વલસાડ: ગુજરાતમાં બેંકો સાથેના છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થતો જોવા મળે છે. ત્યારે વલસાડ જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ બેંક સાથે કરોડોની છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. મિશ્રા પરિવાર દ્વારા બેંક સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે.
વાપીના બલીઠામાં રહેતા એક જ પરિવારના 7 સભ્યોએ જુદા જુદા બહાને બોગસ દસ્તાવેજો કરી બેંક પાસેથી 16 કરોડથી વધારે લોન લીધી હતી. આખો પરિવાર ફરાર થઇ જતાં બેંક દ્વારા સમગ્ર મામલે વાપી GIDC પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઇ છે.
આ છેતરપિંડી મામલે પરિવારના આઠ સભ્યો વિરૂદ્વ ફરિયાદ નોંધાઇ છે. જોકે કોઇપણ જાતના દસ્તાવેજોની ખરાઇ કર્યા વિના બેંકના કોઇ કર્મચારીની ભૂમિકા શંકાસ્પદ હોય તેવું લાગે છે. આથી પોલીસે બેંકના કર્મચારીઓની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાય સમયગાળાથી દેશમાં બેંકો સાથે છેતરપિંડી આચરીને ફરાર થઇ જવાની ઘટનાઓ બની રહી છે આ પહેલા પણ જાણીતા બિઝનેશમેન વિજય માલ્યાએ કેટલીય બેંકના પૈસા લઇ વિદેશ ભાગી ગયેલ ત્યારબાદ પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયા લઇ ડાયમંડ કિંગની ઓળખ ધરાવતો નિરવ મોદી પણ વિદેશ ભાગી ગયેલ છે ત્યારે આજ રોજ વલસાડની પીપલ્સ બેંક સાથે કરોડોની ઠગાઇ કરીને મિશ્રા પરિવાર ફરાર થઇ જતા પોલીસે ફરિયાદ નોંધી ફરિયાદ હાથ ધરી હતી.