મહામારી /
ભારતમાં કોવિશીલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે કમિટીએ આપી મંજૂરી, હવે DGCI લેશે નિર્ણય
Team VTV05:38 PM, 01 Jan 21
| Updated: 05:49 PM, 02 Jan 21
કોરોના વેક્સિનને લઇને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે ખૂબ જ અગત્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
કોરોના સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર
ભારતમાં કોવીશીલ્ડના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
કોવીશીલ્ડ સૌથી સસ્તી વેક્સીન
સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે કોરોના રસીને લઈને મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. તે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી કોવિશિલ્ડને તાત્કાલિક મંજૂરી આપવાનો વિચાર કરાયો હતો.. જે બાદ સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવતી કોવિશિલ્ડ રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) ના કોવિશિલ્ડને મંજૂરી માટે પેનલની ભલામણ મળી છે. પરંતુ ડીસીજીઆઈ દ્વારા આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
સસ્તી હોવાને લીધે ઓક્સફોર્ડ વેક્સીન સરકારની સૌથી મોટી આશા છે. કંપનીનું કહેવું છે કે તે પોતાના ઘરેલુ બજાર પર ફોકસ આપશે. ત્યારબાદ તે દક્ષિણ એશિયાના દેશો તથા આફ્રિકાને એક્સપોર્ટ કરવામાં આવશે.
શું છે કોવીશીલ્ડ વેક્સિન?
બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સીટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાની ભાગીદારીથી આ રસીનું નિર્માણ થયું છે, જ્યારથી કોરોના વાયરસની ઓળખાન થઇ ત્યારથી જ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકાના સંશોધકો આ વાયરસની વેક્સિન બનાવવામાં લાગી ગયા હતા. આ રસી ઇનએક્ટિવેટેડ વાયરસની મદદથી બનાવાયેલી છે.
આ રસીમાં ચિમ્પાન્ઝીના વાયરસના પ્રોટીન સ્પાઇક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફાઇઝર અને મોડર્ના કંપનીની mrna પ્રકારની રસી કરતા અલગ છે અને તેના પ્રકારને લીધે તે સામાન્ય એવા 2 થી 8 ડિગ્રીના તાપમાને પણ સ્ટોર કરી શકાય છે. દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની sii એ આ રસીના નિર્માણ માટે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા કંપની સાથે કરાર કર્યો હતો.
સીરમ સંસ્થાએ જે કરાર કર્યા હતા તેના અનુસાર આ રસીના ભારતમાં પણ ટ્રાયલ કરવામાં આવ્યા હતા, અને આ સિવાય આ રસીના બ્રિટન અમેરિકા વગેરે દેશોમાં પણ ટ્રાયલ કરવામાં આવ્યા હતા.
વિવાદ પણ થયો હતો
એસ્ટ્રાઝેનેકા કંપનીએ તેની એક પ્રેસ રિલીઝમાં સ્વીકાર્યું હતું કે ટ્રાયલ દરમિયાન અમુક ભૂલ થઇ હતી જેમાં અમુક વોલન્ટિયર્સને રસીની પહેલા ડોઝ કરતા ઓછી માત્રાનો ડોઝ આપવામાં આવ્યો હતો અને જેની કોરોના વાયરસ સામેની ક્ષમતા 90 ટકા અકસીર મપાઈ હતી જો કે બીજા ડોઝ પછી આ તારણોમાં ઘટાડો નોંધાયો હતો અને તેની અકસીરતા 62 ટકા મપાઈ હતી આમ કુલ ક્ષમતા સરેરાશ 70 ટકા મપાઈ હતી જેને લઈને વિવાદ પણ થયો હતો.
ભારતમાં એક વોલન્ટીયરને આ રસી પછી મગજની પૂરી ક્ષમતા સાથે કામ ન કરી શકવાની સમસ્યા થઇ હતી જે પ્રકારનો તેણે દાવો કરીને સિરમ પર પાંચ કરોડનો કેસ પણ કરવાની નોટિસ મોકલી હતી જો કે સિરમ કમ્પની દ્વારા આ દાવાને ફગાવી દેવાયા હતા.
વેક્સિનના 100 કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી
કોવિશિલ્ડ સિવાય ભારત બાયોટેકની કોવેક્સિન, ઝાયકોવિડ, રશિયાની સ્પૂતનિક-V પણ આગામી વર્ષે એપ્રિલમાં આવી જશે. પરંતુ હાલ સીરમ ઈન્સ્ટીટ્યૂટે એસ્ટ્રાજેનેકા સાથે વેક્સિનના 100 કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી છે. કંપનીએ યુકેમાં થયેલા ટ્રાયલના ડેટાના આધારે ભારતમાં ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી માગી હતી. ભારતમાં ડ્રગ રેગુલેટર ડેટાની તપાસ કર્યા બાદ વેક્સિનને મંજૂરી મળી છે
30 રોડ ભારતીયોને વેક્સિન આપવાનું વિચારી રહી છે સરકાર
ભારત સરકાર જુલાઈ સુધીમાં 30 કરોડ ભારતીયોને વેક્સિન આપવાનું વિચારી રહી છે. આ માટે સૌથી વધારે ડોઝ સીરમ ઈન્સ્ટીટ્યૂટ પાસેથી જ મળવાની આશા છે. વેક્સિન એડમિનિસ્ટ્રેશનથી લઈને નેશનલ એક્સપર્ટ ગ્રુપની પ્રાથમિક્તા દેશી વેક્સિનને મંજૂરી આપવાની છે. સરકાર આગામી પાંચ છ મહિનામાં કોવિશિલ્ડના લગભગ 40 કરોડ ડોઝ મળવાની આશા સેવી રહી છે. ત્યારે જોવું રહ્યું કે કઈ વેક્સિન સૌથી પહેલા બજારમાં આવે છે દેશમાંથી કોરોનાને મુક્તિ આપે છે.
અન્ય દેશોમાં શું છે સ્ટેટ્સ ?
અમેરિકામાં ફાઇઝર અને મોડર્નાની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. અને રસીકરણ શરુ છે. બ્રિટનમાં પણ ફાઇઝર અને ઓક્સફોર્ડની વૅક્સિનને મંજૂરી મળી ગઈ છે. ચીને તેની સિનોફાર્મની રસીને મંજૂરી આપી રસીકરણ શરુ કર્યું છે અને રશિયામાં સ્પુટનિક v ને મંજૂરી આપી વેકસિનેશન શરૂ કરી દેવાયું છે. કેનેડા અને સાઉદી અરબમાં પણ ફાઇઝરની રસીને મંજૂરી મળી છે.