Team VTV11:22 AM, 13 Jun 19
| Updated: 11:27 AM, 13 Jun 19
જ્યારથી ગુજરાત પર વાયુ ચક્રવાત ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. બસ ત્યારથી જ રાજ્યમાં તંત્ર સાબદુ થયુ છે. છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડાને પહોંચી વળવા માટેની કવાયત હજુ પણ યથાવત છે. ત્યારે આપણા દેશના જવાનોને પણ તેમની હિંમતની દાદ આપવી પડે.
છેલ્લા ત્રણ દિવસથી NDRF, SRP, BSG, SDRF, આર્મી, અને પોલીસ સહીતની ટીમો ખડેપગે છે. પોલીસ પણ રાત દિવસ પોતાની ફરજ બજાવી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ એ જ જવાનો છે કે જેઓએ રાજ્યમાંથી 3 લાખ જેટલા લોકોને સ્થળાંતરિત કર્યા છે.
અબાલ વૃદ્ધ સૌને સલામત સ્થળે ખસેડ્યા છે. સ્થાનિકો અને કેન્દ્રીય તંત્ર વચ્ચે તાલમેલથી મોટા પ્રમાણમાં સ્થળાંતરણ કરાવવામાં આવ્યું છે.ફૂડ પેકેટથી લઈને પાણી સુધીની તમામ તૈયારીઓ તંત્રએ કરી લીધી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં પણ તંત્ર અને આ ટીમો સતત કામગીરી કરી રહી છે. ત્યારે આ કુદરતી આફત સામે એક પહાડની જેમ ઉભેલા આપણા દેશના તમામ જવાનોને સલામ,...
ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાને લઇને છેલ્લા 48 કલાકથી ચાલી રહેલા ભયના ઓથર બાદ આજરોજ રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ વાયુ વાવાઝોડુ ગુજરાતને ટકરાશે નહીં. વાવાઝોડાની દિશા બદલાય છે. વાયુના ચક્રવાતના કારણે રાજ્યના કેટલાક ભાગમાં નહિવત વરસાદ થવાની સંભાવના છે.