શું તમારા ઘરમાં પણ વીજળીનો વપરાશ વધારે થાય છે? શું તમારા ખિસ્સામાંથી પણ દર મહિને વીજળીનું બિલ ભરવા માટે મોટી રકમ ખર્ચાય જાય છે? યુનિટ દીઠ વીજળીનો દર તો ઘટાડવો તો આપણા હાથમાં નથી, પરંતુ વપરાતી વીજળીના યુનિટ ઘટાડવા તો આપણા હાથમાં જ છે. આમ કરીને તમે વીજળીના મોટા બિલથી રાહત મેળવી શકો છો. રોજિંદા જીવનની કેટલીક એવી ટેવો છે કે જેને સુધારીને તમે તમારા ખિસ્સા પર પડતો મોટો બોજ ઘટાડી શકો છો. માત્ર કેટલીક ટ્રિક્સ અપનાવો અને થોડી સાવચેતી રાખો, તો વીજળીનો વપરાશ ઘટાડીને વીજળીનું બિલ પણ ઓછું કરી શકાય છે.

વીજળી બચાવવાની સરળ ટ્રિક્સ
- બિલ ઘટાડવા માટે સૌથી પહેલા એ વાત ધ્યાનમાં રાખો કે વગર કામે કોઇપણ લાઈટ ચાલુ ન રાખો. કોઈ રૂમમાંથી બહાર નીકળો ત્યારે તેની બધી જ સ્વીચ બંધ કરીને નીકળો. રાતે પણ વધારાની સ્વીચ બંધ કરી દો.
- ક્યારેય ફ્રીઝને ખાલી ન રાખવું, તાજી શાકભાજી અને વસ્તુઓ ફ્રીઝરમાં મૂકવી. ફ્રીઝને નોર્મલ મોડ પર જ રાખવું. આમ કરવાથી વધારે વીજળી વપરાશે નહીં.
- ઉનાળામાં એસીનો વપરાશ ચાલુ કરતા પહેલા તેની સર્વિસ કરાવી લો. સાથે જ તેને વધુ કૂલિંગ રાખવાને બદલે તેનું ટેમ્પરેચર 26 ડિગ્રી રાખો. રૂમના બારી-બારણા જરા પણ ખુલ્લા ન રહે એનું ધ્યાન રાખો. જેથી વધુ વીજળી ન વપરાય.
- સામાન્ય બલ્બને બદલે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ એટલે કે સીએફએલનો ઉપયોગ કરવો જોઈએ. સીએફએલ બલ્બ 10 થી 15 ગણો વધુ ચાલે છે અને 80 ટકા ઓછી વીજળી વાપરે છે.

- રાતે ઊંઘતા પહેલા ઘરમાં રહેલા કોમ્પ્યુટર, પ્રિંટર, ટીવી, ડીવીડી પ્લેયર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની રિમોટને બદલે મેઈન સ્વીચ બંધ કરી દો. જેથી તેમાં એક પણ લાઈટ ચાલુ ન રહે અને વીજળી ન વપરાય.
- સાથે જ આવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પાવર એક્સ્ટેંશન કાર્ડથી કનેક્ટ કરીને તેનો ઉપયોગ કરો, કામ ન હોય ત્યારે આળસ કર્યા વિના તેને બંધ કરી નાખો.
- જરૂરી કામો દિવસના અજવાળામાં જ પૂરા કરવાનું રાખો, જેથી રાતે વધારાની લાઈટો ચાલુ ન રાખવી પડે અને વીજળી બચાવી શકાય.
- ઘરમાં વેન્ટિલેશન યોગ્ય હશે, તો વધારે સમય પંખો ચાલુ નહીં રાખવો પડે અને થોડી વીજળી સરળતાથી બચાવી શકાય છે.
- દરરોજ વોશિંગ મશીનમાં કપડાં ધોવાને બદલે મશીનની ક્ષમતા પ્રમાણે કપડાં ભેગા થઈ જાય ત્યારે જ મશીન વાપરો. ધ્યાનમાં રાખો કે વોશિંગ મશીનમાં તેની ક્ષમતા પ્રમાણે કપડાં હોવા જોઈએ. ન વધારે કે ન ઓછા, આમ કરવાથી મશીન તેની ક્ષમતા પ્રમાણે કામ કરશે અને વધારે વીજળી વપરાશે નહીં.
વધુ વાંચો: વીમા વગર વાહન ચલાવતાં પકડાયાં તો જેલ અને દંડની સજા, સરકારે લીધો મોટો નિર્ણય
- પાણી ગરમ કરવા માટે જો વોટર હીટરનો ઉપયોગ કરતા હોવ તો તેનું ટેમ્પરેચર 48 ડિગ્રી પર જ સેટ કરીને રાખો. જેથી હીટર વધારે ગરમ કે ઠંડુ નહીં થાય અને વીજળી ઓછી વપરાશે.
- જો ઘરની કોઈ પાઈપ લીક થતી હોય તો ઠીક કરાવી લો, જેથી પાણીની ટાંકી જલ્દી ખાલી નહીં થાય અને તમારે પાણી ચઢાવવા માટે વારંવાર મોટર ચાલુ નહીં કરવી પડે.
- સૌથી ખાસ અને ધ્યાને લેવા જેવી વાત એ છે કે હાલ સૌરઊર્જાનું ઘણું ચલણ છે. સરકાર પણ સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપે છે. સોલાર પેનલ લગાવીને વીજળીનું બિલ નહીં ભરવું પડે.