પુલવામા એટેક: વિરાટ-રોહિત બોલ્યા, 'શહીદોને નમન'

By : juhiparikh 12:16 PM, 15 February 2019 | Updated : 12:16 PM, 15 February 2019
ગુરુવારના જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં CPRFના કાફલા પર આત્મઘાતી હુમલો થયો, જેમાં 37 જેટલા જવાનો શહીદ થયા અને કેટલાય ઘાયલ થયા.  એક્સપ્લોઝિવ ભરેલા એક વાહને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના જવાનોથી ભરેલી બસને ટક્કર મારી હતી, આ ઘટનાની દેશભરમાં નિંદા થઇ રહી છે, ત્યારે રમત જગતના લોકોએ પણ આ હુમલાની ભારે નિંદા કરી. 

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને સલામી બેટ્સમેન રોહિત શર્માએ ટ્વીટ કરીને આ હુમલાની નિંદા કરી, જ્યારે અન્ય ક્રિકેટરો તથા રમત જગતની હસ્તીઓએ શહીદોને શ્રદ્ઘાંજલિ આપી હતી. વિરાટ અને રોહિતે શહીદોના પરિવારના સાથે દેશને ઉભો રહ્યો હોવાનું આશ્વાસન આપ્યુ.
 
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ઘાજલિ આપતા ટ્વીટ કર્યુ કે, ''પુલવામામાં એટેકના સમાચાર સાંભળીને ચોંકી ગયો છું, શહીદ થયેલા જવાનોને મારી શ્રદ્ઘાજલિ અને ઘાયલ થયેલા જવાનોને જલ્દીથી ઠીક થવાની પ્રાર્થના કરું છું.''

રોહિત શર્માએ જવાનોને શ્રદ્ઘાજલિં આપતા ટ્વીટ કર્યુ કે, ''ભારત તમને પોતાની પ્રાર્થનામાં હંમેશા યાદ રાખશે.''  રોહિત શર્માએ ટ્વીટ કરતા લખ્યુ કે, ''પુલવામા જે થયું તેનાથી હેરાન અને વિચલિત થઇ ગયો છું. જે દિવસે અમે પ્રેમનો ઉત્સવ ઉજવીએ છીએ અને તે જ દિવસે કાયરોએ નફરત ફેલાવવા માટે આવી હિંસાને અંજામ આપ્યો. જવાનો અને તેમના પરિવારને મારી પ્રાર્થના, ભારત હંમેશા તમને પ્રાર્થનામાં યાદ રાખશે.''

 
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ આતંકવાદીઓના કાયરતા ભરેલા હુમલા પર સખ્ત પ્રતિક્રિયા આપી છે. ટ્વીટ કરીને લખ્યુ છે કે, ''હવે, અલગાવવાદીઓ સાથે વાત કરીએ, હવે પાકિસ્તાનની સાથે વાત કરીએ. પરંતુ આ વખતે કોઇ વાતચીત કોઇ ટેબલ પર નહી પરંતુ યુદ્ઘ મેદાનમાં થવી જોઇએ. આ નિર્ણયનો સમય છે.''
 

ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે લખ્યુ કે, ''જમ્મૂ-કાશ્મીરમાં અમારા CPRF જવાનો પર આ પ્રકારનો હુમલાથી હું દુખી છું, જેમાં અમારા જવાનો શહીદ થયા છે. આ દુખને વ્યકત કરવા માટે મારી પાસે શબ્દો નથી. ઘાયલોની સલામતી માટે પ્રાર્થના કરું છું.''
         
 
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે આતંકવાદીઓએ CRPFના જે કાફલા પર હુમલો કર્યો, તે જમ્મૂ-શ્રીનગરની તરફ જઇ રહ્યો હતો અને તેમાં 78 વાહનોમાં 2547 જવાન શામેલ હતા. આ આતંકી હુમલામાં 37 જવાન શહીદ થયા અને લગભગ 20થી વધારે જવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. Recent Story

Popular Story