Visit Junagadh Famous Adi Kadi vav and Its Speciality
વિશેષતા /
એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે જૂનાગઢની આ વાવ, સંકળાયેલી છે આ 2 કથા
Team VTV02:12 PM, 24 Dec 19
| Updated: 03:12 PM, 24 Dec 19
જૂનાગઢ પહેલા ઉપરકોટના કિલ્લામાં વસતું હતું. આથી આ કિલ્લામાં સંરક્ષણના હિતાર્થે મૂકવામાં આવેલી તોપની સાથે અનાજ ભરવાનાં ગોદામોની સાથે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ વ્યવસ્થા એટલે અડી કડી વાવ અને નવઘણ કૂવો. ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ ગુફાઓથી આગળ જતાં અડી કડી વાવ અને નવઘણ કૂવો આવેલાં છે. લેખના શિર્ષકમાં મૂકેલી ઉકતિનો અર્થ એ થાય છે કે, જેમણે તેના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત લીધી ન હોય તેનું જીવન વ્યર્થ છે. અડી કડી વાવનું સર્જન એક જ પથ્થર(ખડક) કાપીને કરવામાં આવેલું છે.
જૂનાગઢમાં પ્રચલિત છે આ વાવ
અડી કડી વાવનું સર્જન એક જ પથ્થરમાંથી થયું છે
વાવ સાથે સંકળાયેલી છે આ કિવદંતીઓ
આ છે વાવની વિશેષતા
કુલ ૧૬૨ પગથિયાંની સાંકડી સીડી ધરાવતી આ વાવ ૮૧ મીટર લાંબી, ૪.૭૫ મીટર પહોળી અને ૪૧ મીટર ઊંડી છે. આ વાવ એક સળંગ ખડક(સાગ પથ્થર)ને કાપીને બનાવવામાં આવેલી છે. જોકે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે, કૂટ, મોભ કે ગવાક્ષો આ વાવમાં નથી. જટિલ ભૂસ્તરિય રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્રોતને શોધવાની કુશળતા વ્યકત કરે છે. આ વાવમાં કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નથી કે નથી કયાંય કોઇ જાતનું લખાણ. આ વાવ કેટલો સમય જૂની હશે તે કહેવું કદાચિત મુશ્કેલ છે પણ આ વાવ પ્રાચીન વાવમાંની એક વાવ છે એવું જરૂર કહી શકાય છે.
અડી કડી વાવ, જૂનાગઢ- ફાઈલ ફોટો
આ વાવના પગથિયાં ઊતરતાં હોઇએ ત્યારે આપણે ભૂગર્ભમાં ઊતરતાં હોઇએ એવું લાગે છે અને વાવ પાસે પહોચતાં ભૂગર્ભમાં આવી ગયા હોઇએ એવી અનુભૂતિ થાય છે. મોટાભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરોના સ્તંભો, તળિયાં, સીડીઓ અને દીવાલો જમીન ઉપરના બાંધકામની જેમ બનાવવામાં આવે છે. અડી કડી વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે આથી તેના સ્તંભો અને દીવાલ જેવું માળખું મૂળ ખડકની બહાર છે. અહી વાવના સંદર્ભનું કોઇ માળાખાકિય બાંધકામ કરવામાં આવેલું નથી.
વાવના નામ બાબતે બે કિવદંતીઓ પ્રચલિત છે
એક કથા પ્રમાણે રાજાએ વાવ બનાવવા માટે આદેશ કર્યો હતો ત્યારે મજૂરો સખત પથ્થરને ખોદતાં-ખોદતાં નીચે તરફ જતાં હતા પણ પાણી મળતું ન હતું ત્યારે રાજયગુરુએ જણાવ્યું કે બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવાથી પાણી મળશે. અડી અને કડી નામની બે કમનસીબ કુંવારી કન્યાઓની પસંદગી થઇ અને તેમનું બલિદાન આપવામાં આવ્યું. વાવમાં પાણી મળી આવ્યું અને એ બે કન્યાઓની યાદમાં વાવનું નામ અડી કડી વાવ પાડવામાં આવ્યું હતું.
અડી કડી વાવ, જૂનાગઢ- ફાઈલ ફોટો
બીજી કથા પ્રમાણે આ વાવ બાંધવામાં આવી હતી એ પછી એ વાવમાંથી કોઇ પાણી ભરતું ન હતું પણ રાજકુટુંબની બે દાસીઓ અડી અને કડી આ વાવમાંથી પાણી ભરતી હતી, આથી તેનું નામ અડી કડી વાવ રાખવામાં આવેલું છે. આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડી કડીની યાદમાં લોકો કપડા અને બંગડીઓ ટીંગાડે છે. હાલમાં આ વાવમાં પાણી છે પણ તે અવાવરું અને દુર્ગંધ મારતું હોવાથી તેનો ઉપયોગ થઇ શકતો નથી. આ વાવ ૧૫મી સદીમાં બનાવવામાં આવેલી છે એવું માનવામાં આવે છે.નવઘણ કૂવો મૃદુ ખડકમાંથી બનાવવામાં આવેલો છે. કૂવા સુધી પહોચવા માટે સર્પાકારે બાવન મીટર સુધી પગથિયાં છે એટલે આ કૂવો પણ એક પ્રકારની વાવ જ કહી શકાય પણ તે નવઘણ કૂવા તરીકે પ્રખ્યાત છે. આ કૂવા પાસે દર્શાવેલી માહિતી અનુસાર આ કુવાનું નામ રા'નવઘણ(ઇ.સ. ૧૦૨૫-૪૪) ઉપરથી પડયું છે. જે સ્થળેથી કૂવામાં જઇ શકાય છે ત્યાં આગળ એક મોટું થાળું છે જે કદાચ રા'નવઘણના સમયમાં બનેલું છે. કૂવા સુધી પહોચવા માટે પહેલા સીધા અને પછી જમણી તરફ સર્પાકારે પગથિયાં છે. આ સર્પાકાર સીડીમાં બાકોરા રાખવામાં આવેલા છે. જેથી સૂર્યપ્રકાશનું અજવાળું રહે! કેટલાક અભ્યાસી લોકો આ કૂવાને વાવનું જૂનામાં જૂનું સ્વરૂપ પણ કહે છે.
ખડકાળ વિસ્તાર અને અસંખ્ય ડુંગરોનો વિસ્તાર છે જૂનાગઢ
જૂનાગઢનો વિસ્તાર ખડકાળ છે. ત્યાં નાના-મોટા અસંખ્ય ડુંગરો આવેલા છે. ઉપરકોટનો કિલ્લો આવા જ એક ડુંગર ઉપર બાંધવામાં આવેલો છે. આ કિલ્લામાં ઉપર તરફ જતાં વિશાળ તોપ મૂકવામાં આવેલી છે. કહેવાય છે કે, દુશ્મનો માટે આ તોપ પૂરતી હતી. આ તોપ જયાં રાખવામાં આવેલી છે ત્યાં બાજુમાં જ બે મોટાં સરોવર આવેલા છે. ચારે બાજુ ડુંગરોથી ઘેરાયેલા ઉપરકોટ કિલ્લાની વચ્ચે ઊંચાઇ ઉપર આવેલા આ બે સરોવર પણ સુંદર છે. ઉપરકોટના કિલ્લામાં જ રાણકદેવીનો મહેલ આવેલો છે. આ મહેલની સાથે તેમનો લગ્ન મંડપ પણ આવેલો છે.