Water crisis in the villages of Khedbrahma taluka in Sabarkantha
જળસંકટ /
સુકુભઠ્ઠ સાબરકાંઠા! ખેડબ્રહ્મા તાલુકાનાં ગામડાઓમાં પાણી માટે માટલાં યુદ્ધ
Team VTV08:29 PM, 12 May 19
| Updated: 08:44 PM, 12 May 19
સાબરકાંઠા જીલ્લાનાં આદિવાસી તાલુકાઓમાં તો પાણીની તંગી વર્તાઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં પાણીનાં પોકાર ઉઠ્યાં છે તો સામે પાણીની તંગીથી માટલા યુધ્ધ પણ છેડાય છે. અહીંનાં લોકો પાણી માટે પ્રદક્ષિણા કરી રહ્યાં છે તો પાણી માટે ટેન્કરો મંગાવા પણ મજબુર બન્યાં છે.
સુકા ભટ્ઠ તળાવો. ખાલી હવાડા. પાણી વગરનાં નળ. આમ તો આ બધામાં બસની રાહ જોતાં હોય તેમ ચાતક ડોળે પાણીનાં ટેન્કરની રાહ જોતા હોય છે અને ટેન્કર આવે કે તરત જ જાણે મહિલાઓ પાણી માટે ડોટ મુકતા હોય છે. અહીં વરવો નજરો સાબરકાંઠા જીલ્લાનાં ખેડબ્રહ્મા તાલુકાઓનાં ગામડાંઓનો છે. તેઓની સવારથી જ અહીં પાણી માટેની રઝળપટ્ટી શરૂ થઇ જાય છે. જો પાણીની ટેન્કર આવે કે તરત જ લોકો પાણી માટે ડોટ મુકે છે એમાં મહિલા વચ્ચે માટલા યુદ્ધ પણ છેડાઈ જાય છે.
આમ તો ખેડુતોનું માનવું એમ છે કે પાણી નથી તો ખેતી કઈ રીતે કરીએ અને જો ખેતી ન થાય તો રૂપિયા ક્યાંથી આવે જો રૂપિયા ન આવે તો પાણીની ટેન્કર કઈ રીતે મંગાવે. સામાન્ય રીતે મજુરી કરીને જીવતા લોકો ઘર દીઠ ૪૦થી ૫૦ રૂપિયા ઉગરાવીને પાણીની ટેન્કર માટે જોગવાઈ કરે છે.
પાણીની ટેન્કર આવવાની હોય ત્યારે ગામનાં પુરુષો અને મહિલાઓ તો ખરી પણ સાથે સાથે બાળકો પણ બેડાં લઈને પાણી લેવા માટે પહોંચી જાય છે. તો આ ઉપરાંત પાણી માટે યુદ્ધ પણ અહીં તો છેડાઈ જાય છે. એવું નથી કે અહીંનાં લોકોએ ક્યાંય રજૂઆત ના કરી હોય. વહીવટી તંત્રે પાણીનાં બોર કરાવ્યાં તો એ પણ ફેઈલ ગયાં અહીં જુથ યોજના પણ બનાવવામાં આવી છે છતાં પણ પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે.
ગુદેલ, ઉંચી ધનાલ, રાધીવાડ જેવાં ગામમાં પાણીનાં તળ ઊંડે જતા રહ્યાં છે. જેને લઈને બોર પણ નિષ્ફળ થઇ ગયાં છે. અબોલ જીવો પણ પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ત્યારે હવે આ લોકો માટે વહીવટી તંત્ર દ્રારા પાણી માટેની વ્યવસ્થા કરાય તો તે આ લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે.