Unlocking Gujarat: After 85 days, these places are likely to reopen from today
આનંદો! /
અનલૉક તરફ ગુજરાત: આજથી 36 શહેરોમાં હળવા થયા નિયમો, જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ?
Team VTV08:32 AM, 11 Jun 21
| Updated: 08:35 AM, 11 Jun 21
કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો હળવા છે. આજથી રાજ્યમાં નવા નિયમો અમલી બન્યા છે.
રાજ્ય અનલોક તરફ આગળ વધ્યું
કોરોનાના કેસ ઘટતા વધુ છૂટ
36 શહેરોમાં નિયંત્રણો હળવા કરાયા
આ નવા નિયમો 26 જૂન સુધી અમલી રહેશે. રેસ્ટોરન્ટ-હોટલ સવારે 9થી સાંજે 7 સુધી 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા છૂટ આપવામાં આવી છે.
સાંજે 7 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી
આ ઉપરાંત તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાલ છે. હેર સલૂન, બ્યુટી પાર્લર પણ સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. 50 ટકા ક્ષમતા સાથે લાયબ્રેરી અને જીમ્નેશિયમ ચાલુ રાખી શકાશે.
18 માર્ચથી બાગ-બગીચાને પૂરેપૂરા દિવસ માટે બંધ કરી દેવાયા હતા
શહેરમાં કોરોના બેફામ બનતા તા. 18 માર્ચથી મ્યુનિ. સંચાલિત 283 બાગ-બગીચા, કાંકરિયા લેક અને ઝૂને અનિશ્ચિતકાલિન મુદત માટે બંધ રાખવાનો નિર્ણય મ્યુનિ. તંત્ર દ્વારા લેવાયો હતો. શહેરીજનોમાં કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા કમિશનર મૂકેશકુમારે આ મહત્ત્વપૂર્ણ લીધો હતો. આ પહેલાં મ્યુનિ. બાગ-બગીચા સવારના 6.30 વાગ્યાથી 9.00 વાગ્યા સુધી અને સાંજના 6.00 થી રાતના 9.00 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રખાયા હતા. જોકે ગત તા. 18 માર્ચથી બાગ-બગીચાને પૂરેપૂરા દિવસ માટે બંધ કરી દેવાયા હતા. આની સાથે અમદાવાદીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કાંકરિયા લેકને પણ તબક્કાવાર આવતી કાલથી ખોલી દેવાય તેવી શક્યતા છે.
કોરોના સંક્રમણ ઘટવાથી અમુક નિયંત્રણોની સાથે ખૂલશે જાહેરસ્થળો
આજે બપોરે સંબંધિત અધિકારીઓ આ અંગે કમિશનરનું માર્ગદર્શન મેળવશે. જોકે ભાજપના શાસકો પણ બાગ-બગીચા અને કાંકરિયા લેકને લાગેલાં તાળાં ખોલી દેવાનાં સમર્થનમાં છે. શાસક પક્ષ દ્વારા આ અંગે તંત્ર સમક્ષ ભારપૂર્વક રજૂઆત પણ કરાશે.શહેરમાં બાગ-બગીચા આખો દિવસ બંધ રહેવાથી ખાસ કરીને સ્વાસ્થ્યપ્રેમીઓની કફોડી હાલત થઈ હતી. જૂનની શરૂઆતથી તંત્રના ચોપડે કોરોનાનું સંક્રમણ ઘટતાં મોર્નિંગ અને ઇવનિંગ વોકર્સની બાગ-બગીચાને ફરી ખોલી દેવાની માગણી બળવત્તર બની છે. ઉપરાંત આગામી તા. 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગદિવસે મ્યુનિ. બાગ-બગીચાઓ યોગપ્રેમીઓ માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે.
કાંકરિયા લેકને પણ તબક્કાવાર આવતી કાલથી ખોલી દેવાય તેવી શક્યતા
જ્યારે કાંકરિયા લેક ખાતે મિની ટ્રેન, કિડ્સ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક-1, નગીનાવાડી, વોટર એક્ટિવિટિઝ, નોકટર્નલ ઝૂ પરનો પ્રતિબંધ હમણાં કદાચ કાયમ રહેશે. મ્યુનિ. સત્તાવાળાઓ કાંકરિયા લેકના સહેલાણીઓને ફક્ત બાલવાટિકા અને બટરફ્લાય પાર્કનાં આકર્ષણની ભેટ આપે તેમ છે, કેમ કે ઝૂના મામલે સંબંધિત વિભાગને રાજ્યના વનવિભાગની મંજૂરી લેવી પડશે. આ મંજૂરી હજુ સુધી આવી નથી. જોકે મિની ટ્રેન, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે બંધ રાખવાથી કાંકરિયા લેકની રોનક ઘટશે.
રાજ્ય સરકારની નવી છૂટછાટ તા. 11થી 26 જૂન સુધી અમલમાં
આ તમામ પ્રવૃત્તિ તા. ૨૬ જૂન બાદ શરૂ કરાય તેવી શક્યતા છે. હાલમાં રાજ્ય સરકારની નવી છૂટછાટ તા. 11થી 26 જૂન સુધી અમલમાં રહેવાની છે.કોરોના મહામારીના કારણે કાંકરિયા લેકને 85 દિવસ સુધી બંધ રાખવાથી મ્યુનિ. તિજોરીને આવકમાં રૂ. એક કરોડથી વધુનો ફટકો પડ્યો છે. જોકે કાંકરિયા લેકના તોતિંગ ગેટને ખુલ્લા મૂકવાથી મોર્નિંગ વોકર્સમાં આનંદ છવાશે.
સવારના ચાર વાગ્યાથી સાત વાગ્યાના સમયગાળામાં મોર્નિંગ વોકર્સને છૂટ અપાઈ છે.દરમિયાન, મ્યુનિ.ના 283 બાગ-બગીચા પૈકી 230અમૂલ હસ્તક છે, પરંતુ અમૂલ હસ્તકના બાગ-બગીચામાં જાળવણીના મામલે ભારે ધાંધિયાં જોવા મળે છે. તંત્ર નિયમાનુસાર અમૂલને પેનલ્ટી ફટકારે છે, પરંતુ શહેરના બાગ-બગીચાઓની જોઈએ તેવી સારસંભાળ લેવાતી ન હોઈ બાગ-બગીચા ફરીથી ખૂલવા જઈ રહ્યા છે ત્યારે અમૂલ હસ્તકના બગીચાની સફાઈના પ્રશ્ન ઊઠશે.
અમૂલ હસ્તકના બગીચાની સફાઈના પ્રશ્ન ઊઠશે
અત્રે ઉલ્લેખનીય છે કે અમૂલને માત્ર ને માત્ર પાર્લર ચલાવવામાં રસ હોવાનું અનેક વાર જાહેરમાં તો આવ્યું છે, પરંતુ પાર્લરના પેટાના પેટા કોન્ટ્રાક્ટરનો વિવાદ પણ વારંવાર ગાજી ચૂક્યો છે. ભાજપના પૂર્વ શાસકોએ પણ અમૂલની ગોલમાલને સ્વીકારી હોઈ શું નવા શાસકો શહેરીજનોને સ્વચ્છ, સુંદર અને સુઘડ બગીચાઓની ભેટ આપશે?