Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વલખાં / ભગતનાં ગામમાં જળસંકટ! સાયલામાં 15થી 20 દિવસે મળે છે માત્ર એક વાર નીર

ભગતનાં ગામમાં જળસંકટ! સાયલામાં 15થી 20 દિવસે મળે છે માત્ર એક વાર નીર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે ખુબજ ઓછો વરસાદ પડતા જિલ્લાના અનેક તાલુકાની હાલત કફોડી બની છે. તેમજ ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સાયલા તાલુકાના સાયલા ગામમાં તંત્ર દ્વારા પંદર દિવસે એક વાર પાણી આપવામાં આવતા ગામની મહિલાઓ સહીત પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે અને નિયમિત પાણી આપવાની માંગ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામને ભગતનાં ગામ તરીકે પણ ઓળખાય છે. અહીં આવેલ લાલજી મહારાજની જગ્યાએ ગમે તે દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને બારે મહિના રહેવા-જમવા સહીતની સુવિધાઓ નિઃશુલ્ક મળી રહે છે. સાયલા તાલુકાનાં સાયલા ગામની અંદાજે 18000 જેટલી વસ્તીને થોડે દૂર આવેલ જશાપર ડેમમાં થી ગ્રામ પંચાયત દ્વારા 15થી 20 દિવસે એક વખત પાણી આપવામાં આવે છે.

પરંતુ હાલ આ ડેમ પણ ખાલી થવા આવ્યો છે અને માત્ર 8 -10 દિવસ ચાલે તેટલું જ પાણી ડેમમાં વધ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં સાયલામાં પાણીની વિકટ સમસ્યા સર્જાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અનેક વખત સ્થાનિક તંત્ર સહીત ઉચ્ચ કક્ષાએ અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યા અંગે કોઈ જ ઉકેલ આવ્યો નથી.

 

જયારે સાયલા વાસીઓની પાણીની સમસ્યાને ધ્યાને લઇ તાજેતરમાં સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા પોતાની માલિકીના કુવામાં થી સ્વખર્ચે મોટર દ્વારા પાણી ખેંચી લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે આ પાણી પણ થોડા દિવસો સુધી જ ચાલે તેટલું જ છે. સાયલાની મહિલાઓ ગામથી દૂર આવેલ પાંજરાપોળના કુવામાંથી ભર ઉનાળે પાણી ભરવા ઉમટી પડે છે. પરંતુ ત્યાં પણ એક બેડાં પાણી માટે લાઈનમાં કલાકો સુધી ઉભું રહેવું પડે છે. સાયલાની પાણી સમસ્યા વર્ષો જૂની છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. 

સાયલા શહેરની મધ્યમાં આવેલ માનસરોવર તળાવ જયારે વરસાદથી ભરેલું હોય ત્યારે લોકોને આ તળાવમાં થી પીવા તેમજ વાપરવા માટે પાણી મળી રહેતું હતું પરંતુ ગત વર્ષે જયારે સમગ્ર રાજ્ય સાથે સાયલા તાલુકામાં પણ ઓછો વરસાદ થયો હોવાંથી હાલ આ તળાવ પણ ખાલીખમ નજરે પડી રહ્યું છે. સાયલા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે નર્મદા કેનાલનો લાભ પણ નથી મળતો. ત્યારે સાયલા વાસીઓને માત્ર વરસાદ પર જ આધાર રાખવો પડે છે. સાયલા શહેરને પાણી પૂરું પાડતો જશાપર ડેમ પણ ખાલી થવાને આરે છે.

શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અભ્યાસ તેમજ ઘરના કામો છોડી તંત્ર દ્વારા આપવામાં આવતા પાણીની રાહ જોવી પડે છે અને સાયલા મહાજન પાંજરાપોળના કુવામાંથી મહિલાઓ અને યુવતીઓ ભર ઉનાળે પાણી ભરવા તો આવે છે પરંતુ ત્યાં પણ ભીડ રહેતી હોવાથી કલાકો સુધી પાણી ભરવા ઉભું રહેવું પડે છે.

રાજ્ય સરકાર દ્વારા વિકાસની અને છેવાડાના લોકો સુધી પાણી આપવાની વાતો કરે છે પરંતુ સાયલાની પ્રજાને છેલ્લા 25-30 વર્ષથી નિયમિત પાણી મળ્યું નથી. ગામના આગેવાનો સહીત સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર કે સરકારના પેટનું પાણી પણ હલ્યું નથી. આથી સાયલાનાં માનસરોવર તળાવને પાણીથી ભરવામાં આવે અથવા તો ટેન્કર કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી નિયમિત અને પૂરતું પાણી આપવામાં આવે તેવી સ્થાનિક રહીશો સહીત આગેવાનો દ્વારા માંગ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા તાલુકાની પાણીની સમસ્યા વર્ષો જૂની છે. અનેક સરકારો અને રાજકીય આગેવાનો બદલાયા પરંતુ સાયલા વાસીઓ આજે પણ પાણી માટે વલખા મારી રહ્યાં છે. હાલ તંત્ર દ્વારા 15-20 દિવસે એક વાર પાણી આપવામાં આવે છે અને એ પણ નિયમિત. જયારે બીજી બાજુ જે ડેમમાં થી પાણી વિતરણ થાય છે તે પણ ખાલી થવાનાં આરે છે. હંગામી ધોરણે સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ પાણી પણ ક્યાં સુધી ચાલશે? ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા સાયલા સહીત સમગ્ર તાલુકાના ગામડાઓમાં કાયમી અને નિયમિત પાણી આપવામાં આવે તેવી માંગી ઉઠવા પામી છે.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ