રાજ્યના તમામ ખૂણેથી પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે. ચોમાસા અને શિયાળાના દિવસોમાં જે સ્થળો ફરવા લાયક હોય છે તે સ્થળો પણ ઉનાળો આવતાં જ ભેંકાર બની જાય છે. કારણ કે, પાણીની તંગીએ આ વિસ્તારના સૌંદર્યનું નૂર હણી લીધું છે. પાણીનો ભલે એક જ રંગ હોય પરંતુ તેની અછત અનેક રંગો સર્જી રહ્યા છે. અછતના આ રંગે અને ટેન્કર પરના નિભાવે અનેક સૌંદર્ય સ્થળોને બેનૂર કરી દીધા છે.
ભરૂચથી 50 કિલોમીટરના અંતરે આવેલો આદિવાસી વિસ્તાર એટલે નેત્રંગ તાલુકો. આ વિસ્તારમાં ચારે તરફ ખેતરો અને ડુંગર વિસ્તાર વચ્ચે કાચી- પાકી માટી અને લાકડા વડે તૈયાર થયેલા સુંદર મકાનો જોઇ ત્યાં ફરવા જતા લોકોને સેલ્ફી લેવાનું મન થઈ આવતું જ હશે. શિયાળા અને ચોમાસા દરમિયાન ફરવા જનારા લોકો માટે આ વિસ્તાર બેસ્ટ સ્થળ હશે. પરંતુ જો તમે બળબળતા ઉનાળે આ વિસ્તારની મુલાકાતે નીકળશો તો અહીં વસતા લોકોની પીડાનો સાક્ષાત અનુભવ થઈ જશે. ડુંગર પર સુંદર ઝૂંપડીઓમાં વસતા આ લોકોની પીડાનું એક માત્ર કારણ અહીની પાણીની સમસ્યા છે. હા આ વિસ્તારમાં લોકોને હાલમાં પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે.
પશુપાલન પર નભતા આ વિસ્તારના લોકોને પીવાનું જ પાણી નથી મળતું તો પશુઓ માટે ક્યાંથી પાણી લાવવું તે સવાલ સતાવી રહ્યો છે. ગામમાં હેન્ડપંપ તો છે પરંતુ એક પણ હેન્ડપંપમાં પાણી બચ્યું નથી. અવેડાઓ કોરા છે અને પાણીની ચકલીઓ સૂની પડી છે. મહિલાઓએ પાણી માટે દિવસભર ઘરકામ છોડીને પાણીના ટેન્કર માટે રાહ જોતા બેસી રહેવું પડે છે. ગામમાં ટેન્કર આવે પરંતુ તે નિયમિત નથી આવતા આથી થોડા પાણીથી બેત્રણ દિવસથી પણ ચલાવવું પડે છે.
નેત્રંગ તાલુકાના કેટલાય એવા ગામો છે જ્યાં સરકારની એકેય પાણી પુરવઠા યોજના કારગત નીવડી નથી, ઉનાળાની કાળઝાળ ગરમીમાં નદી, નાળા સહિતના જળસ્ત્રાોત સુકાઇ ગયાં છે. મોટા ભાગના ગામોમાં આવેલાં હેન્ડપંપ ચાલતા નહિ હોવાથી ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ તે નિયમિત નથી આથી તે નહીં આવવા બરાબર છે. ગૃહિણીઓએ જ્યાં આખો દિવસ પાણીના ટેન્કરની રાહ જોવામાં જ પસાર કરવો પડી રહ્યો છે. ત્યાં સગીર વિદ્યાર્થિનીઓએ પરિવારને પાણી ભરવામાં મદદ કરવામાં ભણતરનો ભોગ આપવો પડી રહ્યો છે. ત્યારે લોકાોમાં એવી માંગ ઉઠી છે કે આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકોલ લાવવામાં આવે અથવા નિયમિત પણે ટેન્કરથી પાણી આપવામાં આવે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વડપાન સહિતના આસપાસના ગામોના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ગામમાં હેન્ડ પંપ નકામા બન્યા છે તો ટેન્કર પર નિર્ભર રહી ગ્રામ જનો પાણીની બુંદ બુંદ સાચવી રહ્યા છે, ત્યારે વિકાસશીલ ગુજરાતમાં સવાલ એ થાય કે શું ખરેખર મેટ્રો સીટી માટે વિકસિત ગુજરાત છે, આ પ્રજાના મત મેળવનારા નેતાઓ શું કરી રહ્યા છે, દેશની આઝાદી બાદ પણ આપણે પ્રજાને આ સમસ્યા માંથી મુક્તી નથી અપાવી શક્યા.
ગૃહિણીઓને માથે બેડા મુકીને દુર-દુર સુધી પાણી ભરવા આકરા તાપમાં જવું પડે છે. ટેન્કર આવે અને પાણી ભરવા જાય ત્યારે પાણી ભરવા માટે જાણે પડાપડી લાગી જાય છે, લાંબી-લાંબી કતારો જોવા મળે છે. કેટલાક ગામોમાં પાણીના ટેન્કર પણ નહીં હોવાથી ગ્રામજનોની હાલત બદ્દતર બની જવા પામી છે. આ સમસ્યાનું કોઇક દિવસ તો નિરાકરણ આવશે. તેવી આશ રાખીને લોકો જળ વચ્ચે ઝઝૂમતું જીવન જીવવા હાલ તો મજબૂર બન્યા છે. ભરૂચના વડપાન, નેત્રંગ, આટખોલ, ભાંગોરીયા, ફોકડી, ઉમરખડા, કાકડકુંઈ, ઝરણા, બીલોઠી અને કોઈલી માંડવી ગામોના હજારો લોકો આજે મળે તેટલું નસીબ જેવી નીતિ સાથે ટેન્કરથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે.