સાંસદોની સંમતિ-સમજૂતી બાદ અમેરિકા-મેક્સિકો સરહદે બનશે દિવાલ...

By : admin 02:51 PM, 13 February 2019 | Updated : 02:51 PM, 13 February 2019
અમેરિકામાં ફરી એક વખત શટડાઉન નિવારવા માટે અમેરિકા-મેક્સિકો સરહદે દીવાલ બનાવવાને લઇને હવે અમેરિકન સાંસદો વચ્ચે સંમતિ અને સમજૂતી સધાઇ ગઇ છે અને રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ દીવાલ બનાવવા માટે ૧.૪ અબજ ડોલરનું ભંડોળ ફાળવવાનો નિર્ણય લેવાઇ ચૂકયો છે.

સંસદીય સાથીઓના જણાવ્યા અનુસાર ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી કોઇ પણ સંજોગોમાં ફરીથી શટડાઉન થવા દેવા ઇચ્છતી નથી અને તેથી દીવાલના નિર્માણ માટે જેટલી પણ રકમ મળશે તેનાથી સમાધાન કરી લેવાનો નિર્ણય કર્યો છે.

ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો સરહદે દીવાલ બાંધવા માટે પ.૭ અબજ ડોલરની જંગી રકમ માગી હતી, પરંતુ હવે તેમને માત્ર ૧.૪ અબજ ડોલરથી કામ ચલાવી લેવું પડશે.

આટલા ભંડોળથી માત્ર પપ માઇલ જ લાંબી દિવાલ ઊભી થઇ શકશે. આ દીવાલ સ્ટીલની હશે જ્યારે ટ્રમ્પે કોંક્રિટની દીવાલ બનાવવાનો વાયદો કર્યો હતો.

વ્હાઇટ હાઉસે ડિસેમ્બર ર૧પ માઇલ લાંબી દીવાલ બનાવવાની વાત કરી હતી, પરંતુ સોમવારે થયેલી સમજૂતી અનુસાર મળેલી રકમથી ટેકસાસની રિયોગ્રાન્ડ વેલીમાં દીવાલનું નિર્માણ કરવામાં આવશે. 

સેનેટની ખર્ચ સમિતિના અધ્યક્ષ રિચર્ડસ શેલ્બીએ જણાવ્યું હતું કે અમારી વચ્ચે સૈદ્ધાંતિક સમજૂતી સધાઇ ગઇ છે. સમિતિના અધ્યક્ષ નીતા લોવીએ જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓ આ મુદ્દે કામ કરી રહ્યા છે અને આજે આ રકમ ઇશ્યૂ કરી દેવામાં આવશે.

જોકે હવે સમજૂતી થતાં હાલ શટડાઉનનો ખતરો ટળ્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ સમજૂતી પર કોઇ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. જોકે ટ્રમ્પે ટેકસાસમાં અલ પાસો નજીક એક જાહેરસભામાં એવું ચોકકસ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દીવાલ માટે ખુશખબર મળશે.Recent Story

Popular Story