બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / તો 'અંકુર'માં વહીદા રહેમાન હોત, 'ઝુબૈદા'ના સેટ પર શું જોવા મળ્યું? જાણો શ્યામ બેનેગલની અજાણી વાતો
Last Updated: 06:59 PM, 26 December 2024
શ્યામ બેનેગલ પાસેથી આ વાત શીખવા જેવી છે!
શ્યામ બેનેગલે ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’, ‘મંડી’, ‘ભૂમિકા’, ‘સૂરજ કા સાંતવા ઘોડા’, ‘ઝુનુન’ જેવી આર્ટ ફિલ્મો બનાવીને એક નોખો ચીલો ચાતર્યો હતો. શ્યામ બેનેગલની ફિલ્મોમાં ભારતની સામાજિક, રાજકીય મુદ્દાઓનું સચોટ નિરૂપણ હતું. અજય બ્રહ્માત્મજ કહે છે,‘શ્યામ બેનેગલે એમની શિક્ષા, એમનો ઉછેર, એમનો પરિપ્રેક્ષ્ય જે પ્રમાણે હતો એ પ્રમાણે સિનેમા બનાવ્યું છે. જે સિનેમા પછી પેરેલલ સિનેમા બની. ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’ વગેરે ફિલ્મોમાં પહેલીવાર ભારતીય સમાજની પોતાની સમસ્યાઓ, વિસગંતીઓ, શોષણ, દમન, જાતિગત ભેદભાવ જેવા મુદ્દાઓનું યથાર્થ ચિત્રણ થયું છે. આ બધા જ મુદ્દાઓ બહુ રસપ્રદ રીતે સિનેમાના માધ્યમથી શ્યામ બેનેગલે દર્શાવ્યા છે. સોશિયો-રિઆલીઝમને ડ્રામાના રૂપમાં કેવી રીતે અસરકારક અને રસપ્રદ રીતે રજૂ કરવો એ શ્યામ બેનેગલ પાસેથી શીખવા જેવી વાત છે. ભારતમાં 1973-1975નો સમય બહુ મહત્વનો રહ્યો છે જેનું પ્રતિબિંબ એમની ફિલ્મોની વાર્તાઓમાં પડે છે.
ADVERTISEMENT
મહિલા પાત્રો: પોતાનો નિર્ણય લેવા સક્ષમ
શ્યામ બેનેગલની ‘અંકુર’, ‘ભૂમિકા’, 'મંડી' કે પછી ‘મંથન’ જેવી ફિલ્મો જુઓ તો એમાં મહિલા પાત્રનું અસરકારક ચિત્રણ જોવા મળે છે. અજય બ્રહ્માત્મજ કહે છે,‘શ્યામ બનેગેલનું માનવું હતું કે મહિલાઓ રાષ્ટ્રનો એક મહત્વનો હિસ્સો છે. હ્યુમન રિસોર્સ પ્રમાણે પચાસ ટકા મહિલાનો હિસ્સો છે. પણ સમાજ મહિલાની શકિતનો હજુ ઉપયોગ કરતો નથી. મહિલાને દબાવીને રાખે છે. મહિલાઓ અંગેની પોતાની જે માન્યતા હતી એને શ્યામ બેનેગલે ફિલ્મોમાં બતાવી છે. શ્યામ બેનેગલે પોતાની ફિલ્મોમાં મહિલા પાત્રોને નિર્ણય લઇ શકવા માટે સક્ષમ બતાવ્યા છે. હિન્દી મસાલા ફિલ્મોમાં જે રીતે મહિલાને કોમોડીટી બનાવીને પેશ કરવામાં આવે છે એ વલણ તો શ્યામ બનેગલનું બિલકુલ રહ્યું નથી.’
ADVERTISEMENT
આર્ટ સિનેમાના મશાલચી એટલે શ્યામ બેનેગલ
આર્ટ ફિલ્મને કોમર્સ સાથે પણ નાતો હોવો જોઇએ!
શ્યામ બેનેગલ સાથે પોતાનો વ્યક્તિગત અનુભવ વાગોળતા અજય બ્રહ્માત્મજ કહે છે,‘1994માં મેં પ્રખ્યાત હિન્દી સાહિત્યિક પત્રિકા ‘પહલ’ માટે એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. જેમાં એમણે કહ્યું હતું કે ફિલ્મ એક આર્ટિસ્ટિક પ્રોડકટ છે. કોઇ વિચાર પ્રોડકટ બને ત્યારે એ માર્કેટમાં વેચાવો પણ જોઇએ. એનું બજાર પણ મળવું જોઇએ. તેઓ એવું બિલકુલ નહોતા માનતા કે ભાઇ, આપણે તો ફિલ્મ બનાવી નાખી. હવે ફિલ્મ ચાલે કે ન ચાલે આપણને શું મતલબ? એમનો પૂરતો પ્રયાસ રહેતો કે ફિલ્મ કમાણી પણ કરે અને લોકો સુધી પણ પહોંચે.’
ડેમોક્રેટિક વ્યક્તિત્વ, ઇન્ડિવિઝ્યુઅલ ટેલેન્ટને આદર
શ્યામ બેનેગલે મનોજ બાજપાઇ, કરિશ્મા કપૂર અને રેખાને લઈને ઝુબૈદા ફિલ્મ બનાવી હતી જે જોધપુરના મહારાજા હનવંતસિંહ અને એમની પ્રેમિકા ઝુબૈદાની જગજાણીતી કહાની પર આધારિત હતી. આ ફિલ્મની મેકિંગ પ્રોસેસના અજય બ્રહ્માત્મજ નજીકના સાક્ષી રહ્યા છે. તેઓ કહે છે, ‘સમર’, ‘હરિભરી’ અને ‘ઝુબૈદા’ જેવી ફિલ્મની મેકિંગ પ્રોસેસને મેં નજીકથી જોઇ છે. શ્યામ બેનેગલને કામ કરતા મેં બહુ નજીકથી જોયા છે. ઘણીવાર નિર્દેશકો ઇન્ટરવ્યૂમાં તો સારી-સારી વાતો કરતા હોય છે પણ સેટ પર તાનાશાહની જેમ વર્તન કરતા હોય છે. જ્યારે શ્યામ બાબુના કિસ્સામાં આ વાત નહોતી લાગુ પડતી. તેઓ બહુ ડેમોક્રેટિક વ્યક્તિ હતા. એમની વિચારધારા-માન્યતા અંતિમ નહોતી. જો કોઇ અન્ય કલાકાર કે ટેક્નિશિયન કોઇ સજેશન કરે તો સારો વિચાર હોય તો સ્વીકારી લેતા હતા. તેઓ માનતા હતા કે ફિલ્મ એક ટીમવર્ક છે, એમાં નિર્દેશક ઉપરાંત બીજા પણ લોકોનો મહત્વનો ફાળો હોય છે. તેઓ ઇન્ડિવીઝ્યુઅલ ટેલેન્ટને આદર આપવામાં અને એ ટેલેન્ટનું પોતાના કામમાં ઉમેરણ કરવામાં માનતા હતા. બહુ ઓછા લોકો આમ કરી શકે છે’
શ્યામ બેનેગલના 90માં જન્મદિવસની તસવીર. કોને ખબર હતી કે...
આર્ટ અને કોર્મશિયલ સિનેમા અંગેના તફાવત અંગે શ્યામ બેનેગલ શું માનતા હતા?
ઘણા ફિલ્મમેકર આર્ટ કે કોમર્શિયલ ફિલ્મના કોઇ ચોકઠામાં બંધાયા વગર ફિલ્મ માત્ર સારી કે ખરાબ હોવાનું માને છે. ઘણા આર્ટ સિનેમા બનાવવા વાળાને તો આર્ટ ફિલ્મમેકરનું ટેગ ગમતું પણ નથી હોતું. અજય બ્રહ્માત્મજ કહે છે,‘શ્યામ બેનેગલ સાથે વાતચીત થતી હતી એ પ્રમાણે તેઓ પોતાના ટેસ્ટની ફિલ્મો બનાવવા માગતા હતા. કોમર્શિયલ ફિલ્મો બનાવવાથી એમને કોઇ પ્રશ્ન ન હતો. ક્યારેય એમણે કોમર્શિયલ સિનેમા કે કોમર્શિયલ કલાકારો વિશે ઘસાતું બોલ્યાનું યાદ નથી. એમને ખબર હતી કે ફિલ્મ એ માસ એન્ટરટેઇનિંગની વસ્તુ છે. શ્યામ બેનેગલ સાથે જે લોકો જોડાયેલા હતા એ લોકોનો વિચાર હતો કે આપણુ કામ માત્ર મનોરંજન આપવાનું નથી પણ એક મેસેજ આપવાનો છે'
સ્મિતા પાટીલ, શ્યામ બેનેગલ અને શબાના આઝમી
અભિનયના રત્નોની ખોજ
શ્યામ બેનેગલના સિનેમામાં નસરુદ્દીન શાહ, ઓમ પુરી, શબાના આઝમી, અને સ્મિતા પાટીલની પ્રતિભા પૂરબહારમાં ઉઘડી. અભિનયના ધાંસુ ખેલાડીઓ માટે શ્યામ બેનેગલની ફિલ્મો એક ઉત્તમ પ્લેટફોર્મ હતી. અજય બ્રહ્માત્મજ કહે છે,‘ફિલ્મ વિદ્યાના, અભિનયના ઘણા વિદ્યાર્થીઓ NSD(નેશનલ સ્કુલ ઓફ ડ્રામા) કે FTII (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા) માંથી પાસઆઉટ થઇને આવી રહ્યા હતા. પેરેલલ સિનેમા એમના માટે એક પ્લેટફોર્મ બન્યું. જ્યાં પ્રયોગો થઇ રહ્યા હતા. કોમર્શિયલ સિનેમાના નિર્દેશકો ઓલરેડી એસ્ટાબ્લીશ્ડ થઇ ચૂકેલા ફેમસ ચહેરાને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરતા હોય છે. બહુ ઓછા એવા નિર્દેશકો હોય છે કે જેઓ રો એન્ડ રિઅલ ટેલેન્ટને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરીને ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે. શ્યામ બેનેગલથી અનુરાગ કશ્યપ સુધીના ફિલ્મમેકરના ઉદાહરણ લઇ શકાય. એક સાચા ફિલ્મમેકરની આ જ ઓળખ છે કે એ રિઅલ ટેલેન્ટને લોકો સામે લાવે છે. શ્યામ બાબુની બીજી એક ખાસિયત એ હતી કે તેઓ ક્યારેય કોઇ કલાકારનું ઓડીશન લેતા ન હતા!’
શ્યામ બેનેગલે બનાવેલી અર્થપૂર્ણ ફિલ્મો
...તો ‘અંકુર’માં વહીદા રહેમાન હોત!
અજય બ્રહ્માત્મજ આગળ કહે છે,‘અંકુર ફિલ્મ માટે શ્યામ બેનેગલ વહીદા રહેમાનને લેવા માગતા હતા. જોકે આ શકય ન બન્યું. એક નિર્દેશકને એવા કલાકારની પણ જરૂરિયાત હોય છે કે જેના પર એ પ્રયોગ કરી શકે. કોમર્શિયલ સિનેમાના લોકો એના માટે તૈયાર નથી હોતા. હિન્દી ફિલ્મોનો જે પ્રારૂપ બનેલો છે એનાથી શ્યામ બેનેગલના સિનેમાના કલાકારો જુદા છે. એમનો ચહેરો સુંદર નથી. તેઓ એક અચ્છા કલાકાર જરૂર છે. શ્યામ બેનેગલને પોતાના પાત્રને ન્યાય આપી શકે એવા કલાકારોની જરૂરિયાત હતી. જ્યારે શ્યામ બેનેગલ 'ભારત એક ખોજ' બનાવી રહ્યા હતા ત્યારે એમને ઘણા બધા કલાકારોની જરૂરિયાત હતી. જો કલાકાર મંજાયેલો હોય ત્યારે નિર્દેશકનું કામ આસાન બની જાય. કોઇ પણ મંજાયેલા કલાકારને ભારત એક ખોજમાં કામ મળી જતું હતું. નિર્દેશક અને કલાકાર બંને એકબીજાના પૂરકરૂપ હતા'
અભિનયના ધુરંધરો અને શ્યામ બેનેગલ
ભારત એક ખોજ અને બંધારણ
જ્યારે સિરીયલમાં એકતા બહેનનો પ્રવેશ નહોતો થયો એ દિવસોની વાત છે. ટીવી પર સરસ મજાનું કોન્ટેન્ટ આવતું. જલારામ બાપાની વીરપુરની ખીચડી જેવું સાત્વિક અને શુદ્ધ. એ સમયે શ્યામ બેનેગલનો બહુ વખણાયેલો ટીવી-શૉ ‘ભારત એક ખોજ’ આવતો હતો. પત્રકારત્વથી માંડીને સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને ઇતિહાસરસિકોએ એમની આ સિરીયલ જોવી જોઇએ. આ ઉપરાંત શ્યામ બેનેગલ સાહેબે બંધારણ ઘડાયા પાછળની જટીલ જદ્દોજહદને રસપ્રદ રીતે સિરીઝ 'સંવિધાન'માં બતાવી છે. એ પણ જોઇ ન હોય તો મસ્ટ રીકમેન્ડેડ.
અજય બ્રહ્માત્મજ કહે છે,‘રાજીવ ગાંધીના કાળમાં રામાયણ અને મહાભારત પર ટીવી શૉ નિર્માણ કરવાનું નક્કી થયું હતું અને આ સાથે કન્ટેમ્પરરી ઇતિહાસ પરથી એક સિરીઝ બનાવવાનો નિર્ણય થયો હતો જેના માટે જવાહરલાલ નહેરુની ફેમસ બુક 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા'ની પસંદગી થઇ હતી. તમે વિચાર કરો કે બંધારણ જેવા જટીલ અને અઘરા વિષય પર શો બનાવવાનું કોઇ વિચારી પણ ન શકે. પણ શ્યામ બેનેગલે આ કામ 'સંવિધાન' ટીવી-સિરીઝ બનાવીને કરી બતાવ્યું હતું. હું તો ત્યાં સુધી કહું છું કે શાળા-કોલેજોમાં 'ભારત એક ખોજ' અને 'સંવિધાન'ને બતાવવી જોઇએ. 'ભારત એક ખોજ' સિરીયલે અન્ય ટીવી સિરીયલો માટે માનક પ્રસ્થાપિત કર્યો હતો’
'ભારત એક ખોજ' જેવા જ્ઞાનવર્ધી શૉ આપીને શ્યામ બેનેગલે ભારતીય ટેલિવિઝન જગતને રળિયાત કર્યુ
છેક સુધી પોતાના સિનેમાને વળગેલા રહ્યા
બંગાળની ભૂમિમાંથી સત્યજીત રાય, ઋત્વિક ઘટક, મૃણાલ સેન જેવા ધુંરધર ફિલ્મમેકર આવ્યા છે. આમ તો સરખામણી જ અસ્થાને છે પરંતુ આમ છતા આવા બધા બીજા ફિલ્મમેકરો વચ્ચે શ્યામ બેનેગલનું સિનેમા કંઇ રીતે અલગ પડતું હતું? એવો સવાલ પુછીએ ત્યારે અજય બ્રહ્માત્મજ તરફથી જવાબ મળે છે,‘શ્યામ બેનેગલ સત્યજીત રાયથી ખાસ્સા પ્રભાવિત હતા પણ દરેક ફિલ્મમેકરની પોતપોતાની દૃષ્ટિ હોય છે. શ્યામ બેનેગલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ છેક સુધી પોતે જે સિનેમામાં માનતા હતા એ પ્રકારના સિનેમાને વળગી રહ્યા. શ્યામ બેનેગલ પછીના ઘણા ફિલ્મ નિર્દેશકો પોતાના મૂળ ટ્રેક પરથી ફંટાઇ ગયા હતા. કોઇ કોમર્શિયલ થઇ ગયા તો કેટલાકે ફિલ્મ બનાવવાની છોડી દીધી. પચાસ વર્ષની કારકિર્દીમાં શ્યામ બેનેગલે જેટલી ફિલ્મો-ટીવી શો-ડૉક્યુમેન્ટરી જે કરી છે એ અભૂતપુર્વ છે. તમે 'ભારત એક ખોજ'નો જ દાખલો લઇ લો. બીજા કોઇ માટે એ આખી જિંદગીનું કામ હોઇ શકે છે. શ્યામ બેનેગલે પોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણે છેક સુધી ફિલ્મો બનાવે રાખી. હા, શ્યામ બેનેગલની એક-બે સાધારણ ફિલ્મ પણ છે જ પરંતુ આવા મેકરનું સામાન્ય કામ પણ સાધારણ કોટી કરતા ઉંચુ હોય છે’
શ્યામ બેનેગલે પોતાના આદર્શમૂર્તિ સત્યજીત પર એક ડૉક્યુમેન્ટ્રી પણ બનાવી હતી. તસવીરમાં શ્યામ બેનેગલ, સત્યજીત રાય અને એમની પાછળ ગોવિંદ નિહલાની દૃશ્યમાન થઇ રહ્યા છે.
નવી પેઢીના ફિલ્મમેકર અને શ્યામ બેનેગલ
‘ગો વેલ શ્યામ બાબુ, થેન્ક્યુ ફોર ઇન્સપાયરીંગ લાઇક મી’ શ્યામ બેનેગલને શ્રદ્ધાંજલી આપતા આ શબ્દો જાણીતા ફિલ્મ મેકર હંસલ મહેતાના છે. ફિલ્મમેકરની એક આખી પેઢી પર શ્યામ બેનેગલની અસર રહી છે. આ અંગે વાત કરતા અજય બ્રહ્માત્મજ કહે છે, ‘કોઇ પણ મોટા ફિલ્મકારની ભૂમિકા માત્ર દ્રોણાચાર્ય તરીકેની હોય છે. બાકી બધા ફિલ્મકાર એકલવ્ય હોય છે. કોઇ અર્જુન નથી. એવું નથી કે શ્યામ બેનેગલે કોઇને સાથે રાખીને ટ્રેઇન કર્યા હોય પણ હિન્દી સિનેમાનો ઇતિહાસ શ્યામ બેનેગલ વગર તમે લખી જ ન શકો. યુવા ફિલ્મકારો પર શ્યામ બેનેગલનો પ્રભાવ કોઇને કોઇ રીતે જોઇ શકાય છે. શ્યામ બેનેગલ હવે હયાત નથી ત્યારે થિયેટરમાં અને દૂરદર્શન પર એક અઠવાડિયા સુધી એમની કેટલીક સરસ ફિલ્મો પ્રદર્શિત કરવી જોઇએ’
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.