unseasonal rains in these districts turned Increased concern of farmers
માવઠું /
ખેડૂતને પડ્યા પર પાટુ, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદી ઝાપટાએ પથારી ફેરવી
Team VTV07:09 PM, 24 Oct 21
| Updated: 07:15 PM, 24 Oct 21
સૌરાષ્ટમાં વાતાવરણ પલટાતા રાજકોટ, સાવરકુંડલા અને દ્વારકા પંથકમાં કમોસમી માવઠું. ખેતીને નુકસાન થતા ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી .
સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં માવઠું
કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
ઉભા પાકને થતા નુકસાનથી ચિંતા
દીપાવલીના તહેવારો નજીક આવતા હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે.સૌરાષ્ટ્રમાં સવારના ભાગમાં ફૂલ ગુલાબી ઠંડી પડે છે ત્યારે, આજે વાતાવરણ પલટાતા રાજકોટ, સાવરકુંડલા અને દ્વારકા પંથકમાં કમોસમી માવઠું થતા ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થઇ છે.
રાજકોટ જિલ્લો -સાવરકુંડલા
આજે સવારના ભાગથી જ વાતાવરણ વાદળ છાયું હતું ત્યારે, રાજકોટ જીલ્લાના ધોરાજી, જામકંડોરણા,વીરપુર ,જેતપૂરમાં ધોધમાર વરસાદ પડતા ખેતરમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. આવી જ સ્થિતિ સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારની રહી હતી. ભમોદારા સહિતના વિસ્તારમાં અચાનક જ કમોસમી વરસાદ થતા ખેડૂતો હેબતાઈ ગયા હતા. મગફળી અને કપાસના ઉભા પાકને નુકશાન પહોચ્યું છે.
દ્વારકામાં પણ વરસાદ
સૌરાષ્ટ્રના દ્વારકામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતિત કરી મુક્યા છે.સલાયા પંથકમાં 20 થી 25 મીનીટના વરસાદે ખેતરોને ભરી મુક્યા હતા.શિયાળાની શરૂઆતમાં જ આ સ્થિતિ રહી તો,આખો શિયાળો કેવી રીતે નીકળશે તેની ચિંતામાં ખેડૂતો મુકાય ગયા છે.જો વારંવાર આ જ રીતે વાતાવરણ પલટતું રહે,તો ખેતરના ઉભા પાકની શી વલે થશે તેની ચિંતામાં જગતાત પડી ગયો છે