ગુરૂવારે ગુજરાતના કેટલાય વિસ્તારમાં વરસાદ ખાબકતા સૌ ચોંકી ગયા હતા. તો વળી કેટલાક વિસ્તારોમાં ખાબોચીયા પણ ભરાય તેવો વરસાદ ખાબક્યો હતો. આ તરફ ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થતાં જગતના તાતે રડવાનો વારો આવ્યો હતો. ત્યારે હવામાન વિભાગે શનિવાર સુધી વરસાદનું સંકટ યથાવત રહેવાની આશંકા વ્યક્ત કરી છે.
કમોસમી વરસાદને લઈ હવામન વિભાગની આગાહી
રાજ્યમાં 24 કલાક સુધી રહી શકે છે વાદળછાયું વાતાવરણ
આવતીકાલથી કમોસમી વરસાદનું સંકટ ટળ્યું
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. શનિવારથી કમોસમી વરસાદનું સંકટ ટળી શકે છે.
શનિવાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, શનિવારથી રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગુરૂવારે વરસાદ નોંધાયો છે. આજે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
નવસારી શહેરમા અચાનક વાતાવરણમાં પલટો
નવસારી શહેરમા અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પથકમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી સહિતના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. કમોસમી વરસાદને કારણે ડાંગર, શેરડી, ચીકુ જેવા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે
સાબરકાંઠામાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ
સાબરકાંઠામાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો છે. હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
કેરીનો પાક બગડ્યો
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું. વાપી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાનીની ભીતી સેવાઈ રહી છે. ઉનાળાની સીઝનમાં જિલ્લામાં વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે