VTV Exclusive Major setback to Adani, Tata and Essar. Gujarat Govt cancels earlier order of higher Tariffs to power companies
Exclusive /
ગુજરાત સરકારનો ટાટા, અદાણી અને એસ્સાર પાવરને મોટો ઝટકો, ઊંચા વીજ ટૅરિફ વસૂલીની મંજૂરી રદ્દ કરી : સૂત્ર
Team VTV03:47 PM, 09 Jul 20
| Updated: 04:56 PM, 06 Oct 20
પાવર સેક્ટરની મોટી કંપનીઓને ગુજરાત સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. પાવર પુરવઠો આપતી આ કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ્દ કરી દેવામાં આવી છે. સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે કોલ્સના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
ટાટા. અદાણી અને એસ્સાર પાવરને લાગ્યો ઝટકો
સરકારે અગાઉ વધુ ટેરીફ માટે આપી હતી છૂટ
ત્રણ કંપનીઓ સાથે 25 વર્ષ સુધી 4600 MW power સપ્લાય કરવાનો કરાર છે
ત્રણ કંપનીઓને લાગશે ઝટકો
ગુજરાત સરકારે પાવર કંપનીઓને અગાઉ ઊંચા ટેરીફની મંજૂરીને પાછી ખેંચી લેતા ગુજરાતમાં અદાણી, ટાટા અને એસ્સાર કંપનીને જોરદાર ઝટકો લાગ્યો છે. સરકારે અગાઉ વર્ષ 2018માં પાવર ખરીદ કરારમાં સંશોધન કરીને આ પાવર કંપનીઓને ઊંચા ટેરીફ વસુલવા માટે છૂટ આપી હતી. હવે ગુજરાત સરકાર દ્વારા આ મંજૂરીને પાછી ખેંચી લેતા ટાટા પાવર, અદાણી પાવર અને એસ્સાર પાવરને જોરદાર ઝટકો લાગ્યો છે. સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે હાલમાં જ કેબિનેટ બેઠકમાં સરકારે ઠરાવ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના જૂના નિર્ણયથી ત્રણ પાવર કંપનીઓ માટે ટેરીફનો માર્ગ મોકળો થતો હતો.
આ ત્રણ કંપનીઓએ સરકાર સાથે 25 વર્ષ સુધી 4600 MW power સપ્લાય કરવાનો કરાર કર્યો છે. જેમાં અદાણીનાં કુલ 2000 MW, ટાટા પાવર સાથે 1800 MW અને એસ્સાર સાથે 800 MWનો કરાર થયો છે.
પહેલા કેમ મળી હતી મંજૂરી ?
નોંધનીય છે કે વર્ષ 2018માં ગુજરાત સરકારે આ નિર્ણય એક હાઈપાવર કમિટીની ભલામણ બાદ લીધો હતો. આ કમિટીએ ભલામણ કરી હતી કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ જેમાં ટાટા, અદાણી અને એસ્સાર પાવરનો સમાવેશ થાય છે તે કંપનીઓને વધુ ટેરીફની મંજૂરી આપવામાં આવે. આ કંપનીઓ ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત કરે છે અને તે સમયે ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફારના કારણે આયાત મોંઘી થઇ જવાના કારણે આ ભલામણ કરાઈ હતી.
સરકારનાં એક અધિકારીએ કહ્યું કે કોલસાના ભાવમાં ઘટાડો થઇ ગયો છે અને જાહેરહિતને ધ્યાનમાં રાખીને કેબિનેટની બેઠકમાં જૂનો કરાર રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ મુદ્દો આર્થિક રીતે ખૂબ મોટી અસરના કારણે સંવેદનશીલ મુદ્દો હોવાથી અધિકારીએ વધુ માહિતી આપી ન હતી.
પહેલા ચાલી રહી હતી કાયદાકીય લડત
સરકારના એનર્જી વિભાગ અને GUVNL દ્વારા પણ સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણય મુદ્દે GERC અને CERC જેવા રેગ્યુલેટરને પણ માહિતી આપી દીધી છે. ગુજરાત સરકારનો અગાઉનો નિર્ણય રાજ્યની આ ત્રણ ખાનગી વીજ ઉત્પાદકો માટે સૌથી મોટી રાહત સમાન હતો. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય કંપનીઓનો પહેલેથી જ આ મુદ્દે ગુજરાત સહિત અન્ય રાજ્યો જે તેમની પાસેથી વીજળી લેતા હતા તેમની સાથે કાયદાકીય લડત ચાલી રહી હતી.
જુલાઈ 2018માં, ગુજરાત સરકારે આ મુદ્દે 'વહેલા ઠરાવ સૂચન' માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી હતી. જેમાં કમિટીની ભલામણોને આધારે PPAsમાં સુધારો કરીને ગુજરાત વીજ નિયમનકારી આયોગ (જીઇઆરસી) જેવા સંબંધિત નિયમનકારો પાસેથી ટેરિફમાં વધારો કરવાની મંજૂરી લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ટાટા પાવર મુન્દ્રા ખાતે 4,000-MW (મેગાવોટ)નો પાવર પ્લાન્ટ ચલાવે છે, અદાણી પાસે કચ્છ જિલ્લામાં એ જ જગ્યા પર 4620-MW (મેગાવોટ)નો પ્લાન્ટ છે. એસ્સાર પાવર જામનગર નજીક સલાયા ખાતે 1,320-MW (મેગાવોટ)નો પ્લાન્ટ ધરાવે છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) આ ત્રણ પ્લાન્ટમાંથી મુખ્ય વીજ ખરીદે છે જ્યારે અન્ય ખરીદી કરનારા રાજ્યોમાં હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબનો સમાવેશ થાય છે.