બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / વરસડા ગામે સધી માતાનું 400 વર્ષ જૂનું મંદિર, મા સિધ્ધેશ્વરીનો છે પૌરાણિક ઈતિહાસ
Last Updated: 06:30 AM, 14 February 2025
બનાસકાંઠાના વડગામ તાલુકાના વરસડા ગામે સધી માતાનું અતિ પૌરાણિક મંદિર આવેલુ છે. માતાજી ન્યાયની દેવી તરીકે ઓળખાય છે. 400થી વધુ વર્ષ પહેલાં સિંધમાંથી આવેલા સધી માતાનું 4 ઈંટો મૂકીને બનાવવામાં આવેલું મંદિર આજે લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. માતાજીનું મંદિર નાનું અને ભાવિકોની શ્રદ્ધા મોટી છે. ન્યાયની દેવી સિધ્ધેશ્વરી માતા એટલે સધી માતાના મંદિરે દૂરદૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં વરસડા ગામે અતિ પૌરાણિક સધી માતાનું મંદિર આવેલું છે. મંદિર નાનું છે પણ ભાવિકોની આ મંદિર આસ્થા મોટી છે. અસંખ્ય ભાવિકો નિત્ય સધી માતાજીના દર્શને આવે છે અને ન્યાયની દેવી ગણાતા સધી માતાના દર્શન કરી પોતાના દુઃખ દૂર થવાની અતૂટ આસ્થા રાખે છે. 1445ની સાલમાં વરસડા ગામની સ્થાપના થઈ હતી. આ ગામમાં સિંધમાંથી આવેલા મુસ્લિમ લોકોએ સધી માતાની સ્થાપના કરી હોવાની લોકવાયકા છે. વર્ષો પછી તે લોકો આ ગામથી બીજે ગામ રહેવા માટે ગયા ત્યારે સધી માતાને સાથે આવવા કહ્યું હતું પરંતુ ગામથી થોડે દૂર આવીને સધી માતા રોકાઈ ગયા હતા અને ત્યાં જ ચાર ઈંટો મૂકીને તે લોકો બીજે ગામ રહેવા જતા રહ્યા હતા. ત્યાર પછી વર્ષો સુધી કોઈ આ સ્થળ પર જતું નહોતું અને સમય જતા વરસડા ગામના હિન્દુ સમાજના લોકોએ સધી માતાના ચાર ઈંટોના મંદિરને નવું બનાવવાનો વિચાર કર્યો. અને તેના પછી ઘણા વર્ષો બાદ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
ADVERTISEMENT
વડગામના વરસડા ગામે બિરાજમાન મા સિધ્ધેશ્વરી
ADVERTISEMENT
ગ્રામવાસીઓએ મંદિરની સ્થાપના માટેનો વિચાર કર્યો અને આ સ્થળ પર દાન પેટી મુકી અને એક વર્ષ બાદ ગ્રામજનોએ દાન પેટી ખોલી ત્યારે તેમાં 11,000 રૂપિયાનું દાન મળેલુ હતું. ત્યારે ગામ લોકોએ વિચાર કર્યો કે જ્યાં કોઈ જતું પણ નથી ત્યાં દાનપેટીમાં આટલા રૂપિયા ક્યાંથી આવ્યા.. ત્યારે ગ્રામજનોએ તેને માતાજીનો ચમકાર માન્યો અને આ સ્થળ પર જ આપણે માતાજીનું મંદિર બનાવવું જોઈએ તેવો નિર્ધાર કર્યો. અને ગામના ગૌસ્વામી સમાજના વડીલ પાસે ચિઠ્ઠી નાખવામાં આવી અને એક નાના બાળક પાસે ચિઠ્ઠી ઉપડાવવામાં આવી. ચિઠ્ઠીમાં માતાજીની મંદિર બનાવવાની રજાનો સંકેત હતો એટલે ગ્રામવાસીઓએ ચાર ઈંટો હતી ત્યાં નાનુ મંદિર બનાવ્યુ. વર્ષો પહેલા ગ્રામજનોના સાથ સહકારથી સધી માતાના નાના મંદિરનું નિર્માણ થયું. વરસડા ગામે બિરાજમાન સધી માતા ઉપર ધીરે ધીરે લોકોને શ્રદ્ધા વધતી ગઈ અને સધી માતાના આશીર્વાદથી અનેક લોકોની મનોકામના પૂર્ણ થવા લાગી એટલે દિવસેને દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા ના દર્શન માટે આવતા થયા અને વર્તમાન સમયમાં હજારો ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
દૂધનો ધૂપ કરવામાં આવે છે માતાજીના મંદિરે
સધી માતાનું મંદિર ન્યાયની દેવી તરીકે ઓળખાય છે અનેક લોકો ન્યાય માટે આ મંદિરે આવે છે એવું કહેવાય છે કે કોઈપણ વ્યક્તિ મંદિરે આવીને સોગંદ ખાતું નથી અને આ મંદિરે આવીને સોગંદ ખાય તો કોઈ પણ ગુનો કર્યો હોય તો માફ કરી દેવામાં આવે છે અને એવું કહેવાય છે કે એનો ન્યાય આ ન્યાયની દેવી સધી મા કરશે. જ્યારે પણ કોઈએ ખોટા સોગંધ ખાધા છે એના ખરાબ પરિણામ આવ્યા હોવાના પુરાવા પણ ગ્રામજનો જાણે છે. એટલે ન્યાયની દેવી તરીકે પણ આ મંદિર ઓળખાય છે..દર રવિવારે માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે અનેક ભક્તો પગપાળા પણ સધી માના દર્શને આવે છે અને મા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. માતાજીના મંદિરે પશુપાલકો પોતાના પશુનું દૂધ લાવી માતાજીને અર્પણ કરે છે અને તેમાંથી પૂજારી દૂધનો ધૂપ કરે છે અને બાકીનું દૂધ મંદિરમાં આવતા ભક્તોની સેવા માટે વાપરવામાં આવે છે. ભાવિકો સાકર, પેંડા, શ્રીફળ અને અગરબત્તી સહિત જે માનતા બાધા રાખી હોય તે લઈ માતાજીના મંદિરે આવી શ્રીફળ વધેરી અગરબતી ધૂપ ચડાવી પોતાની બાધા માનતા પૂરી કરે છે.
આ પણ વાંચો: નાગફણામાં સાક્ષાત બિરાજમાન નાગદેવતા, ભક્તોને 250 વર્ષથી આપે છે હાજરાહજૂર દર્શન
લોકો વારે તહેવારે માતાજીના આશીર્વાદ લેવા માટે આવે છે
મંદિરે દર્શન માટે આવતા તમામ ભક્તોને પ્રસાદ, ચા, પાણી અને જમવાનુ પણ આપવામાં આવે છે. મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ભાવિકો માતાજીના દર્શન કરી સેવા પણ આપે છે. મંદિરની બાજુમાં ધર્મશાળા બનાવવામાં આવી છે. દર રવિવારે મેળા જેવો માહોલ સર્જાય છે. સધી માતાના આશીર્વાદ થી વર્ષો પહેલા જ્યાં જતા લોકો ડરતા હતા ત્યાં માનવ મહેરામણ જામે છે. સધી માતાની કૃપાથી વરસડા ગામે દરેક સમાજના લોકો સાથે મળી માતાજીનો દરેક પ્રસંગ ઉજવે છે. માતાજીની કૃપાથી દરેક ભક્તોના કામ પણ પૂરા થાય છે. વરસડા ગામમાં માતાજીની કૃપાથી તમામ લોકો સંપીને રહે છે આ ગામમાં માતાજીની અસીમ કૃપાથી ગામની બહાર ધંધાર્થે રહેતા લોકો પણ વારે તહેવારે માતાજીના આશીર્વાદ લેવા માટે આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.