Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

VIDEO: પાલિકાએ બિલ ન ભરતા નાગરિકો અંધારામાં સમગ્ર વિસ્તારની બત્તી ગૂલ

VIDEO: પાલિકાએ બિલ ન ભરતા નાગરિકો અંધારામાં  સમગ્ર વિસ્તારની બત્તી ગૂલ
પાલિકાના શાસકોના અણઘટ વહીવટને પાપે નગરજનોને કેવી મુસીબતમાં મુકાવું પડે છે તે જોવું હોય તો આ અહેવાલ જોવો જ રહ્યો. નગરજનો ટેક્સ પેટે પૈસા ચૂકવે છે પરંતુ પાલિકા સેવા આપવામાં નિષ્ફળ જઈ રહી છે. રાજપીપળા નગરપાલિકાના અંધેર વહીવટને કારણે નગરના નાગરિકો છેલ્લાં ચાર દિવસથી અંધારામાં જીવવા મજબૂર બન્યા છે.

રાજપીપળા શહેરમાં છેલ્લાં ચાર દિવસથી અંધારાનું સામ્રાજ્ય છે. રાત્રે રોડ પરથી પસાર થતાં નાગરિકો વાહનોની લાઈટના સહારે છે. કેમ કે સ્ટ્રીટલાઈટ બંધ છે અને ક્યારે ચાલુ થશે તેના કોઈ વાવડ નથી. શહેરનું નામ રાજપીપળા છે પરંતુ રાજને શોભે તેવો ઉજાસ નથી. કેમ કે નગરમાં વીજળી પૂરી પાડતી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નગરની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખ્યુ છે. કારણ કે રાજપીપળા નગર પાલિકાએ છેલ્લાં ઘણા સમયથી વીજ બિલના નાણાં વીજ કંપનીને ભર્યા નથી. જો કે તેના કારણે નાગરિકોને અંધારમાં રહેવાનો વખત આવ્યો છે.

આમતો રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો અપારદર્શક વહીવટના કારણે નગરજનોને કાયમ અંધરામાં રાખતા આવ્યા છે પરંતુ આ વખતે તો તેમણે શેરીઓ અને રોડરસ્તાને પણ અંધારમાં રાખીને જાણે વિકાસમાં એક નવું છોગુ ઉમેરી દીધું છે. હાલ ભાજપા શાસિત રાજપીપલા નગરપાલિકા દેવાના ખાડામાં ઊતરી ગઈ છે. માત્ર વીજકંપનીનું જ રૂપિયા 7.33 કરોડનું દેણું છે. 

એટલું જ નહીં દર મહિને આ બાકી વિજબીલ પર વિજકંપની નિયમોનુસાર 18% લેટ પેમેન્ટ ચાર્જીસ પણ લગાવે છે. આ દેવું ભરપાઈ કરી શકે તેવી સ્થિતિ રાજપીપળા નગરપાલિકાની રહી નથી. રાજપીપળા નગર પાલિકાએ બિલની આ મસમોટી રકમ ન ભરતાં છેલ્લા 4 દિવસથી વીજકંપનીએ રાજપીપળા નગરપાલિકાની સ્ટ્રીટલાઈનનું વીજ કનેકશન કાપી નાખ્યું છે.

જેના કારણે રાજપીપલા નગરના માર્ગો પર અંધારપટ છવાયો છે. તંત્રના અંધેર વહીવટના પાપે રાજપીપળા છેલ્લાં ચાર દિવસથી અંધારમાં સપડાયું છે. જેના કારણે વહેલી સવારે અને સાંજે રોડ પર પસાર થતી મહિલાઓ અને નગરજનોમાં ભય સાથે રોષ પણ ફેલાયો છે. લોકોને લાગે છે કે જો હજુ વધારે દિવસ જો આ જ સ્થિતિ રહેશે તો ચોરીના બનાવો પણ સામે આવશે.

એક તરફ  ચાર ચાર દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે રાજપીપળાની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. રાત્રીના સમયે અંધકારને કારણે કૂતરા અને અન્ય પશુઓની હેરાનગતિ વધી ગઈ છે. તો બીજી બાજુ રાત્રીના સમયે પ્રજાનું બહાર નીકળવું મુશ્કેલ બની જતા પાલીકા સત્તાધીશો સામે આક્રોશ ઉગ્ર બન્યો છે. પરંતુ  DGVCLના કર્મચારીઓ સ્ટ્રીટ લાઈટ માટે હમણાં પુરવઠો વીજ પુરવઠો આપવા તૈયાર નથી.

તેમનું કહેવું છે કે જો સાતકરોડ જેટલી રકમ નગરપાલિકા નહીં ભરે ત્યાં સુધી વીજલાઇન ચાલુ કરવામાં આવશે નહીં. તો સામે પક્ષે નગરપાલિકાના પ્રમુખ આ બાકી નાણા તેમના કાર્યકાળના નહીં પરંતુ છેલ્લી છ ટર્મથી બાકી હોવાનું જણાવી આ વિવાદનો દડો સરકારની ગોદમાં ફેંકી રહ્યા છે.

નગરપાલિકાના શાસકોના અપારદર્શ વહીવટને કારણે સામાન્ય પ્રજાજનનોને જ્યારે ભોગવવું પડે છે ત્યારે તેમાં શાસકોની નિષ્ફતા જ છતી થાય છે. શાસકોના વહીવટથી અજાણ અને અંધારમાં રહેવા ટેવાયેલી જનતા આ બેચાર દિવસનું અંધારુ તો સહન કરી લેશે પરંતુ જ્યારે વખત આવ્યે મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે શાસકોને પણ ગુમનામ કરી દેશે એ વાત તેમને યાદ રાખવાની જરૂર છે. બાકી વીજ કંપનીએ આવશ્યક સેવા જેવી વોટરવર્કસનું કનેક્શન ન કાપ્યું એટલી વાત જ અંધકારમાં રાહત આપી શકે તેમ છે. 

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ