6 ઈંચ પાઈપ તેમના સુધી પહોંચી, હવે આના દ્વારા મજૂરોને ભોજન અપાશે
છેલ્લા 9 દિવસથી ટનલમાં ફસાયેલા છે
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને લઈને સારા સમાચાર છે. સિલ્કયારા ટનલમાં ડ્રિલિંગ કરતી રેસ્ક્યૂ ટીમને સફળતા મળી છે. રેસ્ક્યૂ ટીમની મહેનતના કારણે 6 ઇંચની પાઇપલાઇન ટનલની અંદર પહોંચી ગઇ છે અને હવે તેના દ્વારા જ ફસાયેલા મજૂરોને ઓક્સિજન અને ખાવાનું પૂરું પાડવામાં આવશે. ગતરાત્રે 12 વાગ્યાથી ડ્રિલિંગ કર્યા બાદ છ ઇંચની પાઇપનો બીજો છેડો આજે બપોરે 12 વાગ્યાના અરસામાં કાટમાળ પાર મજૂરો સુધી પહોંચી ગયો છે. આ સાથે, ઓગર મશીન દ્વારા ટનલની અંદર એસ્કેપ પાઇપ ટનલ બનાવવાની આશા વધુ મજબૂત બની હતી.
6 ઈંચની પાઈપ પહોંચી જતા મજૂરોને શું લાભ થશે
ટનલની અંદર 6 ઇંચની પાઇપલાઇન બનવાથી અંદર ફસાયેલા લોકોને થોડી વધુ રાહત મળશે. અત્યાર સુધી ચાર ઇંચની પાઇપ મારફતે કામદારોનો સંપર્ક કરવામાં આવતો હતો. આમાંથી ઓક્સિજન અને ડ્રાયફ્રૂટ્સ વગેરે મોકલવામાં આવી રહ્યા હતા. નવી છ ઇંચની પાઇપમાં દાળ, ચોખા, બ્રેડ, શાકભાજી પણ મોકલી શકાશે. મજૂરોનું હેલ્થ સારું રહે તે માટે હેલ્થી ફૂડ આપવામાં આવશે.
9 દિવસથી ટનલમાં ફસાયેલા છે 41 મજૂરો
ઉત્તરકાશીની ટનલમાં છેલ્લા 9 દિવસથી 41 મજૂરો ફસાયેલા છે. ત્યાં કામ કરતાં ભેખડો ધસી પડતાં તેઓ દટાઈ ગયા હતા. છેલ્લા 9 દિવસથી તેમનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.