કોરોના વાઇરસ સામેની લડાઇમાં માસ્ક સૌથી મોટું હથિયાર બનીને સામે આવ્યું છે. સીડીસી-ડબ્લ્યુએચઓ જેવી ઘણી સંસ્થાઓ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી રહી છે. ભારતમાં પણ સરકારે માસ્ક પહેરવાનું અનિવાર્ય કરી દીધું છે, પરંતુ કેન્દ્ર સરકારે નવી એડ્વાઇઝરી જારી કરી તેનાથી સૌ કોઇ હેરાન છે. સરકારે કહ્યું કે એન-૯૫ માસ્ક સુરક્ષિત નથી. તે વાઇરસને રોકવામાં સફળ નથી.
પ્રતિકાત્મક તસ્વીર Source : ANI
એન-૯૫ એક એવા માસ્ક છે, જે કોરોના શરૂ થતાં જ દુનિયામાં સૌથી પહેલાં અને સૌથી વધુ ચર્ચામાં છે. આજે પણ દુનિયાના તમામ દેશોમાં એક્સ્પર્ટ્સ આ માસ્કને સૌથી વધુ સુરક્ષિત જણાવી રહ્યા છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ એન-૯૫ માસ્ક ૦.૩ માઇક્રોન્સના આકારના ડ્રોપલેટ્સને ૯૫ ટકા સુધી રોકે છે, જ્યારે કપડાનું માસ્ક ૧ માઇક્રોન્સના આકારના ડ્રોપલેટ્સને ૬૯ ટકા સુધી રોકે છે. કોરોનાના ડ્રોપલેટ્સનો આકાર ૦.૬થી ૫ માઇક્રોન્સ સુધી હોય છે.
એન-૯૫માં બે પ્રકારનાં માસ્ક હોય છે. વાલ્વ લગાવેલાં માસ્ક અને વાલ્વ વગરનાં માસ્ક. કેન્દ્ર સરકારે વાલ્વ લાગેલા એન-૯૫ માસ્કને પહેરતાં રોક્યા છે. બધાં એન-૯૫ માસ્કને નહીં. એવું જરૂર કહ્યું છે કે અધિકૃત સ્વાસ્થ્ય કર્મચારીઓની જગ્યાએ સામાન્ય લોકો એન-૯૫ માસ્કનો અનુચિત ઉપયોગ કરી રહ્યા છે તે ન કરવો જોઇએ.
એન-૯૫ માસ્ક સિંગલ યુઝ હોય છે અને તે પોલિયેસ્ટર તેમજ બીજાં સિન્થેટિક ફાઇબરમાંથી બનેલાં હોય છે, તેમાં ફાઇબરનું એક લેયર હોય છે, જે ફિલ્ટરનું કામ કરે છે. તે કણને રોકે છે. આ માસ્કમાં એ વાત નિશ્વિત કરી લો કે માસ્ક અને સ્કિન વચ્ચે કોઇ ગેપ ન હોવો જોઇએ, તેમાં એક નોઝ પીસ હોય છે, જે ચહેરાના આકાર પ્રમાણે ઢળી જાય છે.
પ્રતિકાત્મક તસ્વીર Source : ANI
ભારત સરકારે માસ્કને લઇ કહ્યું કે વાલ્વવાળાં એન-૯૫ માસ્ક વાઇરસને રોકવામાં મદદ કરતાં નથી. એન-૯૫ માસ્કના બદલે ટ્રિપલ લેયર માસ્ક સૌથી સારાં છે. ઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ પણ કરી શકાય છે. માસ્કને રોજેરોજ ધોવાં જોઇએ. માસ્કથી તમે શ્વાસમાંથી નીકળતા કણથી કોઇને સંક્રમિત કરતાં અને ખુદ સંક્રમિત થતાં રોકી શકો છો. ખાંસતી-છીંકતી કે વાત કરતી વખતે માસ્ક વાઇરસયુક્ત બુંદને રોકી લે છે.