દાબેલી લેવા માટે ખાલી 3 રૂપિયા જ ખૂટે છે, તમે 10 રૂપિયા આપ્યા લ્યો સાત પાછા

By : kavan 02:38 PM, 26 November 2018 | Updated : 03:02 PM, 26 November 2018
© કવન આચાર્ય

લાલ દરવાજા એટલે અમદાવાદ શહેરનું Amazon અને Flipcart, માથામાં નાંખવાની પીનથી લઇને ફેશનેબલ કપડાં અને યુવતીઓને શણગાર સજવાનો સામાન જેવી તમામ વસ્તુઓ ફટાફટ મળી જાય. જો કે, આ વસ્તુઓનું વેચાણ કરનાર લોકોમાં પણ ખાસિયતોનો ભંડાર ભરેલો હોય છે. આવી જ એક ખાસિયત ધરાવતા સગીર સાથે તાજેતરમાં ભેટો થઇ ગયો. ઓક્સોડાઇઝના ઘરેણાનું વેચાણ કરતા આ છોકરા પાસે ખરીદી કરવા વાહન ઉભું રાખ્યું ત્યાં તો તેણે વિવિધ આકારના ઓક્સોડાઇઝના હાર સામે ધર્યા. 

ભાવતાલની વાતચીતમાં તેની પાસેથી જાણવા મળ્યું કે તે છોકરો એક સરકારી શાળાનો વિદ્યાર્થી છે. સવારે ભણવા જવાનું અને રાત્રે આ રીતે સિઝનેબલ વસ્તુઓનું વેચાણ કરવાનું. મારાથી ના રહેવાયું એટલે મેં પૂછ્યું, દોસ્ત આટલી ઉંમરે કેવી રીતે આ બધુ મેનેજ કરી શકે છે. તેણે વળતો જવાબ આપતા કહ્યું, સાહેબ, મારે બાપા નથી, માં અને નાની બેન છે તેમને મદદરૂપ થવા માટે હું મહેનત કરૂ છું. મારે મોટા બનીને 'મોટા સાહેબ' બનવું છે.  

મિત્રો કિસ્સો ખુબ જ નાનો છે પરંતુ શિખવાડી જાય છે કે, સિદ્ધી તેને જઇ વરે જે પરસેવે ન્હાય. આ છોકરા સાથે એક સેલ્ફી લીધી અને હું રવાના થતો હતો અને ત્યાં તે બોલી ઉઠ્યા સાહેબ યાદ રાખજો હો મને ભૂલી ના જતાં. આવી જ બીજ ઘટના ગઇકાલે મોડી રાતે નાના ભાઇ અનુજે સંભળાવતા કહ્યું કે, લાલ દરવાજા પાસે એક છોકરો નજીક આવીને ઉભો રહ્યો અને કીધું સાહેબ 3 રૂપિયા આપોને...! ગણીને 3 રૂપિયા માગનાર આ છોકરા સામે જોઇ મને આશ્ચર્ય થયું કે કેમ 3 રૂપિયા જ માગ્યા ?? તેના આ 3 રૂપિયા માગવા પાછળના રહસ્ય પર ઝડપથી પડદો ઉઠે તેની મને તાલાવેલી હતી એટલે મેં પૂછી લીધું દોસ્ત, તારે 3 રૂપિયા કેમ જોઇએ છે..? તેના જવાબરૂપે છોકરા હસીને કહ્યું કે સાહેબ, દાબેલી 10 રૂપિયાની આવે અને ખિસ્સામાંથી પૈસા કાઢી ને બતાવીને કહ્યું કે મારી પાસે 7 રૂપિયા છે મારે ખાલી 3 રૂપિયાની જ જરૂર છે એટલે મેં તમારી પાસે 3 રૂપિયા જ માગ્યા. 

તેની આ જીંદાદિલી જોઇને મેં તેને 10 ની નોટ આપી તો તેણે પોતાની હથેળી મારી સામે ખોલીને કહ્યું સાહેબ આ 7 રૂપિયા તમે રાખો, મારે તો માત્ર 3ની જ જરૂર છે. બાળકની આટલી નિખાલસતા જોઇ તેને સલામ કરવા મન થઇ ગયું અને તેના અંતરથી ઓવારણા લીધા.

રાજી થઇને મેં કહ્યું આ બીજા 10 રૂપિયા તું રાખ હવે 2 દાબેલી ખાજે, ત્યાંતો તે મલકાઇ ગયો અને મારો હાથ પકડીને કહે, હવે મારી પાસે 20 રૂપિયા થઇ ગયા તો તમે પણ ચાલો આપણે સાથે દાબેલી ખાવા જઈએ, તેની આવી ઉદારતા જોઇને મારાથી કહેવાઇ ગયું, બેટા, તું બંન્ને દાબેલી ખાજે, મારે બહાર જવાનું છે અંતે હું ત્યાંથી વિદાય લેવા જતો હતો ત્યાં તેણે કહ્યું, હવે હું એકલો દાબેલી નહીં ખાવ, મારી નાની બહેન માટે પણ લઇ જઇશ. આટલું બોલી તે રવાના થયો. ત્યાં આત્માએ ખોખારો ખાઇને કહ્યું, વાલા ઇમાનદારી હજી ધબકે છે કોઇક ખુણે.

ત્રીજા પ્રસંગ તાજેતરમાં જ બન્યો, મારી ગાડીમાં કોઇ ટેક્નિકલ પ્રોબલેમ થયો એટલે ગાડી રીપેર કરવા તેને કોઠારી ઓટોમાં મૂકી, ત્યાં હાજર દલપતભાઇ (મોટા ભાઇ રવિ શુક્લના) મિત્રએ કહ્યું સાંજે 4 વાગ્યે થઇ જશે પરંતુ તમે 5.30 પહેલા આવી જજો નહીંતર સર્વિસ સેન્ટર બંધ થઇ જશે. હકારમાં માથું ધૂણાવી હું રવાના થયો.

સાંજે ઓફિસથી છૂટીને રીક્ષા પકડીને કોઠારી ઓટો પહોંચ્યો અને મુસાફરીનું બિલ ઓનલાઇન ચૂકવ્યું પરંતુ પેમેન્ટ રીક્ષા ચાલકના ખાતામાં જમાં થયું નહીં એટલે તેણે કહ્યું સાહેબ રોકડા આપી દો વાંધો નહીં. ખીચામાં મેં હાથ નાંખ્યો અને જોયું તો ભાડાની રકમમાંથી 10 રૂપિયા ઓછા હતા. સર્વિસ સેન્ટર પર હાજર 2-3 લોકો પાસે 10 માગ્યા પરંતુ વળતો જવાબ ના મળ્યો અંતે એક ભાઇ ખુરશીમાં ઇસ્ત્રી ટાઇટ કપડા પહેરીને બેઠા હતા તેમણે ઉભા થઇને 10ની નોટ આપી.

ના કોઇ ઓળખાણ, ના કોઇ પરિચય અને આ રીતે આર્થિક મદદ કરનાર વ્યક્તિ સાથે ઔપચારિક ચર્ચા કરીને ટૂંક સમયમાં તેમની આ મદદ પરત કરવાનો વાયદો કરી વિદાય થયો. ACમાંથી આવતા મંદ-મંદ પવન વચ્ચે મન વિચારે ચઢ્યું કે, અમદાવાદ જેવા સુપર ફાસ્ટ શહેરમાં આવી રીતે મદદ કરનાર વ્યક્તિ મળ્યા તે કોણ હશે. 

સમય પસાર થયો અને ફરી એકવાર કોઠારી સર્વિસ સેન્ટર હું જઇ ચઢ્યો ત્યાં તે જ ભાઇ સામે મળ્યા અને મને ઓળખીને હાથ મિલાવ્યો, ગાડીનું કામકાજ ચાલું હતું અને મેં તેમને પેલા 10 રૂપિયા પરત લેવા વિનંતી કરી. શરૂઆતમાં નનૈયો ભણ્યો અંતે તેમણે સ્વીકાર્યા અને વધુ ઓળખ આપતા કહ્યું હું મનીષ દવે આ કંપનીનો પાર્ટનર છું અને મૂળ ભાવનગરનો વતની છું.

1995માં હું અમદાવાદ આવ્યો. ભાવનગર સાંભળીને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ થયું અને યાદ આવ્યો ભારત આઝાદ થયું તે સમયે સૌ પ્રથમ રાજ સરદાર પટેલને સોંપવાની ઘટનાનો પ્રસંગ. કહેવાનો મારો મર્મ છે જેના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી હોય પછી તેમની પ્રજામાં ઉદારતા તો છલોછલ જ હોય ને. 

કવન આચાર્ય, VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે, શિર્ષક કવિ પંક્તિ ધ્રુવ ભટ્ટ, તસવીર: અંકિત દવે)Recent Story

Popular Story