દિવાળીના તહેવારોની ઉજવણીમાં ઘેલા બનેલા અમદાવાદીઓ અને કોવિડ ગાઇડલાઇનના નજર સામે લીરેલીરા ઊડતા હોવા છતાં પબ્લિક ફ્રેન્ડલી બનેલા મ્યુનિ. તંત્રના કારણે શહેરમાં કોરોનાની સેકન્ડ વેવ ફરી વળી અને શહેરની હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં દર્દીઓને ગાંધીનગર, ખેડા, આણંદ, કરમસદ અને વડોદરા મોકલવા પડ્યા હતા.
હવે થર્ટી ફર્સ્ટ અને ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને રાત્રી કરફ્યુના હાલના સમયમાં ઘટાડો કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વિચારણા ચાલતી હોવાની ચર્ચા ઊઠી હોઈ જો તેમ થશે તો ફરીથી લોકો ભાન ભૂલીને તહેવાર ઉજવશે, પરિણામે કોરોનાની થર્ડ વેવને સામે ચાલીને આમંત્રણ આપવા જેવું થશે તેવી ભીતિ પણ સમાજના જાગૃત વર્ગમાં ફેલાઈ છે.
આમ તો અમદાવાદમાં તંત્ર દ્વારા અમલી બનાવાયેલા રાત્રી કરફ્યુથી કોરોનાનો ઉપદ્રવ ફેલાતો અટક્યો છે તેવો સત્તાધીશોનો દાવો છે, જોકે રાતના ૯.૦૦થી સવારના ૬.૦૦ વાગ્યાના કહેવાતા કરફ્યુનું ઉલ્લંઘન એસજી હાઈ વે સહિતના વિસ્તારમાં નરી આંખે જોવા મળે છે.
પોલીસ તંત્ર હજુ પણ રાત્રી કરફ્યુની અમલવારી માટે સખતાઈથી કામ લેવાના બદલે હળવાશથી વર્તી રહ્યું છે. લોકોને રાત્રી કરફ્યુ હવે અમલમાં આવશે તો તેનું પાલન કરો તેવી સૂચના જ પોલીસ સત્તાવાળાઓ આપી રહ્યા હોઈ કેટલીક જગ્યાએ તો રાત્રી કરફ્યુ માત્ર નામનો જ છે. આ સંજોગોમાં જો હોટલ એસોસીએેશન કે અન્ય એસોસીએેશનના દુરાગ્રહ સામે ઝૂકીને રાત્રી કરફ્યુને ૯.૦૦ના બદલે ૧૧.૦૦ વાગ્યાથી અમલમાં મુકાશે તો અનેક લોકોની ગફલતથી શહેરમાં ફરીથી કોરોના માથું ઊંચકશે.
જો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે રાત્રી કરફ્યુમાં ઢીલ મૂકીને રાતના ૧૧.૦૦થી સવારના ૫.૦૦ સુધી કરાશે તો આખા અમદાવાદ પર કોરોના નવી આફત બનીને તૂટી પડશે. સત્તાવાર રીતે ચાઇનીઝ તુક્કલ પર ભલે પ્રતિબંધ હોય, પણ તેનો ઓનલાઇન વેપાર ચાલુ જ છે. એટલે રાતના ૧૧.૦૦ વાગ્યા પછી પણ ધાબે ચડીને તુક્કલ ઉડાડનારા શોખીનોને કંઈ પોલીસ તંત્ર ધાબા પરથી ઉતારી શકવાની નથી.
પતંગ બજારમાં ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે કતલની રાતે હૈયેહૈયું પીસાય તેમ ઊમટતાં પતંગ શોખીનોનાં ટોળેટોળાં રાતના બાર કે એક વાગ્યે વિખેરી કાઢવા કંઈ તંત્ર લાઠીચાર્જ કરવાની નથી એટલે રાતના ૧૧.૦૦થી સવારના ૫.૦૦ સુધીનો રાત્રી કરફ્યુ હવે અમલમાં મુકાશે તેવી ચર્ચા ઊઠતા અનેક જાગ્રત નાગરિકોમાં કોરોનાને લઈને અત્યારથી નવો ફફડાટ ફેલાયો છે.