VTV News exclusive interview with Delhi CM Arvind Kejriwal gujarat elections
VTV Exclusive /
70 વર્ષમાં કોઇ નેતાએ નહોતું કહ્યું તેવું હું કહું છું, ગુજરાતમાં અમે કરી બતાવીશુંઃ CM કેજરીવાલ
Team VTV07:29 PM, 16 Feb 21
| Updated: 10:07 PM, 16 Feb 21
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે VTV Newsની ખાસ વાતચીત કરી હતી. આ EXCLUSIVE ઇન્ટરવ્યૂમાં મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હી મોડેલ અંગે વાત કરી હતી.
ગુજરાતના રાજકારણમાં હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે VTV Newsની ખાસ વાતચીત
ગુજરાતમાં AAP રાજકીય વિકલ્પ બનશે?
ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી 9 વર્ષ બાદ ગુજરાતના સક્રિય રાજકારણમાં પ્રવેશી ચૂકી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડશે. ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે VTV Newsની ખાસ વાતચીત.
સવાલઃ કયા મુદ્દાઓ પર માંગશો મત?
દિલ્હીમાં કામ કર્યું તો જનતાએ અમને બીજી વખત બહુમતીથી જીતાડ્યાઃ કેજરીવાલ
CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ છે. એવું લાગતું હતું કે આ બન્નેને કોઇ નહીં હરાવી શકે. દિલ્હીમાં 15 વર્ષથી કોંગ્રેસનું રાજ હતું. લોકો પાસે કોઇ વિકલ્પ નહોતો. જેને લઇને લોકો દુઃખી હતા. ત્યારબાદ અમે આમ આદમી પાર્ટી બનાવી. કોઇને ભરોસો નહોતો કે આમ આદમી પાર્ટીને વોટ મળશે. પરંતુ એ ભરોસો હતો કે આ પાર્ટી દેશભક્ત અને ઇમાનદાર છે. દિલ્હી અને દેશ માટે કંઇક કરશે. લોકોએ અમને સરકાર બનાવવાનો મોકો આપ્યો. આજે એવું કામ થયું કે 6 વર્ષમાં બીજી વખત બહુમતીથી પાર્ટી જીતી.
70 વર્ષમાં કોઇ નેતાએ નહોતું કહ્યું તેવું હું કહું છું, ગુજરાતમાં અમે કરી બતાવીશુંઃ કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 70 વર્ષમાં દેશમાં અનેક ચૂંટણીઓ થઇ. તેમાં એકપણ એવી ચૂંટણી જણાવો જેમાં શાળાઓ સારી બનાવી મત આપો, હોસ્પિટલ સારી કરી મત આપો, વીજળી મફત આપી મત આપો.અમે માત્રને માત્ર આજ કામો માટે મત માંગ્યા છે. મેં જનતા વચ્ચે જઇને ખુલ્લેઆમ કહ્યું કે, અમે કામ કર્યું હોય તો જ મત આપો, મેં કામ ન કર્યું હોય તો ન આપો. 70 વર્ષમાં કોઇ પણ નેતામાં હિંમ્મત નહોતી કે મેં કામ ન કર્યા હોય તો મત ન આપો તેવું કહેવાની.
આ સવાલનો જવાબ આપતા CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર આવ્યા બાદ શિક્ષા ક્ષેત્રે કામ કર્યું અને સરકારી શિક્ષણ સુધાર્યું. પ્રાઇવેટ શાળાઓને ફિ નથી વધારવા દીધી. દિલ્હીમાં સરકારી હોસ્પિટલોને સારી કરી. આ મુદ્દાઓ પર મત માંગીશું.
સવાલઃ ગુજરાતમાં કોઇપણ ત્રીજો પક્ષ સફળ નથી રહ્યો ત્યારે AAP રાજકીય વિકલ્પ બનશે?
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ મળેલી છે, બન્ને એકજ પાર્ટી છેઃ કેજરીવાલ
CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં બે પાર્ટીઓ નથી, હાલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એક જ પાર્ટી છે. કોંગ્રેસ માત્ર ભાજપ માટે કામ કરે છે. 4-5 બેઠકો ઓછી રહી જાય તો કોંગ્રેસ મદદ કરે છે. ગુજરાતમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન સામે આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.
કોંગ્રેસને મત એટલે ભાજપની સરકાર બનાવવીઃ કેજરીવાલ
CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપ-કોંગ્રેસ સાથે મળેલી છે. કારણ કે, ગોવામાં લોકોએ કોંગ્રેસને મત આપ્યા ભાજપની સરકારની બની. કર્ણાટકમાં લોકોએ કોંગ્રેસને મત આપ્યા ભાજપની સરકાર બની. મધ્યપ્રદેશમાં લોકોએ કોંગ્રેસને મત આપ્યા ભાજપની સરકાર બની. લોકો ભાજપથી હેરાન થઇને કોંગ્રેસને મત આપે છે અને કોંગ્રેસ ભાજપને જીતાડે છે. આંકડા અનુસાર છે કે, કોંગ્રેસના 200 ધારાસભ્યોએ ભાજપમાં મળીને ભાજપની સરકાર બનાવી દીધી. કોંગ્રેસને મત એટલે ભાજપની સરકાર બનાવવી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિરોધ પક્ષમાં નહીં પરંતુ સરકાર બનાવવા આવી રહી છે.
સવાલઃ ગુજરાતમાં કોઇ મોટો નેતા નથી તો કેવી રીતે સરકાર બનાવશો?
'સરકાર' પાર્ટી નહીં જનતા બનાવે છે: કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સરકાર પાર્ટી નથી બનાવતી, સરકાર જનતા બનાવે છે. દિલ્હીમાં ચૂંટણી લડવા માટે અમારી પાસે પૈસા કે કાર્યકર્તા નહોતા. માત્ર જુસ્સો હતો દિલ્હી અને દેશ માટે કંઇક કરવાનો. પાર્ટી બની અને ચૂંટણી લડ્યા ત્યારે લોકો કહેતા હતા કે જમાતન જપ્ત થઇ જશે. પરંતુ અમે સરકાર બનાવી હતી. લોકશાહીમાં એજ થાય છે જે જનતા ઇચ્છે છે. જનતા સૌથી શક્તિશાળી હોય છે.
સવાલઃ આમ આદમી પાર્ટીની શું છે બ્લૂ પ્રિન્ટ?
ગુજરાતમાં સરકારી શાળામાં સારુ શિક્ષણ આપીશું અને પ્રાઇવેટ શાળાને ફી નહીં વધારવા દઇએઃ કેજરીવાલ
CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ગરીબનો છોકરો જ્યારે સરકારી શાળાએ જાય છે ત્યારે તેને સારી શિક્ષા નથી મળતી. પ્રાઇવેટ શાળાઓ 2-3 દિવસે ફી વધારી દે છે. ગુજરાતના ઘણા લોકો આવીને મને આ અંગે વાત કરે છે. દિલ્હીમાં જે કામ કર્યું ત્યારબાદ લોકોને આશા મળી છે કે થઇ તો શકે છે. ગુજરાતમાં શિક્ષા સારી કરીશું અને પ્રાઇવેટ શાળાઓને તેમની ફી વધારવા નહીં દઇએ. દિલ્હીની સરકારી શાળાના 98 ટકા પરિણામ સારા આવ્યા છે. આ વર્ષે 350 બાળકોએ IIT અને JEEની પરીક્ષા પાસ કરી છે. સરકારી શાળાથી મેડિકલથી ડોક્ટરીમાં એડમિશન થયા છે.
ગુજરાતના લોકોને પણ ફ્રી વીજળી મળવી જોઇએઃ કેજરીવાલ
CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં 24 કલાક વીજળી આપી તે પણ 200 યુનિટ સુધી ફ્રી. ગુજરાતની વીજળીના ભાવ દેશમાં મોંઘી વીજળી આપતા રાજ્યોમાંથી એક છે. ગુજરાતને ફ્રીમાં વીજળી કેમ ન મળી શકે? ગુજરાતના લોકોને પણ ફ્રી વીજળી મળવી જોઇએ.
અમે દિલ્હીમાં કરીને બતાવ્યું થે તો ગુજરાતમાં પણ કરીશુંઃ કેજરીવાલ
CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સ્વાસ્થ્ય, વીજળી, પાણી અને રોડના જે કામ થયા તે તમામ કામ ગુજરાતમાં પણ કરીશું. આ કામો માટે જ મત માંગ્યા છે. અમે હવામાં વાત નથી કરતા. દિલ્હીમાં કરીને બતાવ્યું છે તો ગુજરાતમાં પણ કરીશું.
દિલ્હી અને ગુજરાતના વિસ્તારમાં મોટું અંતર તો કેવી રીતે કામ કરશો?
CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં 100 હોસ્પિટલ છે તો ગુજરાતમાં 2000 હોસ્પિટલ છે. દિલ્હીમાં 100 રોડ છે તો ગુજરાતમાં 3000 રોડ છે. દિલ્હીના બજેટ કરતા ગુજરાતનું બજેટ અનેક ગણું છે. તો અમે આટલા બજેટમાં દિલ્હીમાં કામ કર્યું તો ગુજરાતના મોટા બજેટમાં કામ કરીને બતાવી શકીએ.