ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રેકોર્ડ એકબીજાના સાથે જ ચાલી રહ્યા છે. ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 3 ટેસ્ટ મેચની સીરિઝ 3-0થી જીતીને ક્લીન સ્વીપ કરી. પહેલી વખત ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સીરિઝમાં આફ્રિકાને વ્હાઇટ વૉશ કરી દીધી. વિરાટની કેપ્ટન્સીમાં ટીમે મહેમાન ટીમને તમામ રીતે પછાડી.
વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાની સાઉથ આફ્રિકા પર 7મી જીત
સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી કુલ 39 ટેસ્ટ મેચ રમી, જ્યારે 14 ટેસ્ટ મેચ જીતી
રસપ્રદ વાત છે કે, આ 14માં સૌથી વધારે 7 વખત વિરાટની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી છે
ટીમ ઇન્ડિયાનુ વર્ચસ્વ એ અંદાજથી લાગવી શકાય છે કે, સાઉથ આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસિસે કહ્યુ કે, તેમની ટીમ સતત હારને કારણે માનસિક રીતે પંગુ થઇ ગઇ છે. રેકોર્ડ પર નજર નાખવામાં આવે તો ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ઘ કુલ 39 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ટીમ ઇન્ડિયાએ 14 અને સાઉથ આફ્રિકાએ 15 જીતી છે.
રસપ્રદ વાત છે કે ટીમ ઇન્ડિયાએ તેમાંથી 7 મેચ એકલા વિરાટ કોહલીની કેપ્ટનસીમાં જીતી છે. સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટીમ ઇન્ડિયાનો સફળતાનો દર વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં સૌથી વધારે છે. ટીમ ઇન્ડિયાએ વિરાટની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 10 ટેસ્ટ મેચ રમી છે જેમાં 7માં જીત મળી છે. કમાલની વાત છે કે, સાઉથ આફ્રિકા વિરુદ્ઘ કેપ્ટન્સી કરનારા તમામ ભારતીય કેપ્ટનોએ કુલ 29 ટેસ્ટ મેચમાં માત્ર 7 માં જીત અપાવી છે.
ભારત માટે મોહમ્મદ અઝહરુદ્દીનએ સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 4 મેચની કેપ્ટન્સી કરી છે. જેમાંથી એક મેચ હાર્યા અને બાકીને ડ્રો રહી. સચિન તેંડુલકરના 8 મેચની કેપ્ટન્સી કરી, જેમાં ટીમ ઇન્ડિયાએ 2 જીતી અને પાંચ મેચ હારી, 1 મેચ ડ્રો રહી. સૌરભ ગાંગુલીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ 4 મેચ રમી, જેમાં 1 જીતી, 1 હારી અને 2 મેચ ડ્રો રહી. રાહુલ દ્રવિડની કેપ્ટનસીમાં 3 મેચ રમ્યા, 1 મેચ ટીમ ઇન્ડિયા જીતી અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. તો મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં રમાયેલી 8 મેચમાં ટીમ ઇન્ડિયાએ 3 જીતી અને 3 હારી જ્યારે 2 ડ્રો રહી. જોકે વિરાટ કોહલીએ 10 મેચમાંથી ટીમ ઇન્ડિયાને 7 મેચમાં જીત અપાવી છે.