરની 10 થી વધુ ટાંકી જર્જરિત હાલતમાં 

હકીકત એ છેકે 2007માં અમદાવાદમાં મ્યુનિની હદમાં ભળેલી 21 ગ્રામ પંચાયતો અને 7 નગરપાલિકાની 10થી વધુ ટાંકીઓ સાવ જર્જરિત હાલતમાં છે. નવાઈની વાત તો એ છે કે, મ્યુનિના પ્રોજેક્ટ ખાતાના અધિકારીઓ પાસે શહેરમાં કુલ કેટલી પાણીની ટાંકીઓ છે. કેટલી ટાંકીઓ કેટલા વર્ષ જૂની છે તેની કોઈ સત્તાવાર માહિતી જ નથી. હજુ પણ કોઈ નવી હોનારત સર્જાય તે પહેલા તંત્ર જાગે તો સારું 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ