venkaiah naidu called a meeting of all political parties ahead of winter session of parliamen
Winter Session 2021 /
સંસદના શિયાળુ સત્રમાં ગરમાગરમીનાં એંધાણ, આજે સર્વદલીય બેઠક, વિપક્ષે પણ તૈયાર કર્યો આ પ્લાન
Team VTV08:51 AM, 28 Nov 21
| Updated: 09:18 AM, 28 Nov 21
સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. એ પહેલા જ ભર શિયાળે રાજકારણ ગરમાયું છે. રવિવારે સાંજે ઉપલા ગૃહમાં સર્વપક્ષીય નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે.
શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ
ઉપરાષ્ટ્રપતિએ બેઠક બોલાવી
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 29 નવેમ્બરે મળશે
સંસદનું શિયાળુ સત્ર આવતીકાલે 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ સંસદના શિયાળુ સત્ર પહેલા રવિવારે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
સત્રના સુચારૂ સંચાલન અંગે ચર્ચા કરવા માટે રવિવારે સાંજે ઉપલા ગૃહમાં સર્વપક્ષીય નેતાઓની આ બેઠક છે. આ સાથે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ પણ આગામી શિયાળુ સત્રના એજન્ડા અને મહત્વપૂર્ણ કામો પર ચર્ચા કરવા માટે રવિવારે સંસદમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષનું શિયાળુ સત્ર ભારે હોબાળો મચાવશે. વિપક્ષી નેતાઓએ સંસદના શિયાળુ સત્રની શરૂઆતના એક કલાક પહેલા સોમવારે સંસદમાં બેઠક યોજવાનું આયોજન કર્યું છે. આ બેઠક 'ત્રણ કૃષિ કાયદાઓ પર કેન્દ્ર સરકારની નિષ્ફળતા' અને વધતી જતી મોંઘવારી પર પ્રકાશ પાડવાની વ્યૂહરચના પર બંને ગૃહોમાં યોજાશે.
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "અમારી વ્યૂહરચના સંસદમાં સમગ્ર વિપક્ષ અને સમાન વિચારધારાવાળા પક્ષો દ્વારા 'એક અવાજે' બોલવાની છે અને સામાન્ય માણસને લગતા મુદ્દાઓને સંબોધવાની છે." કેન્દ્ર સરકારની નિષ્ફળતાને કારણે આ દિવસોમાં સામાન્ય લોકો ખૂબ જ પરેશાન છે.
વિપક્ષ આ મુદ્દાઓ પર સરકાર પર ચર્ચા માટે દબાણ કરશે
અન્ય વિપક્ષી નેતા અને રાજ્યસભાના સાંસદે કહ્યું કે, અમે કૃષિ કાયદાને રદ કરવાના મોદી સરકારના નિર્ણયને આવકારીએ છીએ. પરંતુ અમે વિપક્ષી નેતાઓ કૃષિ કાયદાને રદ્દ કરવા બિલ 2021 પર ચર્ચા કરવા સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરીશું. છેલ્લા એક વર્ષ દરમિયાન આંદોલનકારી ખેડૂતોએ શું સહન કરવું પડ્યું અને સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી રીતે સુધારી શકે છે તેના પર અમે પ્રકાશ પાડીશું.
વિપક્ષી સાંસદે વધુમાં કહ્યું કે અમે વિપક્ષી નેતા માત્ર કૃષિ કાયદાને રદ્દ કરવા માટેના બિલ 2021 પર જ નહીં પરંતુ ચીનની આક્રમકતા, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, બેરોજગારી અને લખીમપુર ખેરીની ઘટના પર પણ ચર્ચા કરવા માંગીએ છીએ. લખીમપુરની ઘટનામાં આઠ લોકો માર્યા ગયા હતા અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મોદી સરકાર વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપશે.
ઓમ બિરલા 29 નવેમ્બરે મળશે
સંસદના શિયાળુ સત્રના સુચારુ સંચાલન માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 29 નવેમ્બરે વિવિધ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટી સાથે બેઠક યોજાય તેવી શક્યતા છે. લગભગ તમામ વિરોધ પક્ષોએ 26 નવેમ્બરે સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા સચિવાલય દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણીનો બહિષ્કાર કર્યો હતો. બિરલાએ વિરોધ પક્ષો દ્વારા કાર્યક્રમના બહિષ્કાર અંગે દુઃખ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ પછી મીડિયા સાથેની વાતચીતમાં બિરલાએ કહ્યું કે તેઓ ગૃહની સુચારૂ કામગીરી માટે સર્વસંમતિ સાધવા માટે વિપક્ષ અને શાસક પક્ષ સાથે બેસીને કામ કરશે. લોકસભા સચિવાલયના સૂત્રોએ જણાવ્યું કે જ્યારે સંસદનું શિયાળુ સત્ર સોમવારે શરૂ થશે ત્યારે સ્પીકર વિવિધ પક્ષોના નેતાઓને મળશે.