Saturday, August 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ઇકો ફ્રેન્ડલી રાખડી / વડોદરાની વિશ્વા તેના ભાઇને કાંડે બાંધશે 'પ્લાન્ટ રક્ષા', માંગશે આ ભેટ

વડોદરાની વિશ્વા તેના ભાઇને કાંડે બાંધશે 'પ્લાન્ટ રક્ષા', માંગશે આ ભેટ

સમગ્ર દેશમાં રક્ષાબંધનના પર્વને ખૂબ જ ઉત્સાહ સાથે બહેનો મનાવવા જઈ રહી છે. ત્યારે પોતાના ભાઈના કાંડે રક્ષા બાંધીને આજીવન તેની તદુરસ્તી અને નિરામય સ્વાસ્થ્ય રહે તેવી પ્રાર્થના સાથે વડોદરાની એક યુવતીએ અનોખી રીતે રક્ષા બંધનના પર્વને ઉજવવાનું નક્કી કર્યું છે.

પોતાના ભાઈને રક્ષા બંધનના તહેવાર પ્રસંગે અનોખી રાખડી બાંધવાના હેતુ સાથે વડોદરાના વાસના રોડ પર આવેલ સોસાયટીમાં રહેતી અને એમ.એસ યુનિવર્સીટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિશ્વા ભટ્ટ નામની આ બહેને પ્લાન્ટ રાખડી બનાવી છે. પોતાના ભાઈ પાસે પર્યાવરણની રક્ષા કરવા માટેનું વચન પણ લેવાની છે. વિશ્વાએ રક્ષાબંધનના પર્વ પર અન્ય બહેનો માટે પ્લાન્ટ રક્ષા બનાવવાની છે. પ્લાન્ટ શિડ્સમાંથી બનાવેલ રાખડી વિશ્વા પોતાના ભાઈના કાંડા પર તો બાંઘી જ છે તો સાથે સાથે આ બહેન શહેરના કેટલાક પોલીસ જવાનોને પણ આ પ્લાન્ટ રક્ષા બાંઘી છે. 

મહત્વનું છે કે આ વર્ષે વડોદરામાં થોડા દિવસ પહેલા જે વરસાદી પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને અનેક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. તેવા સંજોગોમાં લોકોની જાન માલનું રક્ષણ શહેર પોલીસના જવાનોએ કર્યું હતું. પોતાના જીવની પરવાહ કર્યા વિના નાગરિકો માટે સતત સાત દિવસ સુધી ખડેપગે ફરજ બજાવનારા પોલીસ જવાનોની ઈશ્વર રક્ષા કરે તેવા ઉમદા હેતુ સાથે તેમના હાથે પણ રક્ષા બાંધવાની છે.

એક નવા વિચાર અને સંદેશ સાથે તેને પ્લાન્ટ રાખડી બનાવવાનું નક્કી કર્યું

ગત વર્ષે પણ વિશ્વાએ આ જ પ્રકારે પ્લાન્ટ રાખી બનાવી તેને નજીવી કિંમતે વેચીને તેમાંથી મેળવેલ આવકનો ઉપયોગ વિશ્વાએ શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોના અભ્યાસ માટે કર્યો હતો. વિશ્વા ભટ્ટ દર વર્ષે રક્ષાબંધનના પ્રસંગે પોતાના ભાઈને અનોખી રાખડી બાંધે છે. ત્યારે આ વર્ષે વિશ્વાએ પોતાના ભાઈને ઇકો ફ્રેન્ડલી અને પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે કાંઈ હટકે ઉજવવાનું નક્કી કર્યું છે. વિશ્વાએ રક્ષા બંધન ને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું એ માટે તેને બહુ વિચાર્યું અને અંતે એક નવા વિચાર અને સંદેશ સાથે તેને પ્લાન્ટ રાખડી બનાવવાનું નક્કી કર્યું. પ્લાન્ટ રાખડી માટે તેને માટી અને વૃક્ષ, ફૂલ અને છોડવાના બીજનો ઉપયોગ કર્યો છે. વિવિધ બીજને માટીના રાખડી જેવા ચંદામાં રોપીને તે ચંદાને નાયલોનની દોરીથી તૈયાર કરેલી પ્લાન્ટ રાખડી બનાવી છે. 

હું મારા ભાઈને આ પ્લાન્ટ રાખડી બાંધીશઃ વિશ્વા

આ અંગે વાત કરતા વિશ્વા જણાવે છે કે એક તરફ એનવાયરમેન્ટ ડિસ્ટર્બ થયું છે. પર્યાવરણમાં પ્રદુષણ પણ વધી રહ્યું છે ત્યારે આ પવિત્ર પર્વે હું મારા ભાઈને આ પ્લાન્ટ રાખડી બાંધી તેમાં રહેલા બીજને કુંડામાં કે ખુલ્લી જગ્યામાં રોપી તેનો ઉછેર કરી આજીવન તેનું રક્ષણ કરવાની ભેટ હું માંગીશ. આ વર્ષે પણ વિશ્વા એ માત્ર પોતાના ભાઈ માટે જ નહીં પરંતુ અન્ય બહેનો માટે પણ આ પ્રકારની પ્લાન્ટ રાખડી બનાવી અને વિશ્વા પ્રયાસને તેના પિતા પણ બિરદાવી રહ્યા છે.

શહેરોમાંથી પ્લાન્ટ રાખડી માટે ઓર્ડર પણ મળી રહ્યા છે

એક તરફ પર્યાવરણમાં અસંતુલન જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ સોશિયલ વર્કમાં અભ્યાસ કરતી વિશ્વા ભટ્ટે આ પર્યાવરણને સ્થિર કરવા માટેનો એક નાનો પ્રયાસ કર્યો છે. વિવિધ બીજોમાંથી બનાવેલી પ્લાન્ટ રાખડીઓને તે જરૂરિયાતમંદ બહેનોને પણ આપવાની છે. તો વળી તેની સોશિયલ મીડિયાના માધ્યમથી પ્લાન્ટ રાખડી વિશે અનેક લોકોને માહિતી આપતા વિશ્વાને મુંબઈ-અમદાવાદ જેવા શહેરોમાંથી પ્લાન્ટ રાખડી માટે ઓર્ડર પણ મળી રહ્યા છે. પ્લાન્ટ રાખડી બનાવવાની તેની યુક્તિ તેના માતાએ આવકારી છે અને સાથે સાથે ગૌરવ પણ અનુભવી રહ્યા છે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ